Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

આજથી રેલવેની મુસાફરી દરમિયાન ફ્રીમાં અપાતુ ઇન્‍સ્‍યોરન્સ નહીં મળેઃ અનેક સુવિધામાં ફેરફાર

નવી દિલ્હીઃ 1 સપ્ટેમ્બર એટલે કે શનિવારથી ઘણી વસ્તુઓમાં ફેરફાર થઈ રહ્યા છે. જેની સીધી અસર તમારા જીવન પર પડશે. આમાંથી કેટલીક બાબતોની અસર તમારા ખિસ્સા પર થશે તો કેટલીકથી તમને લાભ થશે. રેલવે આજથી પોતાની એક ફ્રી સુવિધા ખતમ કરી રહ્યું છે. તમામ ફેરફારો તમારા જીવનને અસર કરશે.

1 સપ્ટેમ્બર કે ત્યાર બાદ નવું ટુ વ્હીલર કે કાર ખરીદશો તો કાર કે ટુ વ્હીલર પર થર્ડ પાર્ટી મોટર ઈન્શ્યોરંસના નવા નિયમો લાગૂ થશે. નવા નિયમ પ્રમાણે. હવે નવી કાર માટેનો થર્ડ પાર્ટી વિમો 3 વર્ષ માટે હશે અને મોટરસાઈકલ કે સ્કૂટર માટે 5 વર્ષનો હશે. જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે જુલાઈ 2018માં IRDAને થર્ડ પાર્ટી ઈન્શ્યોરંસ અનિવાર્ય કરવા માટે એક વિશેષ આદેશ આપ્યો હતો. ફેરફાર બાદ લોન્ગ ટર્મ માટે પ્રીમિયમ પેમેન્ટ કરવાથી નવી ગાડીની શરૂઆતની કિંમત વધી જશે. પરંતુ ફેરફારથી દર વર્ષે કરાવવા પડતાં રિન્યૂઅલમાંથી છૂટકારો મળશે.

IRCTC તરફથી રેલ મુસાફરી દરમિયાન ફ્રીમાં અપાતું ઈન્શ્યોરંસ 1 સપ્ટેમ્બર એટલે કે આજથી નહીં મળે. હવે આના માટે IRCTC એક ચોક્કસ રકમ લેશે. એટલે હવે ટિકિટ બુકિંગ માટે તમારે અગાઉ કરતાં થોડા વધુ રૂપિયા ખર્ચવા પડશે.

PM મોદી શનિવારે ઈંડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની શરૂઆત કરશે. દેશના દરેક જિલ્લામાં બેંકની શાખા હશે. બેંકનો ઉદ્દેશ ગ્રામીણ ક્ષેત્રોમાં ફાઈનાન્સિયલ સર્વિસને વધારવાનો છે. શનિવારથી IIPBની 650 શાખાઓ અને 3,250 સુવિધા કેંદ્રોમાં કામ શરૂ થઈ જશે. આમાં ભારત સરકારની 100 ટકા હિસ્સેદારી રહેશે.

જો 1 સપ્ટેમ્બરે તમે કોઈ ITR ફાઈલ કરો છો તો તમારે પેનલ્ટી ચૂકવવી પડશે. પેનલ્ટી અલગ-અલગ છે. 5 લાખથી ઓછી વાર્ષિક આવક ધરાવતા લોકો માટે પેનલ્ટીની રકમ 1 હજાર રૂપિયા છે. 5 લાખથી વધારે વાર્ષિક આવક ધરાવતા લોકો ડિસેમ્બર સુધીમાં રિટર્ન ફાઈલ કરે છો તેમણે 5 હજાર પેનલ્ટી ભરવી પડશે. 1 જાન્યુઆરી 2019થી રિટર્ન ફાઈલ કરવા પર 10 હજાર પેનલ્ટી લાગશે. જણાવી દઈએ કે, CBDT કેરળવાસીઓ માટે ITR ફાઈલિંગની અંતિમ તારીખ 15 સપ્ટેમ્બર કરી છે.

દરેક તમાકુ ઉત્પાદન અને સિગરેટના પેકેટ પર 1 સપ્ટેમ્બરથી નેશનલ ટોલ ફ્રી નંબર લખેલો હશે. જેથી તમાકુ અને સિગરેટનો ઉપયોગ કરતાં લોકોને આનાથી છૂટકારો મેળવવામાં મદદ મળી શકે. સિવાય તમાકુના ઉત્પાદનો અને સિગરેટના પેકેટ પર 85 ટકા ભાગમાં ચિત્રાત્મક તસવીરો સાથે ટેક્સ્ટ મેસેજ પણ હશે. અને ચેતવણી પણ લખેલી હશે.

(4:46 pm IST)