Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

મોબાઈલફોન પર રિંગ 30 સેકન્ડ અને લેન્ડલાઈન 60 સેકન્ડ વાગવી હવે ફરજીયાત : TRAIનો આદેશ

ઈન્કમિંગ કોલ દરમિયાન રિંગ વાગવાની સમય સીમા નક્કી

 

નવી દિલ્હી : ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા(TRAI) મોબાઈલ અને લેન્ડલાઈન પર ઈન્કમિંગ કોલ દરમિયાન રિંગ વાગવાની સમય સીમા નક્કી કરી છે. ટ્રાઈએ કહ્યું કે કોલ આવવા પર મોબાઈલ ફોન પર 30 સેકન્ડ અને લેન્ડલાઈન ફોન પર 60 સેકન્ડ સુધી રિંગટોન વાગવી જોઈએ. જો ગ્રાહક ફોન ઉઠાવે તો પણ રિંગટોન નક્કી સમય પહેલા બંધ થવી જોઈએ.

ટેલિફોન સેવા અને સેલ્યુલર મોબાઈલ સેવાની ગુણવત્તાના નિયમોમાં સુધારો કરતા ટ્રાઈએ જણાવ્યું કે, નવા સુધારા સાથે સેવા આપતી કંપનીઓએ ઈનકમિંગ વોઈસ કોલ માટે એલર્ટ કરતી રિંગનો સમય જ્યાં સુધી જવાબ આપવામાં આવે કે જેને કોલ કરાયો હોત તે ફોન કટ કરે ત્યાં સુધી મોબાઈલમાં 30 સેકન્ડ અને લેન્ડલાઈન ફોનમાં 60 સેકન્ડ સુધી રિંગ વગાડવાની રહેશે.

ટ્રાઈએ વધુમાં જણાવ્યું કે, જોકે, સામેની પાર્ટી તરફથી જો 90 સેકન્ડ સુધી કોઈ જવાબ આવે તો જે સેવા પ્રદાતા કંપની તરફથી કોલ કરાયો હોય તે જવાબ આપવામાં આવેલો ફોન કટ કરી શકે છે.

જિયોએ ટ્રાઈને લાઈસન્સના નિયમ અને હાલના કાયદા તોડવા બદલ એરટેલ અને આઈડિયાને મોટો દંડ ફટકારવા અપીલ પણ કરી હતી. એરટેલે જિયો પર ટ્રાઈને ભ્રમિત કરવાનો આરોપ લગાવ્યો હતો. કોલ કનેક્ટ ચાર્જ લાગુ થતા પહેલા જિયોએ આમ કર્યું છે. રિલાયન્સ જીઓએ ફરિયાદ કરતાં જૂના ઓપરેટરો પર આરોપ લગાવ્યો હતો કે, તેઓ વાયરલાઈન નંબરને મોબાઈલ નંબર ગણીને ગેરકાયદે કામ કરી રહ્યા છે અને તેમના પર આકરો દંડ લગાવવો જોઈએ. ભારતી એરટેલે રિલાયન્સ જીઓ પર વળતો આરોપ લગાવતા કહ્યું હતું કે, તેઓ કોલ કનેક્ટ ચાર્જિસ બાબતે નિયામકને ગેરમાર્ગે દોરી રહ્યા છે.

રિલાયન્સ જીઓ અને ભારતી એરટેલ વચ્ચે કોલ રિંગ સમય અંગે થયેલા વિવાદ પછી ટ્રાઈને પગલું ભરવાની ફરજ પડી છે.

ટ્રાઈએ આદેશ આપતા જણાવ્યું કે, તાજેતરમાં સત્તામંડળને ધ્યાનમાં આવ્યું હતું કે ટેલિકોમ સેવા પ્રદાતા કંપનીઓમાંથી કેટલીક કંપનીએ પોતાની જાતે એલર્ટ રિંગનો સમય ઘટાડી નાખ્યો હતો, જેના કારણે ગ્રાહકોને ખરાબ અનુભવ થઈ રહ્યો છે. સાથે કોલ મોકલનારી કંપનીઓ અને રિસીવ કરનારી કંપનીઓ દ્વારા કોલનો સમય ઘટાડી દેવામાં આવ્યો હોવાનું પણ ધ્યાને આવ્યું હતું.

(11:26 pm IST)