Gujarati News

Gujarati News

News of Sunday, 1st October 2023

ભોપાલઃ સેનાના હેલીકોપ્‍ટરનું ખેતરમાં લેન્‍ડીંગ

- આજે રવિવારે બેરસિયાના ડુંગરિયા ગામના ડેમ પાસેના ખેતરમાં ટેકનીકલ ખામીને કારણે કટોકટીની સ્‍થિતિમાં સેનાના હેલિકોપ્‍ટરને લેન્‍ડ કરવું પડયું હતું.

નવી દિલ્‍હીઃ  મધ્‍યપ્રદેશના ભોપાલમાં ગઇકાલે શનિવારે વાયુસેનાનો એર શો સફળ રહ્યો હતો, જે બાદ આજે રવિવારે બેરસિયાના ડુંગરિયા ગામના ડેમ પાસેના ખેતરમાં ટેકનીકલ ખામીને કારણે કટોકટીની સ્‍થિતિમાં સેનાના હેલિકોપ્‍ટરને લેન્‍ડ કરવું પડયું હતું. હેલિકોપ્‍ટરને આ રીતે ઉતરતા જોઇને ગ્રામજનોના ટોળા એકઠા થઇ ગયા હતા


મળતી માહિતી મુજબ, રવિવારે સવારે ભોપાલના બેરસિયાના ડુંગરિયા ગામના ડેમ પાસેના એક ખેતરમાં સેનાના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ થયું હતું. હેલિકોપ્ટરમાં સેનાના 6 જવાન સવાર હતા. કેટલીક ટેકનિકલ ખામીને કારણે ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ગ્રામજનોના જણાવ્યા અનુસાર હેલિકોપ્ટર ડેમની આસપાસ ચક્કર લગાવી રહ્યું હતું અને પછી ખેતરમાં ઉતર્યું હતું. ગામલોકોનું ટોળું પણ હેલિકોપ્ટરને જોવા દોડી આવ્યું હતું. સેનાના જવાનોએ તેમને હેલીકોપ્ટરથી દૂર રહેવા સૂચના આપી હતી.



ઈમરજન્સી લેન્ડિંગ બાદ સેનાનું બીજું હેલિકોપ્ટર મદદ માટે ડુંગરિયા ગામમાં પહોંચ્યું હતું. આ હેલિકોપ્ટર એન્જિનિયર્સ, સપોર્ટિંગ સ્ટાફ અને ટેકનિકલ ટીમને લઈને અહીં આવ્યું હતું. ટીમને અહીં ડ્રોપ કરી અને હેલીકોપ્ટર ચાલ્યું ગયું. હવે એન્જિનિયર અને ટેકનિકલ ટીમ હેલિકોપ્ટરમાં ખામીની તપાસ કરી રહી છે.

મળતી માહિતી મુજબ, ભારતીય વાયુસેનાનું આ હેલિકોપ્ટર, ભોપાલથી ઝાંસી જઈ રહ્યું હતું. વિમાનમાં પાયલોટ સહિત કુલ 6 લોકો સવાર હતા. એન્જિન ફેલ થવાના કારણે ઈમરજન્સી લેન્ડિંગ થયું હતું.

નોંધનીય છે કે શનિવારે વાયુસેનાના 91મા સ્થાપના દિવસે ભોપાલના બડા તળાવ પાસે ભવ્ય એર શો થયો હતો. ચિનૂક, MI 17 ગ્લોબમાસ્ટર, તેજસ, સારંગ હેલિકોપ્ટર અને સૂર્યકિરણ ટુકડીએ તેમાં પ્રદર્શન કર્યું. એવી સંભાવના છે કે રવિવારે જે હેલિકોપ્ટર મેદાનમાં ઉતર્યું હતું તે આ જ ટીમનો ભાગ હોઈ શકે છે.

(1:11 pm IST)