Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

SBIના ATM પરથી રોજ હવે માત્ર ૨૦,૦૦૦ ઉપાડી શકશો એટીએમ કેશ વિથડ્રોઅલની દૈનિક મર્યાદા ઘટાડી : અમલ ૩૧ ઓક્‍ટોબરથી થશે

મુંબઇ તા. ૧ : સ્‍ટેટ બેન્‍ક ઓફ ઇન્‍ડિયાએ એટીએમ કેશ વિથડ્રોઅલની દૈનિક મર્યાદા ૪૦૦૦૦થી ઘટાડીને ૨૦૦૦૦ કરી છે. તેનો અમલ ૩૧ ઓક્‍ટોબરથી થશે.

બેન્‍કે ઓફિસિસને મોકલેલી યાદીમાં જણાવ્‍યું છે કે, ‘એટીએમમાં થતા છેતરપિંડી વ્‍યવહારો અંગે બેન્‍કને મોટી સંખ્‍યામાં મળેલી ફરિયાદને ધ્‍યાનમાં રાખીને તથા ડિજિટલ/કેશલેસ વ્‍યવહારોને ઉત્તેજન આપવા માટે ક્‍લાસિક તથા મેસ્‍ટ્રો પ્‍લેટફોર્મ્‍સ પર જારી કરાયેલા ડેબિટ કાર્ડ પરની રોકડ ઉપાડ મર્યાદા ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્‍યો છે.'

છેલ્લાં એક દાયકાથી બની રહેલાં અનેક કેસોમાં સ્‍કીમર્સ છુપા કેમેરા અને ઇલેક્‍ટ્રોનિક ડિવાઇસિસનો ઉપયોગ કરીને બેન્‍ક ગ્રાહકોના ડેબિટ કાર્ડના પિન પાસવર્ડ ચોરી લે છે. ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા ડિજિટલ વ્‍યવહારોને પ્રોત્‍સાહન આપવાના પ્રયાસ છતાં રોકડની માગ ઊંચી જ રહી છે. એક અંદાજ પ્રમાણે તો રોકડ વ્‍યવહારનું ચલણ નોટબંધી પહેલાંના સ્‍તરે આવી ગયું છે.  મર્યાદાને કારણે ગ્રાહકોને અગવડતા નહીં પડે એવા પ્રશ્નનાં જવાબમાં એસબીઆઇના મેનેજિંગ ડિેરેક્‍ટર પી કે ગુપ્તાએ જણાવ્‍યું હતું કે, અમારા આંતરિક એનાલિસસ પ્રમાણે મોટા ભાગનાં વિથડ્રોઅલ નાની રકમના હોય છે. તેથી મોટા ભાગનાં ગ્રાહકો માટે ૨૦,૦૦૦ની રકમ પૂરતી રહેશે.

 અમે એ જોવા માગીએ છીએ કે નાની રકમના વિથડ્રોઅલને કારણે છેતરપિંડી ઘટે છે કે નહીં? તેમણે જણાવ્‍યું કે, ‘ઊંચી ઉપાડ મર્યાદાની જરૂરિયાત ધરાવતા ગ્રાહકો ઊંચા વેરિએન્‍ટ કાર્ડની માગણી કરી શકે છે.

(11:43 am IST)