Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

સંબંધીઓ મજાક ઉડાવતા હોવાથી તબીબી ડિગ્રી હોવા છતાં વિદેશથી આવતા તબીબો ભારતમાં પ્રેકટીસ નથી કરી શકતા

નવી દિલ્હી: માર્ચ, 2016માં MBBSનો અભ્યાસ પૂર્ણ કરનાર કુમાર ગૌરવ પાછલા બે વર્ષથી પોતાના વતન બિહાર નથી ગયો. આની પાછળનું કારણ ચોંકાવનારુ છે. સામાન્ય રીતે મેડિકલનો અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ સાથે આવુ નથી થતું, પરંતુ કુમાર જ્યારે એકવાર પોતાના વતન ગયો હતો ત્યારે તેના સંબંધીઓએ તેની મજાક ઉડાવી હતી અને તેના કારણે તેને લાગી આવ્યું છે. કુમાર પાસે ડિગ્રી હોવા છતાં તે પ્રેક્ટિસ કરી શકતો હોવાને કારણે લોકો તેની મજાક ઉડાવતા હતા.

કુમારે નેપાળની મેડિકલ કોલેજમાં અભ્યાસ કર્યો છે, પરંતુ નેપાળથી ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીને ભારતમાં જ્યાં સુધી ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ્સ એક્ઝામિનેશન ક્લિઅર કરે ત્યાં સુધી પ્રેક્ટિસ કરવાની છૂટ નથી હોતી. ટેસ્ટ મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા વર્ષમાં બે વાર લેવામાં આવે છે. નિયમ ચીન, યુક્રેઈન, રશિયા, બાંગ્લાદેશ અને ફિલિપિન્સ જેવા દેશો માટે પણ લાગુ પડે છે.

યુક્રેઈનમાં MBBSનો અભ્યાસ કરીને પાછો ફરેલ વિદ્યાર્થી છત્રપાલ વશિષ્ઠ હવે સાઉથ દિલ્હીના એક કોચિંગ ક્લાસમાં સ્ક્રીનીંગ ટેસ્ટને પાસ કરવા માટે તૈયારી કરે છે. છત્રપાલ હરિયાણાના નાનકડા કામ ભિવાનીથી આવે છે, અને તે ગામનો પહેલો ડોક્ટર હશે. છત્રપાલ જણાવે છે કે, મને સરકારી મેડિકલ કોલેજમાં એડમિશન નહોતુ મળી શક્યુ. પ્રાઈવેટ કોલેજમાં 50 લાખ જેટલો ખર્ચ થાય છે, યુક્રેઈનમાં ખર્ચો 20 લાખથી પણ ઓછો હતો, જેમાં હોસ્ટેલ ફી પણ શામેલ હતી.

ઉલ્લેખનીય છે કે દર વર્ષે 5000થી વધારે વિદ્યાર્થીઓ મેડિકલનો અભ્યાસ કરવા માટે વિદેશ જાય છે, કારણકે ત્યાં ખર્ચો ઓછો હોય છે, એડમિશન સરળતાથી મળી રહે છે અને અન્ય કારણો પણ જવાબદાર છે. સૌથી વધારે વિદ્યાર્થીઓ ચીન જાય છે, ત્યારપછી રશિયા, યુક્રેઈન, નેપાળ, કઝાકિસ્તાન અને બાંગ્લાદેશ આવે છે. ઘણાં વિદ્યાર્થીઓ પાકિસ્તાન પણ જાય છે.

પરંતુ વિદેશથી પાછા ફર્યા પછી તેમનું જીવન ધાર્યા કરતા ઘણું અલગ પસાર થાય છે. ભારતમાં અભ્યાસ કરી ચુકેલા મેડિકલ ગ્રેજ્યુએટ્સની સરખામણીમાં તેમના અભ્યાસને ઓછો આંકવામાં આવે છે. દિલ્હીના AIIMS નજીક ગૌતમ નગર નામનો એક વિસ્તાર છે, જ્યાં મોટા પ્રમાણમાં મેડિકલ ગ્રેજ્યુએટ્સ અને મેડિકલનો અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ રહે છે. અહીં નાના-નાના રુમમાં પોતાના મર્યાદિત બજેટમાં જેમતેમ ગુજરાન ચલાવનારા વિદ્યાર્થીઓ કોચિંગ ક્લાસમાં FMGE ક્રેક કરવા માટેની ટ્રેનિંગ લેતા હોય છે.

(5:29 pm IST)