Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

કર્ણાટક પેટા ચૂંટણીમાં ૧૨ સીટો જીતીશું : કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા

૧૫ સીટો પર પેટા ચૂંટણીને લઈ તૈયારી જારી : ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીએ તાકાત લગાવી : પાંચમી ડિસેમ્બરના દિને મતદાન : ૧૧ ડિસેમ્બરે પરિણામ જાહેર

બેંગલોર, તા. ૧ : કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા સિદ્ધારમૈયાએ આજે દાવો કર્યો હતો કે, પ્રદેશની ૧૫ સીટો પર યોજાનારી વિધાનસભા પેટા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી ઓછામાં ઓછી ૧૨ સીટો જીતી જશે. પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, વર્તમાન કર્ણાટક સરકાર અપવિત્ર સરકાર છે અને હજુ સંખ્યામાં નબળી છે. તેમણે કહ્યું હતું કે, અમે તમામ ૧૫ સીટો પર જીત મેળવવાની સ્થિતિમાં છે. કોંગ્રેસે આઠ ઉમેદવાર જાહેર કરી દીધા છે. આ પહેલા ગુરુવારના દિવસે કોંગ્રેસ પાર્ટીએ આઠ સીટ પર પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરી હતી.

      કોંગ્રેસ તરફથી જારી કરવામાં આવેલી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે ભીમન્ના નાયકને યેલ્લાપુરથી મેદાનમાં ઉતારવામાં આવશે.આ ઉપરાંત અન્ય ઉમેદવારોની પસંદગી પણ કરી લેવામાં આવી છે. કર્ણાટક વિધાનસભાના તત્કાલિન સ્પીકર દ્વારા પાર્ટી બદલા કાયદા હેઠળ કોંગ્રેસ અને જેડીએસના ૧૭ ધારાસભ્યોની ગૃહની મેમ્બરશીપને રદ કરવામાં આવ્યા બાદ વિધાનસભાની પેટાચૂંટણી યોજાઈ રહી છે. પાંચમી ડિસેમ્બરના દિવસે પ્રદેશની ૧૫ વિધાનસભા સીટની પેટા ચૂંટણી યોજવામાં આવશે. જ્યારે ૧૧મી ડિસેમ્બરના દિવસે ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવશે.

 ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસે તમામ તાકાત લગાવી દીધી છે. કર્ણાટક વિધાનસભામાં ૧૨ સીટો પર જીતવાના સિદ્ધારમૈયાના દાવા બાદ કોંગ્રેસ પાર્ટી તરફથી કાર્યકરો વધારે તાકાત લગાવી રહ્યા છે. બીજી બાજુ મુખ્યમંત્રી જે ભાજપના છે તે પણ પોતાની પાર્ટીને વધુને વધુ સીટો અપાવવાના પ્રયાસ કરી રહ્યા છે. પાંચમી ડિસેમ્બરના દિવસે મતદાન યોજાયા બાદ ૧૧મી ડિસેમ્બરે પરિણામ જાહેર થયા બાદ જ પેટા ચૂંટણીના પરિણામ કોની તરફેણમાં રહ્યા તે અંગેનું ચિત્ર સ્પષ્ટ થશે. હાલમાં તૈયારીમાં તમામ પક્ષો લાગી ગયા છે.

(7:58 pm IST)