Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

કોર સેકટર ૧૪ વર્ષનાં તળિયેઃ અર્થતંત્રને પડયા પર પાટુ

ઇન્ડસ્ટ્રીયલ સ્લોડાઉન ઘણુ વધુ છે અને રિકવરીમાં વધુ સમય લાગશેઃ અર્થશાસ્ત્રીઓઃ સપ્ટેમ્બર કવાર્ટરમાં ૮ કોર ઇન્ડસ્ટ્રીઝનો ઇન્ડેક્ષ પ.૨ ટકા ઘટયોઃ બીજા કવાર્ટરમાં જીડીપી ગ્રોથ વધુ ઘટવાની આશંકા વધી

નવી દિલ્હી, તા.૧: કોર સેકટરનું આઉટપુટ સપ્ટેમ્બરમાં ૫.૨ ટકા ઘટી ગયુ છે. આ ૧૪ વર્ષનું સૌથી ખરાબ પ્રદર્શન છે. આનાથી એ આશંકા વધી ગઇ છે કે વર્તમાન નાણાકીય વર્ષના બીજા કવાર્ટરમાં અર્થતંત્રનો ગ્રોથ ઘટી ગયો હશે. અર્થશાસ્ત્રીઓ જણાવે છે કે આ તીવ્ર ઘટાડો દર્શાવે છે કે ઇન્ડસ્ટ્રીયલ સ્લોડાઉન ઘણુ વધુ છે અને રિકવરીમાં વધુ સમય લાગશે.

દેશની ઈકોનોમીમાં સ્લોડાઉન યથાવત છે. આઠ પાયાના ઉદ્યોગોનું ઉત્પાદન સપ્ટેમ્બરમાં ૫.૨ ટકા ઘટી ગયું છે. મૂળ ક્ષેત્રના આઠ ઉદ્યોગમાંથી સાતના ઉત્પાદનમાં સપ્ટેમ્બરમાં ઘટાડો જોવા મળ્યો છે. ગુરુવારે જાહેર કરેલા સત્તાવાર આંકડાઓ અનુસાર સપ્ટેમ્બર ૨૦૧૮માં પાયાના ઉદ્યોગનું ઉત્પાદન ૪.૩ ટકા વધ્યું હતું. આ વર્ષે સપ્ટેમ્બર ૨૦૧૯માં સૂચકાંક ૧૨૦.૬ પર પહોંચી ગયો જે સપ્ટેમ્બર ૨૦૧૮ની તુલનામાં ૫.૨ ટકા ઘટયો છે.

આઠ મુખ્ય ઉદ્યોગોના સૂચકાંકમાં કોલસા, કાચું તેલ, સ્ટીલ, સીમેન્ટ, વિજળી, ફર્ટિલાઈઝર અને રિફાઈનરી ઉત્પાદનો સમાવેશ થાય છે. આ આઠ ઈન્ડસ્ટ્રીઝ ઈન્ડેકસ ઓફ ઈંડસ્ટ્રિયલ પ્રોડકશન (IIP)નું અંદાજીત ૪૦ ટકા ભાગનું પ્રતિનિધિત્વ કરે છે. આઠ મુખ્ય ઉદ્યોગોમાં આ ઘટાડો સતત બીજી વખત જોવા મળ્યો છે. ચાર વર્ષમાં ઓગસ્ટ ૨૦૧૯માં પહેલી વખત આ સૂચકાંકમાં ૦.૫ ટકા ઘટાડો જોવા મળ્યો હતો.

આંકડા અનુસાર આઠ મુખ્ય ઉદ્યોગોમાં માત્ર ફર્ટિલાઈઝર ક્ષેત્રના જ ઉત્પાદનમાં વધારો જોવા મળ્યો છે. ફર્ટિલાઈઝર ક્ષેત્રના ઉત્પાદનમાં ૫.૪ ટકાનો વધારો થયો છે. ચાલું નાણાકિય વર્ષના એપ્રિલ થી સપ્ટેમ્બર સુધીના સમયગાળામાં પાયાના ઉદ્યોગોનો વૃદ્ઘિ દર દ્યટી ૧.૩ ટકા રહી ગયો છે. ગત નાણાકિય વર્ષ દરમિયાન આ સમયગાળા દરમિયાન ૫.૫ ટકા રહ્યો હતો.

આ ઈંડેકસ, ઈડેકસ ઓફ ઈડસ્ટ્રિયલ પ્રોડકશનનું ૪૦.૨૭ ટકા હોવું તે વાત પર ઈશારો કરે છે કે વર્તમાન આંકડા નવેમ્બરમાં જાહેર થનારા આંકડા પર અસર કરી શકે છે. ઓગષ્ટમાં તે ૧.૧ ટકા ઘટયો હતો અને કોર ઇન્ડસ્ટ્રીઝના નબળા પ્રદર્શનને કારણે તેમાં વધુ ઘટાડાની શકયતા છે. કોટક મહિન્દ્રા બેન્કના અર્થશાસ્ત્રી ઉપાસના ભારદ્વાજે જણાવ્યું હતું કે, 'અર્થતંત્રમાં સ્થિરતા આવતાં લાંબો સમય લાગશે. બીજા કવાર્ટરમાં  GDP  વૃદ્વિ પ્રથમ કર્વાટર કરતાં થોડી ઓછી રહેવાની શકયતા છે.' ICRAના પ્રિન્સિપાલ ઇકોનોમિસ્ટ અદિતી નાયરે જણાવ્યું હતું કે, 'બીજા કવાર્ટરમાં ઘણા મહત્વના માપદંડનું પ્રદર્શન ખરાબ રહ્યું હોવાથી સાનુ કૂળ બેઝ ઇફેકટ અને કાચા માલના ખર્ચમાં ઘટાડો છતાં અમને બીજા કવાર્ટરમાં GDP અને GVA વૃદ્વિ વધુ ઘટવાનો અંદાજ છે.'

(10:39 am IST)