Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

નરેન્દ્રભાઇને ખત્મ કરવા કરોડોના ગ્રેનેડ લોન્ચર ખરીદવાના હતા

રોના વિલ્સને કોમરેડ પ્રકાશને લખેલ પત્ર ચોંકાવનારો : લખ્યું છે 'ગ્રેનેડ લોન્ચર્સ માટે ૮ કરોડ રૂપિયાની તમને જરૂરત છે તેની વિગતો અમને મળી છે': સામ્યવાદી વિચારસરણી ધરાવતા વિચારકો પાસેથી સ્ફોટક પત્ર વ્યવહાર મળ્યો : રાજીવ ગાંધીની જેમ વડાપ્રધાનની હત્યાનો પ્લાન હતો : મોદીની વધતી લોકપ્રિયતાથી ડાબેરીઓના પેટમાં તેલ રેડાયેલ : પત્રમાં લખ્યું છે કે બિહાર - પ.બંગાળની હાર પછી પણ ૧૫ રાજ્યોમાં ભાજપનું શાસન સ્થપાયું!

નવીદિલ્હી તા.૧: ભીમા કોરેગાંવ હિંસા મુદ્દે પાંચ એકિટવિસ્ટોની ધરપકડ કરવાથી ભીસમાં આવેલ મહારાષ્ટ્ર પોલીસે પ્રેસ કોન્ફરન્સ કરી પોતાનો બચાવ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે જે પાંચ લોકોની ધરપકડ કરી છે તેને હાલ માત્ર ઘરમાં નજર કેદ રાખવા જ કહયું છે અને ધરપકડ પર તેમજ કસ્ટડીમાં લેવા પર સ્ટે મુકી દીધો છે.

આ સ્થિતિ વચ્ચે મહારાષ્ટ્ર પોલીસે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને દાવો કર્યો હતો કે અમે જે પણ લોકોની ધરપકડ કરી હતી તેઓ નકસલી પ્રવૃતિમાં સામેલ છે અને તે અંગેના અમારી પાસે પુરાવા પણ છે. મહારાષ્ટ્ર પોલીસના એડીજી પરમબીરસિંહે જણાવ્યું  હતું કે જે અલગાર પરિષદ યોજાઇ હતી તેમાં ભડકાઉ ભાષણો આપનારા લોકો વિરૂદ્ધ જ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે.

એડીજી સિંહે જણાવ્યું હતું કે હાલ જે પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી તેમાં તેલુગુ લેખક રાવ અને વકીલ સુધા ભારદ્વાજ નકસલી સંગઠનોના સંપર્કમાં હોવાના અમારી પાસે પુરાવા છે.

પોલીસે દાવો કર્યો છે કે નકસલીઓ દ્વારા એક મોટું કાવતરું ઘડાયું છે. જે લોકોની ધરપકડ કરવામાં આવી છે તેઓ નકસલીઓને પોતાના મનસુબા સાકાર કરવામાં મદદ કરી રહયા હતા. એક આતંકી સંગઠનનું નામ પણ સામે આવી રહયું છે. જો કે જયારે પોલીસને પુછવામાં આવ્યું કે તમારી પાસે પુરાવા હોવાનો તમે દાવો કરી રહયા છો પણ હજુસુધી સુપ્રીમ કોર્ટમાં આ મામલે કેમ પુરાવા રજુ કરવામાં નથી આવ્યા તો જવાબમાં પોલીસે જણાવ્યું હતું કે અમે આગામી દિવસોમાં દરેક પ્રકારના પુરાવા રજુ કરશું, જે લોકોના એફઆઇઆરમાં નામ છે તેમની હજુ સુધી અટકાયત પુછપરછ કેમ નથી કરાઇ તે અંગે જયારે પુછવામાં આવ્યું તો પોલીસે જણાવ્યું હતું કે આ કેસમાં કોઇને પણ કિલનચિટ આપવામાં નથી આવી અને જે આરોપીઓ છે તેમની વિરૂદ્ધ પણ આગામી દિવસોમાં કાર્યવાહી કરવામાં આવશે.

 પોલીસે દાવો કર્યો છે જે પણ લોકોની ધરપકડ કરવામાં આવી છે તેઓના નકસલવાદ સાથે કનેકશન છે અને તેઓ મળીને મોદી રાજને ખતમ કરવા માંગે છે. જે લોકોની ધરપકડ કરવામાં આવી તેમાંથી એક એકિટવિસ્ટ પાસેથી એક પત્ર પણ મળ્યો હતો જેમાં રાજીવ ગાંધીની જેમ નરેન્દ્ર મોદીની પણ હત્યા કરવાની વાત કરી રહયા છે.

ADG પરમબીર સિંહે કહ્યું હતું કે જયારે અમને વિશ્વાસ થયો કે તેમના સંબંધ માઓવાદીઓ સાથે છે ત્યાર પછી જ અમે અલગ-અલગ રાજયોમાં આ કાર્યવાહી કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે ૩૧ ડિસેમ્બર ૨૦૧૭ની ઘટનાનો કેસ ૮ જાન્યુઆરીએ જ નોંધાઈ ગયો હતો. અહીં હેટ સ્પીચ આપવામાં આવી હતી. નફરત ફેલાવવા માટે સેકશન લગાવવામાં આવ્યા હતા. બધા જ આરોપીઓનો 'કબીર કલા મંચ' સાથે સંબંધ છે.

પરમબીર સિંહે કહ્યું હતું કે તપાસથી જાણ થઈ હતી કે માઓવાદીઓ સંગઠન દ્વારા એક મોટો વિવાદ કરવામાં આવી રહ્યો હતો. આરોપીઓ માઓવાદીઓની તેમા મદદ કરતા હતા. આતંકી સંગઠન પણ તેમાં સામેલ હતા.

