Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

નાગા સમજુતી વિરૂધ્ધ મણીપુરમાં જન આક્રોશ

દેખાવકારો મણિપુરની ઈમ્ફાલ ખીણની શેરીઓમાં ઉમટી પડયાઃ ખીણના વિભિન્ન ભાગોમાં રેલીઓ કાઢવામાં આવી

ગુવાહાટી, તા.૧: કેન્દ્ર ફાઈનલ નાગા સમજૂતી પર હસ્તાક્ષર કરવાની નજીક પહોંચી ગયું હોવાથી દેખાવકારો ગુરૂવારે મણિપુરની ઇમ્ફાલ ખીણની શેરીઓમાં ઉમટી પડયા હતા અને જણાવ્યું છે કે રાજયની પ્રાદેશિક એકતાને હાનિ પહોંચાડનાર કોઇપણ પગલાનો તેઓ વિરોધ કરશે. દેખાવકારોમાં ખાસ કરીને મહિલાઓ પોતાના ઘરની બહાર નીકળી ગયા હતા અને ઇમ્ફાલ ખીણના વિભિન્ન ભાગોમાં રેલીઓ કાઢી હતી.

 તેઓએ 'મણિપુરનો નાશ થવો જોઈએ નહીં અને અમે મણિપુરના કોઈ પણ પ્રકારના વિભાજનની વિરૂદ્ઘમાં છીએ'ના સૂત્રોચ્ચારો કર્યા હતા. અગાઉ,મણિપુરની એકતા અંગે નવી બનાવવામાં આવેલી  સંકલન સમિતિએ મણિપુરની પ્રાદેશિક અખંડિતતાની સુરક્ષા માટે પ્રતિબદ્ઘતા વ્યકત કરવા લોક આંદોલનનો ભાગ બનવા અને ગુરૂવારે પોતાની બધી સામાન્ય પ્રવૃત્તિઓ મોકૂફ રાખવા વંશીય અને આસ્થાઓને ધ્યાનમાં લીધા વગર બધા લોકોને અરજ કરી હતી.

આ એલાનના પ્રતિસાદમાં ગુરૂવારે બંધ જેવી સ્થિતિ હતી. ગુરૂવારે રાજયમાં દુકાનો અને ધંધાકીય એકમો બંધ રહેતા તેમ જ શૈક્ષણિક સંસ્થાઓ પણ બંધ રહી હોવાથી સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું. રાજયના મુખ્ય પ્રધાન એન. બિરેનસિહે ૨૦ કલાકના બંધનું એલાન પાછું ખેંચવાનો અનુરોધ કર્યો હતો પરંતુ તેમના અનુરોધ પર કોઈએ પણ ધ્યાન આપ્યું ન હતું.

(3:28 pm IST)