Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

ચૂંટણી જંગમાં ગજબનાક શાંતિનો માહોલ

આ ચૂંટણીમાં ઇમોશનલ મુદ્દાઓ ગૂમ થયાઃ મતદાન ઘટશે તો?: આ વખતે મોદીનું ટ્રમ્પ કાર્ડ જ ભાજપનો એકમાત્ર સહારો

નવી દિલ્હી તા. ૧ : સમગ્ર ગુજરાતનાં ચૂંટણી સર્વેક્ષણોમાં સૌથી તલસ્પર્શી પ્રશ્ન અને મુદ્દો એ ઉપસ્થિત થઈ રહ્યો છે કે, આ વખતે ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામતો નથી. ચૂંટણી આડે માંડ હવે નવ દિવસ બાકી છે ત્યારે વર્ષ-૨૦૦૨, વર્ષ-૨૦૦૭ કે વર્ષ-૨૦૧૨ની માફક કોઈ ઈમોશનલ મુદ્દો ગુજરાતનાં મતદારોને અપીલ કરી રહ્યો હોય તેમ જણાતું નથી. બલકે, આ વખતે સૌપ્રથમ વખત ચૂંટણી આર્થિક મુદ્દાને આધારે લડાઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી માંડીને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ગુજરાતનાં વિકાસની વાતો કરે છે તો સામા પક્ષે કોંગ્રેસ વિકાસ ગાંડો થઈ ગયો હોવાની વાતો ફેલાવે છે.

જીએસટી એટલે કોંગ્રેસના મતે ગબ્બરસિંઘ ટેકસ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શબ્દોમાં કહીએ તો રાહુલ ગાંધીનો 'ગ્રાન્ડ સ્ટુપિડ થોટ', રાહુલ ગાંધીના પ્રવચનોમાં મુખ્યત્વે ૧.ગુજરાતમાં બેરોજગારી છે, ૨. નોટબંધી અને જીએસટીને કારણે સામાન્ય નાગરિકોને હાલાકી ભોગવવી પડી છે. ૩. ખેડૂતને ટેકાના ભાવ મળતા નથી. ૪. કિસાનોની કપાસ-મગફળીની ખરીદી બંધ થઈ ગઈ છે. ૫.આશા વર્કરોથી માંડીને વિઘાસહાયકોને પૂરતું વેતન ચૂકવાતું નથી. ૬. કિસાનોનાં દેવા માફ થતાં નથી. ૭. ગુજરાતનું દેવું વર્ષ-૧૯૯૫માં ૮ હજાર કરોડ એ આજે વધીને વર્ષ-૨૦૧૭માં ૨.૮ લાખ કરોડ થઈ ગયું છે. ટૂંકમાં, આ તમામ મુદ્દાઓ આર્થિક વિકાસને પડકારે છે. નરેન્દ્ર મોદીના વિકાસના મોડેલને બોદું દર્શાવે છે.

મનરેગામાં ૩૫,૦૦૦ કરોડ કોંગ્રેસ આપતી હતી અને ભાજપ સરકારે ટાટા-નેનો પ્રોજેકટ માટે ૩૩,૦૦૦ કરોડ ફાળવી દીધા એ મતલબના કોંગ્રેસના આક્ષેપો પુરવાર કરે છે કે, તેઓ અર્થતંત્રને કે આર્થિક મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને ચૂંટણી લડી રહ્યા છે અને ભાજપ સરકારની ૨૨ વર્ષની એન્ટિ ઈન્કમબન્સીનો લાભ ઉઠાવવા માગે છે.

કોંગ્રેસના પ્રાદેશિક નેતાઓ જનમેદની એકત્ર કરવામાં ઊણાં ઉતરે તેમ છે. પરિણામે, કોંગ્રેસે હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણી જેવા નેતાઓને ભીડ એકત્ર કરવાનું કામ જાણે આઉટસોર્સિંગ કરી નાખ્યું છે.