મહારાષ્ટ્ર પોલીસે માઓવાદીઓના ઘણા પત્ર સાર્વજનિક કરતા આરોપ લગાવ્યો હતો કે માઓવાદી મોદી રાજને ખતમ કરવા માટે હથિયાર અને ગ્રેનેડ ખરીદવા માંગતા હતા. તે માટે ૮ કરોડની હેરાફેરીની વાતો આ પત્રમાં છે. માઓવાદીઓ એમ-૪ ગ્રેનેડ લોન્ચરના ચાર લાખ રાઉન્ડ ખરીદવા માંગતા હતા. માઓવાદીઓ પાસે પહેલાથી જ રશિયાની બનાવેલી જીએમ-૯૪ ગ્રેનેડ લોન્ચર છે. કાશ્મીરી અલગાવવાદીઓ સાથે મળીને હુમલો કરવાની વાત પણ કહેવામાં આવી હતી. સીપીઆઈ - માઓવાદીની ષડયંત્ર હતું કે કાનુન વ્યવસ્થા ખરાબ કરવામાં આવે અને આ પછી સરકાર પાડી દેવામાં આવે.

દરમિયાન મહારાષ્ટ્ર પોલિસે જાહેર કર્યું છે કે, વડાપ્રધાનની હત્યા માટે ગ્રેનેડ લોન્ચર્સ ખરીદવામાં આવનાર હતા. 'રોના વિલ્સન'ની ધરપકડ થયેલ તેમણે કોમરેડ પ્રકાશને પત્ર લખેલ મળી આવ્યો છે. જેમાં લખ્યું છે કે, 'મને આશા છે કે ગ્રેનેડ લોન્ચર્સની વાર્ષિક જરૂરીયાત માટે કરોડ રૂપિયાની જરૂર હોવાની વિગતો તમને મળી હશે.' કોમરેડ કિશન અને અન્યોએ રાજીવ ગાંધીની ઘટનાની જેમ જ મોદી રાજને ખત્મ કરવા પગલા ભરવાનો પ્રસ્તાવ પણ કર્યો છે.

પોલિસે કહ્યું છે કે, ૧૮ એપ્રિલ ૨૦૧૭નો આ પત્ર સ્પષ્ટ કરે છે કે લેખક અને માનવાધિકાર કાર્યકર્તા રોના વિલ્સનને મહારાષ્ટ્રના ભીમા - કોરેગાંવ હિંસા બાબતે દિલ્હીના મુનિરકા ખાતેના ફલેટમાંથી પકડી લેવામાં આવેલ. આ પત્ર અદાલતમાં રજૂ કરાયો છે.

પોલિસે આ પત્રો ટાંકી અદાલતમાં જણાવેલ કે, રોના વિલ્સન નકસલીઓ સાથે જોડાયેલ છે અને રાજીવ ગાંધીની જેમ જ નરેન્દ્રભાઇ મોદીની હત્યાના પ્લાન માઓવાદી કરી રહ્યા છે તેમાં સંકળાયેલ છે.

પોલિસે રોના વિલ્સન ઉપરાંત કાર્યકર્તાઓ સુધીર ઘાવલે, વકીલ સુરેન્દ્ર ગડલિંગ, મહેશ રાઉત, શોભા સેનને પણ પકડી લીધા છે.

સરકારી વકીલ ઉજ્જવલા પવારે કોર્ટમાં જણાવ્યું છે કે, 'આ પત્રમાં લખાયું છે કે અમે રાજીવ ગાંધી વાળી ઘટનાની જેમ કંઇક વિચારી રહ્યા છે. આ આત્મઘાતી અને ખતરનાક લાગી રહ્યું છે. બની શકે છે કે અમે નિષ્ફળ જઇએ પણ પક્ષે અમારી આ યોજના બાબતે વિચારવું જોઇએ.'

પત્રમાં લખ્યું છે કે, પશ્ચિમ બંગાળ અને બિહારમાં પરાજય પછી પણ મોદીએ ૧૫ રાજ્યોમાં ભાજપની સરકાર બનાવી દીધી છે. જો આમ જ ચાલશે તો દરેક મોરચે મુશ્કેલી સર્જાશે. કર્નલ કિશન અને અન્ય વરિષ્ઠ સામ્યવાદી કોમરેડોએ મોદી રાજ ખત્મ કરવા મજબૂત પગલા ઉઠાવવા જણાવ્યું છે.

પોલીસે ગત રવિવારે દલિત - હિન્દુ પેશવાઓ વચ્ચે મહારાષ્ટ્રની ભીમા - કોરેગાંવ હિંસા, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની હત્યાનું કાવત્રું અને માઓવાદી સાથેના સંબંધો, ગેરકાનૂની ગતિવિધિયામાં સામેલ હોવાના આરોપમાં દેશના પાંચ રાજ્યોમાં એક સાથે આઠ સ્થળે દરોડા પાડયા હતા. જે દરમિયાન ડાબેરી વિચારક - કવિ શ્રી વરથર રાવ, અરૂણ પરેરા, ગૌત્મ નવલખા, વર્નન ગોંઝાલ્વેજ તથા સુધા ભારદ્વાજ સહિત ૬ની ધરપકડ કરી સુપ્રીમના આદેશ મુજબ તેમના જ નિવાસસ્થાનમાં ૬ સપ્ટેમ્બર સુધી નજર કેદ કર્યા છે. (૨૧.૮)

(11:52 am IST)