Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

ભાજપ ઉપર દબાણ લાવવા શિવસેના NCPના સુપ્રિમોના દ્વારે : સંજય રાઉત મળ્યા શરદ પવારને

રાજકીય સમીકરણો બદલાય તેવી શકયતા

મુંબઇ, તા. ૧ : મુખ્ય પ્રધાનપદ અઢી-અઢી વર્ષ વહેંચી લેવાના મુદ્દે બીજેપીએ વધુ મચક ન આપતા શિવસેના હવે વધુ આક્રમક બની છે. બન્ને પક્ષના સંબંધમાં ઉભી તિરાડ પડી ગઇ હોવાનું સ્પષ્ટ દેખાઇ રહ્યું છે. બીજેપીની રૂખને કારણે હવે શિવસેનાએ નવું શસ્ત્ર ઉગામ્યું છે. શિવસેનાના વરિષ્ઠ નેતાએ એનસીપીના અધ્યક્ષ શરદ પવારની મુલાકાત લેતા રાજકીય સમીકરણો બદલાવાના અણસાર દેખાઇ રહ્યા છે. એક રીતે શિવસેના બીજેપી પર દબાણ લાવવાની પેરવી કરી રહ્યું હોવાનું પણ સૂત્રોએ કહ્યું છે.

સંજય રાઉતે ગઇકાલે સવારે સિલ્વર ઓક નિવાસસ્થાને જઇને એનસીપીના અધ્યક્ષ શરદ પવારની મુલાકાત લીધી હતી. બન્ને નેતાઓ વચ્ચે આશરે અડધો કલાક ચર્ચા ચાલી હતી. ખાસ કરીને હાલમાં મહારાષ્ટ્રમાં સત્તા કોની એ વિશેના ગંભીર મુદ્દે બન્ને વચ્ચે ચર્ચા થઇ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જોકે સૂત્રોનું માનીએ તો સંજય રાઉત શરદ પવારને દિવાળીની શુભેચ્છા આપવા ગયા હોવાનું પણ કહેવાઇ રહ્યું છે. મુલાકાત દરમ્યાન બન્ને નેતાઓ વચ્ચે કોઇ પ્રકારની રાજકીય ચર્ચા થઇ ન હોવાનું આંતરિક વર્તુળો દ્વારા જાણવા મળ્યું હતું.

શિવસેનાએ ગઇકાલે પોતાનું વલણ વધુ આક્રમક બનાવતા સ્પષ્ટ કર્યું હતું કે બીજેપી તરફથી કોઇ પ્રકારનો સત્તા વહેચણીનો પ્રસ્તાવ મળ્યો નથી.

ગઇકાલે કોંગ્રેસ શિવસેનાને ટેકો આપવાની દાખવેલી તૈયારી અને તમામ વિકલ્પ ખુલ્લા હોવાના શિવસેનાએ બીજેપીને આપેલા સંકેતની પાર્શ્વભૂમિકા પર રાઉત અને પવાર વચ્ચે મુલાકાત થઇ હોવાનું સૂત્રોનું માનીએ તો એક વાત ચોક્કસ છે કે મહારાષ્ટ્રમાં આવનારા દિવસોમાં રાજકારણમાં ઘણી ઉથલપાથલ થશે.

(10:12 am IST)