Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

હવે ગેસ સિલિન્ડરની કિંમત ૧૦૦ રૂપિયા ઘટે તેવા સંકેત

મેથેનોલ મિકસ કરીને એલપીજી વેચવાની તૈયારી : એલપીજી સબસિડીમાં નજીકના ભવિષ્યમાં ૩૦ ટકા સુધી ઘટાડો કરવા તૈયારી : કોલસાથી મિથેનનું ઉત્પાદન કરાશે

નવી દિલ્હી,તા. ૧: એલપીજી સબ્સિડીમાં નજીકના ભવિષ્યમાં ૩૦ ટકાનો ઘટાડો કરવા માટેની તૈયારીમાં રહેલી સરકારે કેટલીક નવી રણનિતી તૈયાર કરી લીધી છે. મિથેનોલ મિક્સ કરીને એલપીજી સિલિન્ડર વેચવા માટેની તૈયારી સરકાર દ્વારા કરવામાં આવી રહી છથે. જેના કારણે એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત ૧૦૦ રૂપિયા સુધી ઘટી જશે. સરકાર આ દરમિયાન કોલસાથી મિથેનનુ ઉત્પાદન કરવા પર પણ ભાર મુકી રહી છે. નાણાંકીય વર્ષ ૨૦૧૯ના બજેટમાં અંદાજ મુકવામાં આવ્યો હતો કે એલપીજી સબસિડી ૨૦૦૦૦ કરોડથી વધારેની રહેશે. સરકારે મિથેન ઉત્પાદન માટે કેટલીક ખાસ કોલસા ખાણની ફાળવણી કરી છે.

આ પહેલા નીતિ આયોગે દેશ માટે એક મિથેનોલ ઇકોનોમી માટે રોડમેપ રજૂ કરીને કેટલીક નવી બાબતોનો ખુલાસો કર્યો હતો. જેમાં ઓટોમોટિવ અને હાઉસહોલ્ડ સેક્ટર બંને પર ભાર મુકવામાં આવ્યો હતો. આનો મુખ્ય હેતુ ભારતના વધતા તેલ આયાત બિલને ઘટાડી દેવાનો રહ્યો છે. એક સિનિયર અધિકારીએ માહિતી આપતા કહ્યુ છે કે નીતિ આયોગની દેખરેખ હેઠળ આ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ ૨૦ ટકા મિથેનોલને એલપીજીમાં મિક્સ કરવામાં આવનાર છે. અન્ય દેશોમાં પણ આવુ કરવામાં આવે છે. આ સંબંધમાં નિર્ણય હાલમાં જ નીતિ આયોગ અને કેન્દ્રય પ્રધાન નીતિન ગડકરીની વચ્ચે થયેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. હાલમાં તમામ એલપીજી ગ્રાહકોને માર્કેટ કિંમત પર તેને ખરીદવા માટેની ફરજ પડે છે. જો કે સરકાર પ્રતિ પરિવારને દર વર્ષે ૧૪.૨ કિલોગ્રામના ૧૨ સિલિન્ડરો પર સબસિડી આપે છે. સબસિડીની આ રકમ સીધી રીતે ગ્રાહકના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. સબસિડીની આ રકમ એરેજ ઇન્ટરનેશનલ બેન્ચમાર્ક એલપીજી રેટ અને ફોરેન એક્સચેંજ રેટમાં ફેરફારના આધાર પર બદલાતી રહે  છે. આંતરરાષ્ટ્રીય કિંમત વધી જવાની સ્થિતીમાં સરકાર વધારે સબસિડી આપે છે. ઓગષ્ટમાં પ્રતિ સિલિન્ડર સબસીડીની કિંમત ૨૯૧.૪૮ રૂપિયા હતી. જ્યારે જુલાઇ મહિનામાં સબસિડી ૨૫૭.૭૪ રૂપિયા હતી.

(4:11 pm IST)