Gujarati News

Gujarati News

News of Sunday, 1st October 2023

એશિયન ગેમ્સમાં મોટો ઈતિહાસ રચ્યો :ભારતીય બેડમિન્ટન ટીમે પહેલી વાર જીત્યો સિલ્વર મેડલ

ફાઈનલમાં ચીન સામે પરાજય: એશિયન ગેમ્સમાં ભારતીય પુરુષ બેડમિન્ટન ખેલાડીઓ ચમક્યાં

ચીનમાં રમાઈ રહેલી એશિયન ગેમ્સના આઠમા દિવસે ભારતીય ખેલાડીઓ ઢગલાબંધ મેડલ જીત્યાં છે. કોઈએ ગોલ્ડ, કોઈએ સિલ્વર તો કોઈએ બ્રોન્ઝ મેડલ જીતીને ભારતનું નામ આગળ કર્યું છે. ભારતીય મેન્સ બેડમિંટન ટીમે એશિયન ગેમ્સની મેન્સ બેડમિંટનની ટીમ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીતી લીધો છે. મેન્સ બેડમિંટનની ફાઈનલમાં ચીને ભારતને 3-2થી પરાજય આપ્યો હતો. ચીનને ગોલ્ડ તો ભારતને સિલ્વર મળ્યો છે.

    મેન્સ બેડમિંટનની ફાઈનલમાં ટીમ ઈવેન્ટની પ્રથમ સિંગલ્સ મેચમાં લક્ષ્ય સેને નિર્ણાયક ગેમમાં 8-13થી પુનરાગમન કરતાં મેચ જીતી લીધી હતી અને ફાઈનલમાં ભારતને મજબુત શરુઆત અપાવી હતી. લક્ષ્ય સેને ચીનના શી વાઈ સામે 22-20, 14-21, 21-18થી જીત મેળવી હતી. સાત્વિકસાઈરાજ રાન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ ડબલ્સમાં પ્રથમ ગેમ 21-15થી જીતી હતી અને બીજી ગેમ 21-18થી જીતી લીધી હતી. કિદામ્બી શ્રીકાંતે લીને પ્રથમ ગેમમાં જ આકરી લડત આપી હતી પરંતુ તેનો 22-24થી પરાજય થયો હતો અને બીજી ગેમ ચીનના લીએ 21-9થી જીતી લીધી હતી. ક્રિશ્ના પ્રસાદ ગર્ગ અને ધુ્રવ કપિલાની જોડીને 6-21, 15-21થી હારનો સામનો કરવો પડયો. નિર્ણાયક મેચમાં મિથુન મંજુનાથને 0-2થી હારનો સામનો કરવો પડયો. એશિયાડની આ ઈવેન્ટમાં ભારતીય ટીમ પહેલી વખત ફાઈનલમાં પ્રવેશી હતી.
ભારતીય મેન્સ ટીમે છેલ્લે 1986માં સિઓલમાં યોજાયેલી બેડમિંટન ચેમ્પિયનશીપમાં મેડલ જીત્યો. તેમાં પ્રકાશ પાદુકોણ અને વિમલ કુમાર મુખ્ય ભૂમિકામાં હતા. એશિયન ગેમ્સના ઈતિહાસમાં ભારત અત્યાર સુધીમાં 10 બેડમિંટન મેડલ જીતી ચૂક્યું છે, જેમાં ત્રણ ઈન્ડિવિડયુઅલ સિંગલ્સ મેડલ, ત્રણ મેન્સ ટીમના બ્રોન્ઝ, બે વિમેન્સ ટીમના બ્રોન્ઝ ઉપરાંત મેન્સ ડબલ્સ અને મિક્સ ડબલ્સમાં એક-એક મેડલનો સમાવેશ થાય છે.
ચીનમાં ચાલી રહેલી એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓ ગોલ્ડ જ ગોલ્ડ જીતી રહ્યાં છે. આઠમા દિવસની ઈનિંગમાં ભારતના ખાતામાં પહેલો ગોલ્ડ મેડલ આવ્યો છે. 3000 મીટરની સ્ટીપલચેસ સ્પર્ધામાં ભારતના યુવા દોડવીર અવિનાશ સાબલેએ ગોલ્ડ જીત્યો છે. ભારતીય મહિલા ગોલ્ફર અદિતિ અશોકે સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો. તે એશિયન ગેમ્સમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા ગોલ્ફર બની ગઈ છે. આ મેડલ સાથે જ ભારતના દિવસનું ખાતું ખુલી ગયું હતું. આ પછી તરત જ ટ્રેપ શૂટિંગમાં મહિલા ટીમે સિલ્વર અને મેન્સે ગોલ્ડ જીત્યો.
એશિયન ગેમ્સના 8મા દિવસ સુધી ભારતને 53 મેડલ મળ્યાં છે જેમાં જેમાં 13 ગોલ્ડ, 22 સિલ્વર અને 18 બ્રોન્ઝ સામેલ છે

   
(10:59 pm IST)