Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

તહેવારોમાં ૨૦ વર્ષમાં પ્રથમ વાર સોનાના ઘટયા ભાવ

નવી દિલ્‍હી તા. ૧ : સસ્‍તું સોનું ખરીદવા માટે અત્‍યારે સારી તક છે. ૨૦ વર્ષમાં પ્રથમ વખત એવું બન્‍યું છે કે જયારે તહેવારોમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા છ મહિનાથી સોનાના ભાવમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે.

વૈશ્વિક સ્‍તરે ભાવ ઘટવાના કારણે ભારત પણ હવે સોનાની પકડ ગુમાવી રહ્યું છે. ડોલર સતત મજબૂત થવાના કારણે સોનાની કિંમત સતત છ અઠવાડિયાથી ઘટી રહી છે.

હાલ આંતરરાષ્ટ્રીય સ્‍તરે શુક્રવારે સોનાનો ભાવ પ્રતિઔંસ ૧૧૮૨.૪૮ ડોલર (પ્રતિગ્રામ ૨૮.૩૪) રહ્યો હતો. ૧૭ ઓગસ્‍ટે પ્રતિઔંસ ૧૧૮૦.૩૪ ડોલરનો ભાવ લઘુતમ સપાટીએ હતો. ગુરુવારે તેની કિંમત ૧૧૮૧.૬૧ પ્રતિઔંસ હતો. આમ ડોલરની મજબૂતાઇના કારણે પીળી ધાતું નબળી પડી રહી છે.

નિષ્‍ણાતોનું કહેવું છે કે અમેરિકન શેરબજારમાં પણ રોકાણકારોનો રસ વધ્‍યો છે તેથી આંતરરાષ્ટ્રીય અને ઘરેલું સ્‍તરે સોનાનો ભાવ ઘટી રહ્યો છે. શુક્રવારે ઘરેલું બજારમાં સોનાનો ભાવ રૂ. ૨૫૦ ઘટીને પ્રતિ ૧૦ ગ્રામ ૩૧,૩૦૦ પર પહોંચી ગયો હતો.

(12:19 pm IST)