Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

''આધાર''ને વોટરકાર્ડ સાથે જોડવાનું કામ તુરતમાં

ચૂંટણી પંચે આપ્યા સંકેત

નવી દિલ્હી તા.૧: આધાર પર સુપ્રિમનો ચુકાદો આવ્યા પછી ચૂંટણી પંચ ફરીથી આધારને મતદાર આઇડી સાથે જોડવાની તૈયારી કરી રહયું છે. મુખ્ય ચૂંટણી કમિશનર ઓ.પી. રાવતનું કહેવું છે કે ચૂંટણી પંચે સચિવાલયને સુપ્રિમના ચુકાદાનો અભ્યાસ કરવાનું કહયું છે. ચૂંટણી પંચે આધાર નંબર ને મતદાર આઇડી સાથે જોડવાનું ફેબ્રુઆરી-૨૦૧૫માં શરૂ કર્યુ હતું. પણ ઓગસ્ટ-૨૦૧૫માં સુપ્રિમમાં અંગતતાનો ભંગ અને આધારની કાયદેસરતા સાથે જોડાયેલ કેસ આવ્યા પછી આ યોજનાને બ્રેક લગાવી હતી. ત્યાં સુધીમાં લગભગ ૩૮ કરોડ મતદાર ઓળખકાર્ડ આધાર સાથે જોડાઇ ચુકયા હતા. દેશમાં અત્યારે ૭૫ કરોડ મતદાર નોંધાયેલા છે પંચનું કહેવું છે કે સુપ્રિમે ૨૬ સપ્ટેમ્બરે આપેલા ચુકાદામાં આના માટે કંઇ કહયું નથી.

મુખ્ય ચૂંટણી કમિશનર રાવતનું કહેવું છે કે પંચ સુપ્રિમના ચુકાદાનો અભ્યાસ કરીને તેની ઝડપથી લાગુ કરવાનો ઉપાય કરશે. સાથે જ તેમણે એમ પણ કહયું કે ચૂંટણી પંચના સચિવાલયને ચૂંટણી રાજકારણને અપરાધ મુકત કરવા સંબંધી સુપ્રિમ કોર્ટના ચુકાદાનો અભ્યાસ કરવાનું કહેવાયું છે. તેમણે કહયું કે ગુન્હાહીત બેકગ્રાઉન્ડ વાળા ઉમેદવારોને ચૂંટણીથી દૂર રાખવાના ચુકાદાને લાગુ કરવા ઉમેદવારો માટે નિર્ધારીત ફોર્મ અને તેમાનાં પ્રશ્નોમાં ફેરફાર કરવા પડશે.

આગામી લોકસભા અને ધારાસભા ચુંટણી પહેલા આ યોજના પુરી થશે કે કેમ તેવા પ્રશ્નના જવાબમાં તેમણે કહયું કે આ યોજના ચાલુ કરવાની જ વાર છે. આ કામ જેમ બને તેમ જલ્દી પુરૂ કરવાની કોશિષ થશે. એમ કેટલો સમય લાગશે તે અત્યારે ન કહી શકાય.

ચૂંટણી પંચના સુત્રોનું કહેવું છે કે ૨૦૧૭માં ચૂંટણી પંચે સુપ્રિમમાં અરજી કરીને કહયું હતું કે આધારને મતદાર કાર્ડ સાથે જોડવાનું ફરજીયાત નહીં બનાવાય અને તે સંપુર્ણપણે સ્વેૈચ્છિક હશે. પંચ પોતાના અભ્યાસ દરમ્યાન આ બાબતનું પણ ધ્યાન રાખશે. સુત્રોએ જણાવ્યું કે ઇલેકટ્રોનિક અથવા ઇન્ટરનેટ મતદાન જેવી ભવિષ્યમાં આવનારી સેવાઓનો લાભ, જેમના મતદાર કાર્ડ આધાર સાથે જોડાયેલા હશે તેમને જ મળશે.

પંચના સુત્રોએ જણાવ્યું કે આધાર સાથે જોડવાથી મતદાર યાદીમાં ડબલ નામ આવતા રોકી શકાશે એટલુંજ નહીં ઘરેલું પ્રવાસીઓને રીમોટ વોટીંંગનો અધિકાર પણ આપી શકાશે. પંચનું કહેવું છે કે આધાર લીકિંગ થવાથી મતદારયાદીમાં ડુપ્લીકેટ નામ હોવાની કેટલીક રાજકીય પક્ષોની ફરિયાદ પણ દૂર થશે. આ ઉપરાંત લોકોનો ચૂંટણી પ્રક્રિયામાં વિશ્વાસ વધશે.

ઉલ્લેખનીય છે કે ગાય મહિને ચૂંટણી સુધારાઓ બાબતે ચૂંટણીપંચ અને રાજકીય પક્ષો વચ્ચે થયેલી બેઠકમાં બધા પક્ષાોએ આધારને મતદાર કાર્ડ સાથે લીંક કરવાની બાબતે ટેકો આપ્યો હતો.

(4:06 pm IST)