Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

નોકરી નથી...ઓકટોબરમાં ૩ વર્ષના શિખરે પહોંચ્યો બેરોજગારીનો દર

ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં બેરોજગારી સતત વધી રહી છેઃ ચોંકાવનારો રીપોર્ટ બહાર આવ્યોઃ ઓટો સહિતના અનેક સેકટરોમાં સ્થિતિ બગડવાને કારણે આવુ થયું : ૨૦૧૬થી ૨૦૧૮ વચ્ચે ૧.૧ કરોડ લોકોએ નોકરીથી હાથ ધોવા પડયાઃ નોટબંધીને કારણે નવી નોકરીઓની સંખ્યામાં ઘટાડો આવ્યોઃ સ્થિતિ હજુ યથાવત થઈ નથી

નવી દિલ્હી, તા. ૧ :. ભારતમાં બેરોજગારીનો દર ઓકટોબર મહિનામાં ૩ વર્ષના શિખરે પહોંચી ગયો છે. સેન્ટર ફોર મોનીટરીંગ ઈન્ડીયન ઈકોનોમી દ્વારા જારી આંકડા અનુસાર ગયા મહિને બેરોજગારીનો દર ૮.૫ ટકા રહ્યો જે ઓગષ્ટ ૨૦૧૬ બાદ સૌથી ઉચ્ચત્તમ સ્તર પર છે. જે આ વર્ષના સપ્ટેમ્બરમાં જારી આંકડાથી પણ ઘણો વધુ છે.

સેન્ટર દ્વારા જારી આંકડા અનુસાર ત્રિપુરા, હરીયાણા અને હિમાચલ પ્રદેશમાં લોકોને નોકરીઓ શોધવા પર પણ નથી મળતી. ત્રિપુરામાં બેરોજગારીનો દર ૨૩.૩ ટકા નોંધાયો છે. સેન્ટરના એમડી અને સીઈઓ મહેશ વ્યાસના જણાવ્યા પ્રમાણે દેશના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં બેરોજગારી સતત વધી રહી છે. જેમાં શહેરી વિસ્તારોમાં લોકોને નોકરીઓ નથી મળતી. ઓટો સહિત અનેક સેકટરમાં સ્થિતિ બગડવાથી આ અસર જોવા મળી છે. ટેકસસ્ટાઈલ, ચા, એફએમસીજી, રિયલ એસ્ટેટ જેવા સેકટરમાં ભયાનક મંદી છે.

સેન્ટર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર ૨૦૧૬ થી ૨૦૧૮ વચ્ચે ૧.૧ કરોડ લોકોને નોકરીથી હાથ ધોવા પડયા હતા. ફેબ્રુઆરી ૨૦૧૯માં બેકારીનો આંકડો ૭.૨ ટકા હતો જે એના આગલા વર્ષે ૫.૯ ટકા હતા. રીપોર્ટ અનુસાર જ્યાં ગયા વર્ષે ૪૦.૬ કરોડ લોકો નોકરી કરતા તો આ વર્ષે ફેબ્રુઆરીમાં આ આંકડો ૪૦ કરોડ રહી ગયો. આ હિસાબથી ૨૦૧૮ અને ૨૦૧૯ વચ્ચે ૬૦ લાખ લોકો બેરોજગાર બન્યા. આ વર્ષે મે મા જારી રીપોર્ટ અનુસાર શહેરી વિસ્તારોમાં બેરોજગારીની સંખ્યા ૭.૮ ટકા રહી તો ગ્રામીણ વિસ્તારોમાં તે ૫.૩ ટકા રહી હતી. રીપોર્ટ અનુસાર નોટબંધીને કારણે નવી નોકરીઓની સંખ્યામાં ઘણો ઘટાડો થયો હતો જે હજુ ઠીક થયો નથી.

(3:45 pm IST)