Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

...તો સોનિયા નહિ રાજકપૂરની પુત્રી હોત ગાંધી પરિવારની બહુ?

પત્રકાર રશીદ કીડવઇના પુસ્તકમાં દાવો : ઇન્દિરા ગાંધી રાજકપૂરની પુત્રી સાથે રાજીવના લગ્ન કરવા માંગતા હતાઃ રાજ કપૂરની પૌત્રી કરીના કપૂરે ૨૦૦૨માં રાહુલ ગાંધીને પોતાની પહેલી પસંદ ગણાવ્યો હતોઃ નેહરૂ - પૃથ્વીરાજ કપૂર વચ્ચે ગાઢ મિત્રતા હતી

નવી દિલ્હી તા. ૧ : રાજનીતિમાં પ્રભાવશાળી ગાંધી-નહેરૂ પરિવાર અને ફિલ્મી દુનિયાના દિગ્ગજ કપૂર પરિવારના સંબંધો વિશે દુનિયા અજાણ નથી. જોકે, તે ઘણા ઓછા લોકોને ખબર હશે કે, પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી પોતાના મોટા પુત્ર રાજીવ ગાંધીના લગ્ન દિગ્ગજ દિવંગત એકટર રાજ કપૂરની પુત્રી સાથે કરાવવા ઈચ્છતા હતા.

પત્રકાર રશીદ કિદવઈએ પોતાની પુસ્તકમાં 'નેતા અભિનેતા : બોલિવૂડ સ્ટાર પાવર ઈન ઈન્ડિયા પોલિટિકસ'માં તે વાતોનો ઉલ્લેખ કરવામા આવ્યો છે. તેમને લખ્યું છે કે, દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ અને દિગ્ગજ એકટર રહેલ પૃથ્વીરાજ કપૂર ઘનિષ્ઠ મિત્ર હતા. ઈન્દિરાના મનમાં પણ કપૂર પરિવાર માટે ખુબ જ આદર અને સમ્માન હતા.

પુસ્તક અનુસાર, ઈન્દિરા ઈચ્છતા હતા કે બંને પરિવારો વચ્ચેનો સંબંધ દોસ્તીથી આગળ વધે, તેથી તેમને પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના લગ્ન રાજ કપૂરની મોટી પુત્રી રિતુ સાથે કરાવવા ઈચ્છતા હતા.

પોતાની પુસ્તકમાં રશીદ લખે છે, એવું નથી કે, ઈન્દિરા ગાંધીને બોલિવૂડ સાથે જોડાયેલ પત્નીની શોધ હતી અથવા 'સ્ટાર'જેવી ચીજથી તેમને કોઈ લગાવ હતો. તેમના દિલમાં કપૂર પરિવાર માટે આદરભાવ અને પ્રેમ હતો. જોકે, રાજ કપૂરની પુત્રી સાથે રાજીવ ગાંધીના લગ્ન કરવાની ઈન્દિરા ગાંધીની ઈચ્છા પૂરી થઈ શકી નહી. રાજીવ ગાંધી અભ્યાસ અર્થે જયારે બ્રિટનની કેમ્બ્રિઝ યૂનિવર્સિટી ગયા, તો ત્યાં તેમની મુલાકાત સોનિયા માયનો (હવે સોનિયા ગાંધી) સાથે થઈ. બંનેમાં પ્રેમ થયો અને પછી તેમને ૧૯૬૮માં લગ્ન કરી લીધા.

રશીદે પોતાની પુસ્તકમાં તે પણ જણાવ્યું કે, રાજ કપૂરની પોતી અને બોલીવૂડની ફેમસ અદાકાર કરીના કપૂરે ૨૦૦૨માં રાહુલ ગાંધીને પોતાની પહેલી પસંદ ગણાવ્યો હતો. રાશીદે તે પણ કહ્યું કે, કથિત રીતે રાહુલે પણ કરીનાની ફિલ્મો 'ફર્સ્ટ ડે ફર્સ્ટ શો' દેખવામા રસ ધરાવતા હતા.

'રોંદેવૂ મિદ સિમી ગરેવાલ'નામના ટીવી શોમાં જયારે કરીના કપૂરને પૂછવામા આવ્યું કે, કોઈ એવા વ્યકિતનું નામ જણાવો જેમને તેઓ ડેટ કરવા ઈચ્છતી હોય. આના પર કરીનાએ જવાબ આપ્યો હતો, 'હું કહી દઉ? મને ખબર નથી કહેવું જોઈએ કે નહી* આ વિવાદિત છે* રાહુલ ગાંધી.. મને તેમને જાણવા સમજવમાં કોઈ જ પરેશાની નથી. મે તેમની તસવીરો જોઈ છે અને વિચાર્યું કે, તેમને જાણવા-સમજવા જોઈએ. હું ફિલ્મી ખાનદાનથી આવું છું તેઓ રાજકીય ખાનદાનથી છે, તો કદાચ અમારા વચ્ચે કોઈ રસપ્રદ વાતચીત થાય.'

જોકે, ૨૦૦૯માં કરીના પોતાના આ નિવેદનથી ફરી ગઈ અને જયારે તેમને રાહુલ વિશે પૂછવામાં આવ્યું તો તેમને કહ્યું, તે ખુબ જ જુની વાત છે. મેને તેવું તે માટે કહ્યું હતું કેમ કે, અમારી બંનેની સરનેમ ખુબ જ ફેમસ હતી. હું કોઈ દિવસ તેમની મેજબાની કરવા ઈચ્છું છું. તેમને વડાપ્રધાનના રૂપમાં જોવા માંગુ છું. જોકે, નિશ્ચિત રીતે હું તેમને ડેટ કરવા ઈચ્છતી નથી.

પત્રકાર લેખિકા મધુ જૈનની પુસ્તક 'ધ કપૂર્સ : ધ ફર્સ્ટ ફેમિલી ઓફ ઈન્ડિયન સિનેમા' અને રાજ કપૂરની પુત્રી ઋતુની પુસ્તક 'રાજ કપૂર સ્પીકસ'નો હવાલો આપતા રશીદે 'નેતા અભિનેતા'માં વધુ એક રસપ્રદ ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. તેમને લખ્યું કે, રાજ કપૂરની ફિલ્મ 'આવારા' રિલીઝ થયા બાદ જયારે દેશ-વિદેશમાં સુપરહિટ થઈ, તો એક વખત નેહરૂએ પૃથ્વીરાજ કપૂરને પૂછ્યુ, 'ભાઈ આ વેગાબોડ (આવારા) શું છે જે તમારા પુત્રએ બનાવી છે? જયારે હું સ્ટાલિનને મળ્યો ત્યારે તે આખો દિવસ આના વિશે જ વાતો કરી રહ્યો હતો.'

ઉલ્લેખનિય છે કે, જોસેફ સ્ટાલિન સોવિયત સંઘના તાનાશાહ હતા. પોતાની પુસ્તકમાં રશીદે બોલીવૂડ સ્ટાર અને રાજકીય દુનિયાના નજીકના સંબંધોના ઘણા બધા રસપ્રદ કિસ્સાઓને રોમાંચક અંદાજમાં રજૂ કર્યા છે.(૨૧.૮)

(10:11 am IST)