Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

રાજકોટમાં ૩ એપ્રિલ ર૦૧૩ના રોજ એક જ પરિવારના પાંચ લોકોએ કરેલી આત્મહત્યા સંદર્ભે આજે સુપ્રિમ કોર્ટમાં સુનાવણી

જમીન વિવાદમાં એક જ પરિવારે આપઘાત કર્યો હતોઃ એસઆઇટી પાસે મામલાની તપાસ કરાવવા માંગણી

નવી દિલ્હી તા.૧ : ગુજરાતની ચૂંટણી પહેલા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી વિરૂધ્ધ સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં રાજકોટમાં એક જ પરિવારના પાંચ સભ્યોની આત્મહત્યાના મામલામાં એસઆઇટી પાસે તપાસની માંગણી કરવામાં આવી છે. આ મામલામાં રૂપાણી અને અન્ય નેતાઓ ઉપર આરોપો મુકવામાં આવ્યા છે. આ મામલે આજે સુપ્રિમ કોર્ટ સુનાવણી કરી રહી છે.

સુપ્રિમ કોર્ટમાં એડવોકેટ કૌશિક ચંદ્રકાંતભાઇ વ્યાસે રૂપાણી વિરૂધ્ધ અરજી દાખલ કરી છે. અરજીમાં જણાવાયુ છે કે રાજકોટમાં ૩ એપ્રિલ ર૦૧૩ના રોજ ભરત માનસિંહભાઇ નેપાળી તથા તેમના પરિવારના ચાર સભ્યોએ જમીન વિવાદને કારણે આપઘાત કરી લીધો હતો. પોલીસે બધાના મૃત્યુ પહેલા નિવેદન લીધા હતા જેમાં તેમણે વિજય રૂપાણી અને ભાજપના બે કોર્પોરેટરોના નામ લીધા હતા પરંતુ આ મામલામાં પોલીસે કોઇ કાર્યવાહી કરી નથી. ઉલ્ટાનુ પોલીસે રૂપાણીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો એટલુ જ નહી સાક્ષીઓના નિવેદનો પણ નોંધવામાં આવ્યા ન હતા.

સુપ્રિમમાં થયેલી અરજીમાં જણાવાયુ છે કે, મુખ્યમંત્રી પોતાના પદ અને પ્રભાવનો ઉપયોગ કરી તપાસને પ્રભાવીત કરી રહ્યા છે અને અરજદારને ધમકાવી રહ્યા છે જે કારણે ગુજરાત હાઇકોર્ટમાં પણ વકીલોએ કેસ લેવાનો ઇન્કાર કર્યો હતો. તેથી હું સીધો આ મામલામાં સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરી રહ્યો છુ. અરજીમાં વ્યાસે ખુદને સુરક્ષા આપવાની પણ માંગણી કરી છે. તેમણે અરજીમાં જણાવ્યુ છે કે, બંધારણની કલમ-ર૧માં જીવનનો અધિકાર અને સ્વતંત્રતાનો અધિકાર આપવામાં આવ્યો છે જેનો અહી મુખ્યમંત્રીના નિર્દેશથી ગેરકાનૂની રીતે ભંગ થયો છે. સ્ટેટ મશીનરીએ તેમના નિર્દેશથી આ સમગ્ર મામલાને દબાવવાનો પ્રયાસ કર્યો છે.

 

(9:38 am IST)