Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

ભ્રષ્ટાચાર - લોકપાલ મુદ્દે કાલથી ઉપવાસ માટે અણ્ણા મક્કમ

ન્યાયાધીશ દીપક મિશ્રા બની શકે છે સૌ પ્રથમ લોકપાલ : લોકપાલ પદ માટે રચાઇ સમિતિ

નવી દિલ્હી તા. ૧ :  લોકપાલ અને ભ્રષ્ટાચાર મુદ્દે બીજી ઓકટોબરથી ભૂખ હડતાળ કરવા માટે વિખ્યાત સમાજસેવક અણ્ણા હઝારે મક્કમ છે. ૨-૧૦-૨૦૧૮થી મહારાષ્ટ્રના રાળેગાંવસિદ્ઘિ ખાતે આંદોલન છેડવાની હઝારેએ ઘોષણા કરી છે. ભારતમાં દાયકાઓથી વ્યાપેલા ભ્રષ્ટાચાર પર લગામ તાણવા લોકપાલ નિયુકત કરવાની માગણીને ધ્યાનમાં રાખીને અણ્ણા હઝારેએ સંયુકત પ્રગતિશીલ યુતિ (યુપીએ) સરકારના સમયે દિલ્હીના રામલીલા મેદાનમાં ઉગ્ર આંદોલન છેડ્યું હતું તેમ જ ભૂખહડતાળ કરી હતી. તેમાં દેશવિદેશમાં ભારતીયો યોગાસનોનો  વ્યાપ વધારનાર સ્વામી રામદેવ, સુપરકોપ કિરણ બેદી, જનરલ વી. કે. સિંહ સહિત વિવિધ ક્ષેત્રના દિગ્ગજોએ ભાગ લીધો હતો.

જોકે અત્યારે ગાંધીવાદી હઝારેના સહયોગીઓનું કહેવું છે કે આ લોકો પૈકી મોટાભાગના ભારતીય જનતા પક્ષ (ભાજપ)ની સત્તામાં મહાલે છે. નીડર સુપરકોપ કિરણ બેદી ઉપરાજયપાલ છે, વી. કે. સિંહને પ્રધાનપદું આપવામાં આવ્યું છે તેમ જ બાબા રામદેવ કેન્દ્ર સરકાર અને રાજય સરકારના સઘળા લાભ લઈને પોતાનો ધંધો વિકસાવી અને વધારી રહ્યા છે.

ઉકત ત્રણ જણમાંથી એક પણ ધુરંધર વ્યકિતએ ૨૦૧૪માં નરેન્દ્ર મોદી સરકાર આવ્યા બાદ લોકપાલ નિયુકત કરવા ઉપવાસ કરવાની તો વાત એક કોરે હડસેલાઈ ગઈ પણ ૨૦૧૭માં રામલીલા મેદાનમાં ઉપવાસ પર બેઠેલા અણ્ણાની સાથે થોડાક કલાક બેઠક જમાવી ગોઠડી માંડવાનું પણ સૂઝયું ન હતું. તે વેળાએ તો વિરોધ પક્ષો, બિનસરકારી સંગઠનો (એનજીઓ), સામાજિક સંગઠનોના સ્વયંસેવકો, સાધુબાબા વગેરેએ અણ્ણા હઝારેની પાછળ ભીડ એકઠી કરવામાં ખૂબ ભાગ ભજવ્યો હતો પણ આજે એમાંથી એક પણ વ્યકિત હઝારેની સાથે ઉપવાસ કરવા માટે તૈયાર નથી.

ભ્રષ્ટાચારથી ખદબદતા વાતાવરણમાં યુપીએ સરકારના કહેવાતા ભ્રષ્ટાચાર વિરુદ્ઘ તથા લોકપાલ નિયુકિત આંદોલનને લીધે જે મોદી સરકાર બની તે મોદી સરકારે અણ્ણાને તે વેળા જેવું જ આદરેલું ૨૦૧૭નું આંદોલન ફલોપ કરાવી નાખ્યું હતું. તેમની કથળતી તબિયત અને મહારાષ્ટ્રમાં મરાઠા લોકોમાં વધતી નારાજગી જોતાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ભૈય્યૂજી મહારાજના દિલ્હી ખાતેના ઉપવાસનો જબરદસ્તી જયૂસ પીવડાવીને ઉપવાસ છોડાવીને પારણા કરાવ્યાં હતાં.

જોકે સામાજિક કાર્યકર હઝારેની માગણી પૂરી કરવા ફડનવીસે કેન્દ્રના પ્રધાનનો આશ્ચાસનપત્ર આપ્યો હતો. મોદી સરકારે ત્યારબાદ પણ લોકપાલ મામલાને અધ્ધરતાલ જ રાખ્યો, હજી તેનું નિરાકરણ આવ્યું નથી.

વર્ષ ૨૦૧૮ના ડિસેમ્બરમાં મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્ત્િ।સગઢ, તેલંગણા તેમ જ મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણી છે. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી બાદ મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, ઝારખંડ તેમ જ હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની હોવાથી સ્વાભાવિક ભાજપ સાબદું થઈને કોઈ કામગીરી કરે તે શકય છે જ. આથી લોકપાલ નિયુકિત માટે શોધ સમિતિ બનાવવામાં આવી છે.

જોકે ચિંતિત મોદી સરકારે લોકપાલનું નામ સૂચવવા ૮ જણની અન્વેષણ સમિતિ ઘડી છે. ૨-૧૦-૨૦૧૮ના દિને ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયા (સીજેઆઈ)ના દીપક મિશ્રા નિવૃત્ત્। થવાના છે. કદાચ તેમને સૌપ્રથમ લોકપાલ બનાવવામાં આવે. હઝારેને ભૂખ હડતાળ ન કરવાની વિનંતી કરાઈ છે. ભાજપ સમર્થકોનું કહેવું છે કે મોદીની પ્રતિષ્ઠા અનેરી હોવાથી હઝારેના ઉપવાસથી કંઈ જ નહીં વળે, મોદી પર ભ્રષ્ટાચાર આચરવાનો કોઈ આક્ષેપ ટકી શકે એમ જ નથી.

જોકે બીજી ઓકટોબરે ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીથી ઉપવાસ પર ભૂખ હડતાળ પર ઉતરવાનો અણેણા હઝારેનો ફેંસલો અટલ છે. હાલમાં તો એવું લાગે છે કે તેઓ ઉપવાસ પર ઉતરશે જ.(૨૧.૫)

(10:08 am IST)