Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

ભયાનક પ્રદુષણ...દિલ્હી-એનસીઆરમાં હેલ્થ ઈમરજન્સી જાહેર

વાયુ પ્રદુષણ ખતરનાક સ્તરે પહોંચી જતા તકેદારીના સ્વરૂપે કટોકટી જાહેર કરવામાં આવીઃ ફટાકડા ફોડવા-કન્સ્ટ્રકશન પ્રવૃતિ પર પ્રતિબંધ મુકી દેવાયોઃ શાળાઓમાં રજા : વાયુ પ્રદુષણની સ્વાસ્થ્ય ઉપર ગંભીર અસર પડવાની આશંકાઃ બાળકો વહેલા ભરડામાં આવી શકે છેઃ દિલ્હી ઉપરાંત યુપીના ૮ શહેરો ખતરનાક વાયુ પ્રદુષણના સકંજામાં

નવી દિલ્હી, તા. ૧ :. દિલ્હીમાં પ્રદુષણ ગંભીર બનતા હેલ્થ ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. આ જાહેરાત સુપ્રીમ કોર્ટની એક પેનલે કરી છે અને ૫ નવેમ્બર સુધી નિર્માણ કાર્યો ઉપર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. એટલુ જ નહિ ફટાકડા ફોડવાની પણ મનાઈ અમલી બની છે. દિલ્હી, એનસીઆરમાં હવાની ગુણવત્તા ગુરૂવારે રાત્રે વધુ ખરાબ થઈ ગઈ હતી અને તે ગંભીર સ્તરે પહોંચી ગઈ હતી. પર્યાવરણ, પ્રદુષણ નિયંત્રણ ઓથોરીટીના ચેરમેન ભુરેલાલે યુપી, હરીયાણા અને દિલ્હીના મુખ્ય સચિવોને પત્રો પણ લખ્યા છે. જેમાં જણાવ્યુ છે કે, આપણે આને સાર્વજનિક સ્વાસ્થ્ય કટોકટીના સ્વરૂપમાં લેવુ જોઈએ કારણ કે વાયુ પ્રદુષણની બધા પર ખાસ કરીને આપણા બા ળકો પર માઠી અસર પડશે.દિલ્હી-એનસીઆરમાં ધુમ્મસ અને વાયુ પ્રદુષણ ૩૫ ટકા રહ્યુ હતુ. ગઈકાલે તે ૨૪ ટકા રહેવાનું અનુમાન હતુ અને આજે ૨૫ ટકા રહેવાનું અનુમાન છે. દિલ્હીના લોધી રોડ, મેજર ધ્યાનચંદ સ્ટેડીયમ વિસ્તારમાં વાયુ પ્રદુષણ પીએમ ૨.૫નુ લેવલ એયર કવોલીટી ઈન્ડેકસ અનુસાર ૫૦૦ના ખતરનાક સ્તર પર પહોંચી ગયુ છે. ગાઝીયાબાદમાં તે ૪૮૭ ઉપર છે. નોઈડામાં ૫૦૦ને સ્પર્શ કરવા તરફ છે. યુપીના ૮ શહેરો ખતરનાક વાયુ પ્રદુષણના ભરડામાં છે. ગુરૂગ્રામ અને સિરસામાં પણ સ્થિતિ સારી નથી. વાયુ પ્રદુષણને કારણે આંખોની રોશની, ફેફસામાં પરેશાની, માથાનો દુઃખાવો, ત્વચામાં ઈન્ફેકશનની પરેશાની થઈ શકે છે. આવી સ્થિતિમાં ડાયેરીયા પણ થઈ શકે છે. શ્વાસ થકી શરીરમાં પહોંચતા પ્રદુષણના હાનિકારક તત્વો લોહીમાં ભળીને અનેક રોગોને જન્મ આપે છે જે ખતરનાક બની શકે છે.

(4:00 pm IST)