Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

મુખ્યમંત્રી પદ મુદ્દે શિવસેના BJP સામે નમતું જોખવા તૈયાર? આદિત્ય ઠાકરેના પોસ્ટરો હટવા લાગ્યા

વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ૧૦૫ અને શિવસેનાને ૫૬ બેઠકો પર જીત મળી છે

મુંબઈ, તા.૧: બૃહદ મુંબઈ મહાનગરપાલિકા (BMC)એ મુંબઈમાં ઠાકરે પરિવારના નિવાસ સ્થાન માતોશ્રીની બહારથી એવા પોસ્ટરો હટાવી દીધા છે જેમાં આદિત્ય ઠાકરેને મુખ્યમંત્રી બનાવવાની માગણી કરવામાં આવી હતી. બીએમસીમાં શિવસેના સૌથી મોટી પાર્ટી છે અને આવામાં આ પોસ્ટરો હટાવવા એ સરકારની રચનામાં નવો વળાંક આપી શકે છે. નોંધનીય છે કે શિવસેના મુખ્યમંત્રી પદને લઈને મક્કમ છે પરંતુ ભાજપે પણ સ્પષ્ટ કહી દીધુ છે કે દેવેન્દ્ર ફડણવીસ જ પાંચ વર્ષ માટે મુખ્યમંત્રી રહેશે.

ગુરુવારે શિવસેનાની વિધાયક દળની બેઠકમાં આદિત્ય ઠાકરેની જગ્યાએ પાર્ટીના વરિષ્ઠ નેતા એકનાથ શિંદેને વિધાયક દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યાં. વિધાયક દળની બેઠક બાદ શિવસેનાના પ્રતિનિધિ મંડળે રાજયપાલ ભગતસિંહ કોશ્યારીની મુલાકાત કરી. આ મુલાકાત બાદ આદિત્ય ઠાકરેએ કહ્યું કે સરકાર બનાવવા અંગે છેલ્લો નિર્ણય ઉદ્ઘવ ઠાકરે જ લેશે.

નોંધનીય છે કે આ વખતની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ૧૦૫ અને શિવસેનાને ૫૬ બેઠકો પર જીત મળી છે. સરકાર બનાવવા માટે ૧૪૫ બેઠકોની જરૂર હોય છે. શિવસેના એ વાત પર અડી છે કે ભાજપ ૫૦-૫૦ ફોર્મ્યુલા પર આગળ વધે અને અઢી અઢી વર્ષના સીએમ માટે લેખિતમાં આશ્વાસન આપે. જયારે ભાજપે કહ્યું છે કે સૌથી વધુ બેઠકો ભાજપાની છે અને શિવસેનાને મુખ્યમંત્રી પદ આપવાનો તો સવાલ જ નથી.

(10:37 am IST)