Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

દેવાદાર એર ઇન્ડિયાને સરકારે ચૂકવવાના છે ૧૧૪૬.૮૬ કરોડ

આ પૈસા VVIP ચાર્ટર્ડ ફલાઇટ્સનાં ભાડાંના છે

નવી દિલ્હી તા.૧: દેવાદાર સરકારી એવિયેશન કંપની એર ઇન્ડિયાને સરકારી તંત્રે ચાર્ટર્ડ ફલાઇટસના ભાડાંરૂપે ૧૧૪૬.૮૬ કરોડ રૂપિયા ચૂકવવાની બાકી છે. આશ્ચર્યની વાત એ છે કે એક દાયકાથી એર ઇન્ડિયાનાં ઢગલાબંધ બિલોનું પેમેન્ટ સરકારી તંત્રે કરવાનું બાકી છે. એક વર્ષમાં એર ઇન્ડિયાનાં એ પેન્ડિગ બિલોનું પ્રમાણ ત્રણગણું વધ્યું છે. કેન્દ્ર સરકારની એવિયેશન કંપની એર ઇન્ડિયા ૫૦ હજાર કરોડ રૂપિયાનાં દેવાંના બોજ તળે દબાયેલી છે. એ કંપનીને વેચવાના પ્રયાસમાં સરકાર નિષ્ફળ રહી છે.

કોમોડોર લોકેશ બત્રા (રિટાયર્ડ)ની RTI એકટ હેઠળની અરજીના જવાબમાં એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે 'કેટલાંક વર્ષોમાં જુદા-જુદા બિલોના અનુસંધાનમાં સંરક્ષણ મંત્રાલય પાસે ૨૧૧.૧૭ કરોડ રૂપિયા, કેબિનેટ સચિવાલય અને PMO પાસે ૫૪,૩૧૮ કરોડ રૂપિયા અને વિદેશ મંત્રાલય પાસે ૩૯૨.૩૩ કરોડ રૂપિયા એર ઇન્ડિયાના લેણા નીકળે છે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિના પ્રવાસો તેમ જ કુદરતી આફતો વખતે બચાવ અને રાહતકાર્યોમાં વપરાયેલી ફલાઇટ્સના ઘણાં બિલો લગભગ ૧૦ વર્ષથી પેન્ડિંગ છે.'

માર્ચ મહિનામાં એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે ૩૧ જાન્યુઆરી સુધી ૩૨૫ કરોડ રૂપિયા ચૂકવવાના બાકી હતા. એ રકમ હવે ૧૧૪૬.૮૬ કરોડ રૂપિયા પર પહોંચી છે.

એર ઇન્ડિયા રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડા પ્રધાન જેવા VVIP માટે ચાર્ટર્ડ એરક્રાફટ્સ ઉપલબ્ધ કરાવે ત્યારે એમાં જરૂરિયાત મુજબ કમર્શિયલ જેટ્સમાં ફેરફાર કરીને એમને સૂટ બનાવવામાં આવે છે. એ એરક્રાફટ્સનું ભાડુ સંરક્ષણ મંત્રાલય, વિદેશ મંત્રાલય, PMO અને કેબિનેટ સચિવાલય ચૂકવે છે. ૨૦૧૬માં કેગના રિપોર્ટમાં પણ સરકારી વિભાગોના આ પ્રકારના પેન્ડિંગ બિલોનો મુદ્દો ઉપસ્થિત કરવામાં આવ્યો હતો.

(4:05 pm IST)