Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

આ છે ૨૧ સરકારી બેંકો ૪ વર્ષમાં વસુલાત માત્ર ૪૪૯૦૦ કરોડઃ માંડવાળ કર્યા રૂ. ૩,૧૬,૫૦૦ કરોડ

વસુલાતનાં સાત ગણા 'રાઈટ ઓફ' કર્યાઃ એપ્રિલ ૨૦૧૪થી એપ્રિલ ૨૦૧૮માં ૨૧ બેંકોએ જે રકમ 'રાઈટ ઓફ' કરી છે તે ૨૦૧૪ સુધી આ ખાતે નાખેલ રકમના ૧૬૬ ટકાથી વધુ છે

નવી દિલ્હી, તા. ૧ :. એપ્રિલ ૨૦૧૪થી એપ્રિલ ૨૦૧૮ની વચ્ચે દેશની ૨૧ સરકારી બેંકોએ રૂ. ૩,૧૬,૫૦૦ કરોડ રૂપિયાની લોન 'રાઈટ ઓફ' (માંડવાળ) કરી છે. જ્યારે આ ગાળામાં બેંકોએ વસુલાત માત્ર રૂ. ૪૪,૯૦૦ કરોડની કરી છે. રીઝર્વ બેન્કના એક ડેટાથી આ માહિતી બહાર આવી છે. જે રીકવરી થઈ તેના ૭ ગણા બેંકોએ માંડવાળ કર્યા છે. વસુલાત પણ રાઈટ ઓફ થયેલ કુલ રકમના ૧૪ ટકાથી પણ ઓછી છે. જાહેર ક્ષેત્રની બેંકો દ્વારા જેટલી રકમની બેડલોન રાઈટ ઓફ કરવામાં આવી તે નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ના દેશના સ્વાસ્થ્ય, શિક્ષણ અને સામાજિક સુરક્ષાના બજેટ ખર્ચ ૧.૩૮ લાખ કરોડ રૂ.ના બમણાથી પણ વધારે છે. આ ગાળા એટલે કે ૨૦૧૪ થી એપ્રિલ ૨૦૧૮માં ૨૧ બેંકોએ જેટલી રકમ રાઈટ ઓફ એટલે કે માંડવાળ કરી છે જે ૨૦૧૪ સુધી રાઈટ ઓફ કરવામાં આવેલ રકમના ૧૬૬ ટકાથી વધુ છે.

સંસદની નાણાકીય સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવેલા પોતાના જવાબમાં રીઝર્વ બેન્કે જે ડેટા આપ્યો છે તે અનુસાર જાહેર ક્ષેત્રની બેંકોમાં માર્ચ ૨૦૧૮ના અંત સુધી વસુલાતનો દર ૧૪.૨ ટકા રહ્યો હતો જે ખાનગી બેંકોના ૫ ટકાના દરથી લગભગ ૩ ગણુ વધારે છે. કુલ બેંકીંગ સંપત્તિઓના લગભગ ૭૦ ટકા ૨૧ સરકારી બેંકો પાસે છે. જ્યારે દેશના બેંકીંગ ઉદ્યોગના કુલ એનપીએના ૮૬ ટકા બેડલોન્સ આ જ બેંકોથી આપવામાં આવી હતી.

સરકાર બેંકીંગ સંકટને દૂર કરવા માટે વિવિધ પ્રયાસો કરી રહી છે પરંતુ ફસાયેલી એસેટ એટલે કે મિલ્કત વધી રહી છે. જો કે એનપીએમાં ૨૦૧૪ સુધી વધારો નહોતો થયો પરંતુ ૨૦૧૫-૧૬ બાદ તેમા અભૂતપૂર્વ વધારો થયો છે. આવુ એટલા માટે થયુ કે ૨૦૧૪માં રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાએ એસેટ કવોલીટી રીવ્યુ શરૂ કર્યુ જેમાં બેંકોના અનેક લોનને એનપીએ ગણવામાં આવ્યા હતા. આ પહેલા સુધી બેંક તેને માનક સંપત્તિ ગણતા હતા. ૨૦૦૪ અને ૨૦૧૪ વચ્ચે ૧.૯ લાખ કરોડ રૂપિયાથી થોડી રકમ બેડલોનને માંડવાળ ખાતામાં નાખવામાં આવી હતો તો ૨૦૧૩-૨૦૧૫ની વચ્ચે ૯૦ હજાર કરોડ રૂપિયાથી વધુ રકમ રાઈટ ઓફ કરવામાં આવી હતી.

તે પછી ૨૦૧૪-૧૫ના ૪.૬૨ ટકા એનપીએ ૨૦૧૫-૧૬માં વધીને ૭.૭૯ ટકા થયુ હતું. ડીસેમ્બર ૨૦૧૭ સુધી તે ૧૦.૪૧ ટકા સુધી પહોંચ્યુ હતું. ૨૦૧૭ના અંત સુધી જાહેર ક્ષેત્રની બેંકોનું એનપીએ લગભગ ૭.૭૦ લાખ કરોડ રૂપિયા હતું. એક વરિષ્ઠ બેંક અધિકારીના કહેવા મુજબ લોનને રાઈટ ઓફ ખાતામાં નાખવાનું બેંકોનું પગલુ પોતાનુ સરવૈયુ સુધારવાનું એક પગલુ છે.(૨-૩)

(11:43 am IST)