Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

૬ વર્ષમાં ૯૦ લાખ નોકરીઓ ઘટીઃ આઝાદ ભારતના ઈતિહાસની પહેલી ઘટના

અઝીમ પ્રેમજી યુનિવર્સિટીના સેન્ટર ઓફ સસ્ટેનેબલ ઓમ્પ્લોઈમેન્ટ તરફથી પ્રકાશિત રીપોર્ટમાં સનસનીખેજ દાવોઃ આ રીપોર્ટના પરિણામ અને હાલના સ્ટડીમાં મોટો વિરોધાભાસઃ જેમાં જણાવાયુ છે કે ૨૦૧૧-૧૨થી ૨૦૧૭-૧૮ વચ્ચે ૧.૪ કરોડ નોકરીઓ વધી છે

નવી દિલ્હી, તા. ૧ :. દેશમાં આર્થિક સુસ્તી વચ્ચે રોજગારીના મોરચે પણ સ્થિતિ ઠીકઠાક નથી. છેલ્લા ૬ વર્ષ દરમ્યાન ૯૦ લાખ નોકરીઓ ઘટી છે. આઝાદ ભારતના ઈતિહાસમાં આવુ પહેલીવાર બન્યુ છે કે જ્યારે રોજગારમાં આ પ્રકારની ઘટાડાની સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો હોય.

અઝીમ પ્રેમજી યુનિવર્સિટીના સેન્ટર ઓફ સસ્ટેનેબલ ઓમ્પ્લોઈમેન્ટ તરફથી પ્રકાશિત એક રીપોર્ટમાં આ વાત જણાવવામાં આવી છે. આ રીપોર્ટને સંતોષ મેહરોત્રા અને જે.કે. પરીદાએ તૈયાર કર્યો છે. રીપોર્ટમાં જણાવાયુ છે કે વર્ષ ૨૦૧૧-૧૨થી ૨૦૧૭-૧૮ વચ્ચે ભારતમાં રોજગારીની તકોમાં ઘટાડો જોવા મળ્યો છે.

મેહરોત્રા અને પરીદાના જણાવ્યા પ્રમાણે ૨૦૧૧-૧૨થી ૨૦૧૭-૧૮ વચ્ચે કુલ રોજગારમાં ૯૦ લાખનો ઘટાડો નોંધાયો છે. ભારતના ઈતિહાસમાં આવુ પહેલીવાર બન્યુ છે. સંતોષ મેહરોત્રા જવાહરલાલ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર છે, જ્યારે જે.કે. પરીદા સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ પંજાબમાં ભણાવે છે.

આ રીપોર્ટના પરિણામો અને હાલના એ અભ્યાસમાં મોટો વિરોધાભાસ છે જેમાં કહેવાયુ હતુ કે, વર્ષ ૨૦૧૧-૧૨થી ૨૦૧૭-૧૮ વચ્ચે ૧.૪ કરોડ નોકરીઓ વધી છે. નોકરીઓ વધવાનો રીપોર્ટ લવીશ ભંડારી અને અમરેશ દુબેએ તૈયાર કર્યો હતો. આ બન્નેને પીએમની આર્થિક સલાહકાર પરિષદમાં સામેલ કરાયા છે.

આ વિષય પર જવાહરલાલ યુનિવર્સિટીના સંશોધક હિમાંશુએ પણ અભ્યાસ રજુ કર્યો હતો. એ સ્ટડીમાં વર્ષ ૨૦૧૧-૧૨થી લઈને ૨૦૧૭-૧૮ વચ્ચે ૧.૬ કરોડ નોકરીઓ ઘટવાની વાત જણાવવામાં આવી હતી. ભંડારી અને દુબેએ પોતાના અભ્યાસમાં વર્ષ ૨૦૧૭-૧૮માં ભારતની જનસંખ્યા ૧.૩૬ અબજ માની છે, તો સંતોષ મેહરોત્રા અને પહીદાએ ભારતની જનસંખ્યા ૧.૩૫ અબજ ગણી છે. બીજી તરફ વિશ્વ બેન્કે ભારતની જનસંખ્યા ૧.૩૩ અબજ ગણાવી છે.

આ પહેલા હિમાંશુએ સરકાર તરફથી જીડીપીના સત્તાવાર આંકડાનો ઉપયોગ કર્યો હતો. તેમાં જનસંખ્યાને ૧.૩૧ અબજ ગણાવી હતી. ભારતની જનસંખ્યાને લઈને ભ્રમની સ્થિતિ એટલા માટે બની છે કે વર્ષ ૨૦૧૧ની વસ્તી ગણતરીના આધાર પર અનુમાનીત આંકડા જાહેર નથી થયા.

(11:20 am IST)