Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

પ૦૦૦ કરોડનું હવાલા કૌભાંડ

ઇડીના ગુજરાત સ્થિત ફાર્મા કંપનીના ડિરેકટર્સ - સહયોગીઓને ત્યાં દરોડા

નવી દિલ્હી તા. ૧ : એન્ફોર્સમેન્ટ ડિરેકટરેટ (ED)એ ગઇ કાલે પ૦૦૦ કરોડ રૂપિયાના મની-લોન્ડરીંગ કેસ સંદર્ભે ગુજરાતસ્થિત ફાર્મા કંપની સ્ટર્લિંગ બાયોટેકના ડિરેકટર્સ અને તેમના સહયોગીઓના દિલ્હીના અનેક ઠેકાણાંઓ પર દરોડા પાડયા હતા EDના અધિકારીઓએ જણાવ્યું હતું કે દરોડા પાડનારી ટુકડીએ દસ્તાવેજો તેમ જ હાર્ડડિસ્ક અને CD ડ્રાઇવ જેવા કમ્પ્યુટર હાર્ડવેર જપ્ત કર્યા હતા. આ દરોડામાં કુલ સાત રહેઠાણો અને બિઝનેસ-ઓફિસોને આવરી લેવામાં આવ્યા હતાં.

મોટા ભાગના દરોડા કોંગ્રેસના અગ્રણી નેતા અને કોંગ્રેસના સુપ્રીમો સોનિયા ગાંધીના પોલિટીકલ સેક્રેટરી અહમદ પટેલની નજીકના મનાતા સંજીવત મહાજન સહિત અન્ય લોકોનાં ઘર અને ઓફિસની જગ્યાઓ પર પાડવામાં આવ્યા હતા.

જો કે ગુજરાતથી રાજયસભાના સભ્ય તરીકે ચુંટાઇ આવેલા અહમદ પટેલનું કહેવું છે કે આ દરોડા પ૩૮૩ કરોડ રૂપિયાના મની-લોન્ડરિંગ કેસ સંદર્ભે પાડવામાં આવી રહ્યા છે, જેનો આરોપ સાંડેસરા ગ્રુપ પર મુકાયો છે. જેમના ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવ્યા છે એમાંથી સંજીવ મહાજન સિવાય કોઇને પણ તેઓ જાણતા નથી.

CBI એ સ્ટર્લિંગ બાયોટેક, એના ડિરેકટર્સ ચેતન સાંડેસરા, દીપ્તિ સાંડેસરા, રાજભૂષણ દીક્ષિત, નીતીન સાંડેસરા, વિલાસ જોશી તેમજ CA હેમંત હાથી અને આંધ્ર બેન્કના ભૂતપૂર્વ ડિરેકટર અનુપ ગર્ગ તથા અન્ય અજાણ્યા શખ્સો વિરૂધ્ધ બેન્ક ફોડનો આરોપ મુકીને FIR નોંધાવ્યો હતો. આ FIR ના આધારે ED એ સ્ટર્લિંગ બાયોટેક અને સાંડેસરા પરિવાર વિરૂધ્ધ પ્રિવેન્શન ઓફ મની-લોન્ડરીંગ એકટની જોગવાઇઓ હેઠળ કેસ દાખલ કર્યો હતો.

CBI એ આરોપ મુકયો હતો કે કંપનીએ આંધ્ર બેન્કના કન્સોર્ટિયમ હેઠળ બેન્કો પાસેથી પ૦૦૦ કરોડ રૂપિયાની લોન લીધી હતી, જે સમયસર ન ચુકવાતા પછીથી નોન-પર્ફોર્મિંગ એસેટ્સમાં ફેરવાઇ હતી.

(10:06 am IST)