Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

ઉથલપાથલ વચ્ચે સેંસેક્સ ૩૬ પોઈન્ટ ઉછળીને અંતે બંધ થયો

સેંસેક્સ ૪૦૧૬૫ની ઉંચી સપાટી પર રહ્યો : સેંસેક્સે ૪૦ હજારની સપાટી કુદાવી દીધા બાદ કારોબારી ભારે આશાવાદી : મિડકેપ અને સ્મોલ કેપમાં પણ સુધારો

મુંબઈ, તા. ૧ : શેરબજારમાં આજે ભારે ઉથલપાથલ જોવા મળી હતી. કારોબારના અંતે સેંસેક્સ ફ્લેટ રીતે બંધ થયો હતો. એચડીએફસી બેંક, આઈટીસી અને એક્સિસ બેંક જેવા પસંગીના હેવિવેટમાં લેવાલી જામી હતી. બીએસઈ સેંસેક્સ ૩૬ પોઈન્ટ સુધરીને ૪૦૧૬૫ની ઉચી સપાટીએ રહ્યો હતો. ઈન્ડેક્સ આજે દિવસ દરમિયાન ૪૦૨૮૩ની ઉંચી અને ૪૦૦૧૪ની નીચી સપાટીએ રહ્યો હતો. ઈન્ડક્સ ઈન્ડ બેંકના શેરમાં પાંચ ટકાનો સૌથી વધુ ઉછાળો રહ્યો હતો. જ્યારે યશ બેંકના શેરમાં છ ટકાનો ઘટાડો રહ્યો હતો. ૩૦ શેર પૈકી ૧૫ શેરમાં લેવાલી જામી છે. જ્યારે બાકીના ૧૫ શેરમાં મંદી રહી છે. બ્રોડર માર્કેટમાં મિડકેપ અને સ્મોલકેપમાં સારી સ્થિતિ રહી હતી. મિડકેપમાં ૨૬ પોઈન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૪૮૯૧ રહી હતી. જ્યારે સ્મોલકેપ ઈન્ડેક્સમાં ૪૩ પોઈન્ટ ઉછાળો રહેતા તેની સપાટી ૧૩૬૦૧ રહી હતી. નિફ્ટીમાં ૨૨ પોઈન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૧૮૯૯ રહી હતી.

             ઓટો અને આઈટી સિવાય તમામ સેક્ટરલ ઈન્ડેક્સમાં આજે તેજી રહી હતી. નિફ્ટી મીડિયામાં આઠ ટકાનો ઉછાળો રહ્યો હતો. વિદેશી રોકાણકારોએ ઓક્ટોબર મહિનામાં મૂડી માર્કેટમાં ૫૦૭૨ કરોડ રૂપિયાની રકમ ઠાલવી હતી. સ્થાનિક માંગને વધારવા માટે સરકાર દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસો વચ્ચે આ જંગી રકમ ઠાલવવામાં આવી છે. આંકડા દર્શાવે છે કે, વિદેશી મૂડીરોકાણકારોએ ઇક્વિટીમાં ૪૯૭૦ કરોડ અને ડેબ્ટ માર્કેટમાંથી ૧૦૨ કરોડ રૂપિયાની રકમ ઠાલવી હતી. આની સાથે જ નેટ રોકાણનો આંકડો ૫૦૭૨ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો હતો. શેરબજારમાં હાલ ઉતાર ચઢાવ રહે તેવી શક્યતા છે. ઈન્ડસ ઈન્ડ બેંકના શેરમાં આજે પાંચ ટકાનો ઉછાળો રહ્યો હતો. આના માટે કેટલાક કારણો જવાબદાર રહ્યા હતા. બીજી બાજુ આઈઓસીના શેરમાં ચાર ટકાથી વધુનો ઘટાડો થયો હતો. એશિયન શેરબજારમાં આજે ત્રણ મહિનાની ઉંચી સપાટી જોવા મળી હતી. હોંગકોંગના હેંગસેંગમાં ૦.૬૫ ટકાનો ઉછાળો રહ્યો હતો. જ્યારે કોસ્પીમાં ૦.૭૭ ટકાનો ઉછાળો રહ્યો હતો. શેરબજારમાં કારોબારી હાલ રોકાણ કરવાના મુડમાં દેખાઈ રહ્યા નથી. ક્રુડ ઓઈલની કિંમતમાં આજે નજીવા ફેરફાર જોવા મળ્યા હતા.

વૈશ્વિક પુરવઠા વચ્ચે ભાવી માંગને લઈને ચિંતા જોવા મળી રહી છે. છેલ્લા સમાચાર મુજબ તેલ કિંમતો આજે સ્થિર રહી હતી.હાલમાં સાઉદીમાં ડ્રોન હુમલા ઓઈલ પ્લાન્ટ ઉપર કરવામાં આવ્યા હતા.

(8:01 pm IST)