Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

આઝાદીનાં ૭૨ વર્ષ બાદ મધ્ય પ્રદેશના અલીરાજપુરમાં પહેલી યાત્રી ટ્રેન : ગુજરાતના છોટા ઉદયપુરથી પહોંચી

લોકોમાં ઉત્સવનું વાતાવરણ : ફટાકડા ફોડી ટ્રેનનું સ્વાગત કર્યું.

ભારતમાં ટ્રેન શરૂ થયાનાં ૧૬૬ વર્ષ બાદ અને આઝાદીનાં ૭૨ વર્ષ બાદ મધ્ય પ્રદેશના અલીરાજપુરમાં પહેલી યાત્રી ટ્રેન  ગુજરાતના છોટા ઉદયપુરથી પહોંચી હતી. બપોરે અઢી વાગ્યે જ્યારે ટ્રેન અલીરાજપુર પહોંચી ત્યારે લોકોમાં ઉત્સવનું વાતાવરણ જોવા મળ્યું. લોકોએ ફટાકડા ફોડી ટ્રેનનું સ્વાગત કર્યું.

રાજ્યસભાના સંસદસભ્ય નારાયણભાઈ રાઠવા અને છોટા ઉદયપુરનાં સંસદસભ્ય ગીતાબેન રાઠવાએ બપોરે લીલી ઝંડી બતાવી અલીરાજપુરથી ટ્રેનને રવાના કરી હતી. કહેવાય છે કે આ રેલવે લાઇનનો શિલાન્યાસ ૮ ફેબ્રુઆરી ૨૦૦૮માં થયો હતો. એ સમયે એવી આશા હતી કે ટ્રેન બહુ જલદી અહીં પહોંચશે, પરંતુ ટ્રેન અહીં પહોંચતાં ૧૧ વર્ષ લાગી ગયાં.

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, ૮૪ વર્ષ પહેલાં અલીરાજપુરમાં બસ-સેવા શરૂ થઈ. ત્યાર બાદ વર્ષોથી નેતાઓ ટ્રેન-સેવાના વાયદા કરતા રહ્યા, પરંતુ કંઈ કર્યું નહીં. છેવટે હવે ટ્રેન-સેવા શરૂ થઈ.

ગુરુવારથી ટ્રેન નિયમિત અલીરાજપુરથી વડોદરાના પ્રતાપનગર સ્ટેશન સુધી દોડી. હવે શહેર અને જિલ્લાના લોકો ગુજરાતના વડોદરા સુધી સફર કરી શકશે. સામાન્ય લોકોને તો આનાથી ફાયદો મળશે જ સાથે-સાથે વ્યાપાર અને ઉદ્યોગોને પણ પ્રોત્સાહન મળશે. ઉલ્લેખનિય છે કે ૨૦૦૮માં તત્કાલીન વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહ અને તત્કાલીન રેલવેપ્રધાન લાલુ પ્રસાદ યાદવે ઝાબુઆમાં છોઠા ઉદયપુર-ધાર રેલવે પરિયોજનાનો શિલાન્યાસ કર્યો હતો.

(1:36 pm IST)