સામા પક્ષે ભાજપ સૌપ્રથમ વખત આ ચૂંટણીમાં એકશનને બદલે 'રીએકશન મોડ'માં જણાય છે. સામાન્ય રીતે ભાજપ ચૂંટણીનો એજન્ડા સેટ કરે છે. વર્ષ-૨૦૦૨માં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે ગોધરાકાંડના ઓછાયા હેઠળ ગુજરાતનો મતદાર હિન્દુ અને મુસ્લિમમાં વહેંચાઈ ગયો હતો અને જંગી બહુમતીથી ભાજપ ચૂંટણી જીતી ગયું હતું. વર્ષ-૨૦૦૭માં કોંગ્રેસ પાર્ટીના સુપ્રીમો સોનિયા ગાંધીએ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને મોત કા સોદાગર તરીકે ઓળખાવવાની હિમાલય જેવડી મસમોટી ભૂલ કરી અને નરેન્દ્ર મોદી મોતને બદલે 'મતનાં સોદાગર'બની ગયા. પુનઃ ભાજપ બે-તૃતીયાંશ બહુમતીથી ચૂંટણી જીતી ગયું. વર્ષ-૨૦૧૨માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે પ્રસ્થાપિત થઈ ગયું હતું કે નરેન્દ્રભાઈ વડાપ્રધાનપદના ભાવિ ઉમેદવાર છે અને ગુજરાતની જનતાએ એ સ્વીકૃતિ પર મંજુરીની મહોર મારી ભાજપને ૧૧૬ બેઠક જીતાડી દીધી. વર્ષ-૨૦૦૨ અને વર્ષ-૨૦૦૭માં હિન્દુત્વનો સૂરજ જયારે મધ્યાહ્રને તપતો હતો ત્યારે ભાજપને અનુક્રમે ૧૨૭ અને ૧૧૭ બેઠકો મળી હતી. જયારે કોંગ્રેસને વર્ષ-૨૦૦૨માં ૫૧, વર્ષ-૨૦૦૭માં ૫૯ અને વર્ષ-૨૦૧૨માં ૬૦ બેઠકો મળી હતી. કહેવાનો સાર એ છે કે, છેલ્લી ત્રણેય વિધાનસભા ચૂંટણીમાં ભાજપને દેખીતી રીતે ઈમોશનલ ઈશ્યુનો એડવાન્ટેજ હતો, જે આ ચૂંટણીમાં હજી સપાટીએ આવતો જણાતો નથી. હાર્દિક પટેલ નામનું પરિબળ ભાજપને નડશે? ગત ચૂંટણીમાં કેશુભાઈ પટેલે ગુજરાત પરિવર્તન પાર્ટી રચીને ભાજપ સામે જાણે પડકાર ફેંકયો હતો, પરંતુ કેશુભાઈ પટેલ વિસાદવરમાંથી અને નલીન કોટડિયા ધારી બેઠક પરથી ચૂંટાયા હતા. એ બે બેઠકોને બાદ કરતાં કેશુભાઈની પાર્ટીનો કરુણ રકાસ થયો હતો. ટૂંકમાં, કેશુભાઈ નામનું પરિબળ પટેલવાદનાં મુદ્દે ભાજપને હંફાવી શકયું નહોતું કારણ કે, કેશુભાઈ ગુજરાતમાં થર્ડ ફોર્સ તરીકે ઉપસવા માગતા હતા. કેશુભાઈની સરખામણીમાં હાર્દિક પટેલનો એકમાત્ર એજન્ડા ભાજપને હરાવવાનો છે. હાર્દિક પટેલની જાહેર સભાઓમાં સ્વયંભૂ જનસમુદાય ઉમટે છે, એ વાતનો કોઈ ઈન્કાર કરી શકે તેમ નથી. ગુજરાતમાં આ વખતે કોઈ થર્ડ ફોર્સ નજરે જણાતો નથી. હાર્દિક પટેલના સીડીકાંડથી ભાજપને કોઈ ફાયદો થયો નથી. હાર્દિકની લોકપ્રિયતા ઘટી નથી. રાહુલ ગાંધી સામેનું બિનહિન્દુ કાર્ડ ઝાઝું ટકે તેમ જણાતું નથી. ભાજપને આ ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વની ખોટ વર્તાઈ રહી છે. ભાજપે આ ચૂંટણી જીતવા માટે એડીથી માંડીને ચોટી સુધી જોર લગાવ્યું છે.

કેન્દ્રીય કેબિનેટના મંત્રીઓ ભાજપ શાસિત રાજયોના મુખ્યમંત્રીઓ, રાષ્ટ્રીય પ્રમુખ અમિતભાઈ શાહ સહિત સંગઠનનાં સીનિયર પદાધિકારીઓ ચૂંટણી મેદાનમાં પ્રચાર માટે ઉતરી ચૂકયા છે. સંઘના સ્વયંસેવકો છેલ્લા છ મહિનાથી ગુજરાતમાં ચરૈવેતી ચરૈવેતી કરી રહ્યા છે, પરંતુ રામમંદિરનો મુદ્દો હોય કે લવજેહાદ કે પાકિસ્તાનના આતંકવાદ કે ગૌરક્ષા કે ટ્રિપલ તલાક કે કોમી રમખાણ જેવું કોઈ ઈમોશનલ ફેકટર હજુ સુધી સ્પષ્ટપણે રાજકીય ધરાતલ પર ઉપસતું જણાતું નથી. પરિણામે, ગુજરાતના મતદારોને મતદાન મથક પર જવા પ્રેરિત કરે એવું કોઈ ચાલક બળ ભાજપ કે કોંગ્રેસને મળી રહ્યું નથી. કોંગ્રેસ માને છે કે, તેઓને કદાચ એન્ટિ ઇન્કમબન્સીના નામે બગાસું ખાતા પતાસું મળી જશે. જયારે ભાજપ પોતાના સંગઠનની તાકાત પર મુસ્તાક છે, છતાં બંને પક્ષોને ઓછા મતદાનની ભીતી છે અને જો ખરેખર મતદાન ઓછું થાય તો ફાયદો કોને થશે? એનો જવાબ તો તા.૧૮મી ડિસેમ્બરે જ મળશે.

(10:39 am IST)