Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

GDP ગ્રોથ રેટ ૮.૨ ટકા : ૮ ત્રિમાસિક ગાળામાં સૌથી ઝડપી

તમામ અર્થશાસ્ત્રીઓની ગણતરી કરતા પણ ગ્રોથરેટ ખુબ ઉંચો : જુલાઈ કોર સેક્ટર ડેટા ૬.૬ ટકા : મોદી સરકાર માટે સારા આંકડા સપાટી પર : કોલસા, રિફાઇનરી, સિમેન્ટ, ખાતરમાં હેલ્થી ઉત્પાદનના સાફ સંકેતો

નવી દિલ્હી,તા. ૩૧ : નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯ના પ્રમથ ત્રિમાસિક ગાળા (એપ્રિલ-જૂન) માટે દેશનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) ગ્રોથ રેટ રેકોર્ડ ગતિએ વધીને ૮.૨ ટકા સુધી પહોંચી ગયો છે. આજ ત્રિમાસિક ગાળામાં અર્થતંત્ર સૌથી ઝડપથી વધતા મોદી સરકારને પણ મોટી રાહત મળી છે. હાલમાં સરકાર માટે એક પછી એક નિરાશાજનક આંકડા આવી રહ્યા છે ત્યારે આ આંકડા મોદી સરકાર માટે રાહત લઇને આવ્યા છે. ગ્રોસ વેલ્યુએડેડ ગ્રોથરેટ ત્રિમાસિક ગાળામાં આઠ ટકા રહ્યો છે. ગ્રોસ વેલ્યુએડેડ ગ્રોથરેટ પ્રોડ્યુશરની દરેક બાબતના સંદર્ભમાં આર્થિક પ્રવૃત્તિનું ચિત્ર રજૂ કરે છે. જીડીપી ગ્રોથરેટ છેલ્લા ત્રિમાસિક ગાળામાં ૭.૭ ટકા હતો જ્યારે અગાઉના નાણાંકીય વર્ષમાં પ્રથમ ત્રિમાસિક ગાળામાં ૫.૫૯ ટકા હતો. ગ્રોથરેટ અપેક્ષા કરતા પણ વધી ગયો છે. તમામ અર્થશાસ્ત્રીઓની ગણતરી કરતા પણ વધારે ઉંચો ગ્રોથરેટ રહ્યો છે. ભારત સૌથી ઝડપથી ઉભરી રહેલા અર્થતંત્ર તરીકે હોવાની વિગત હવે સ્પષ્ટ થઇ ચુકી છે. બીજા ત્રિમાસિક ગાળામાં ચીનમાં ગ્રોથરેટ ૬.૭ ટકાનો રહ્યો હતો. જાન્યુઆરી-ડિસેમ્બર ફિસ્કલ કેલેન્ડરમાં ચીનની સ્થિતિ પણ યોગ્ય રહી ન હતી. આ વર્ષની શરૂઆતમાં ભારત ફ્રાંસને પાછળ છોડીને ૨.૬ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બની ગયું હતું. વર્લ્ડ બેંકના ડેટામાં જણાવવામાં આવ્યું છે કે, ભારત ફ્રાંસથી આગળ નિકળીને છઠ્ઠુ સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે. બુધવારના દિવસે જારી કરવામાં આવેલા આ વર્ષ માટેના વાર્ષિક અહેવાલમાં રિઝર્વ બેંકે કુલ નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯ માટે આર્થિક વિકાસ દર ૭.૪ ટકા રહેવાની વાત કરી હતી. સારા મોનસુન અને ઔદ્યોગિક પ્રવૃત્તિનો ઉલ્લેખ આમા કરવામાં આવ્યો હતો. સરકાર દ્વારા જારી કરવામાં આવેલા ડેટાના બીજા સેટમાં આ કોર સેક્ટરમાં ગ્રોથ રેટ જુલાઈમાં ૬.૬ ટકા રહ્યો છે જે કોલસા, રિફાઈનરી, સિમેન્ટ, ફર્ટીલાઇઝરમાં હેલ્થી ઉત્પાદનનું ચિત્ર રજૂ કરે છે. સરકાર માટે આ તમામ આંકડા ખુબ જ આશાસ્પદ રહ્યા છે. એપ્રિલ-જુલાઈ ફિસ્કલ ડેફિસિટ ટાર્ગેટના ૮૬.૫ ટકા છે. જુલાઈમાં કોર સેક્ટર ડેટા ૬.૬ ટકા છે. એચડીએફસી બેંક દ્વારા રિપોર્ટમાં પણ કેટલીક બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભારતને પ્રથમ ત્રિમાસિક ગાળામાં જીડીપી રેટ ૮.૨ ટકા રહ્યો છે. રૂપિયામાં તીવ્ર ઘટાડો અને ક્રૂડ ઓઇલની કિંમતમાં જોરદાર વધારાની સ્થિતિ વચ્ચે બેવડા ફટકારની સ્થિતિ વચ્ચે આર્થિક વિકાસદર ૮.૨ ટકા રહ્યો છે જે ખુબ સારા ચિત્રનો સંકેત આપે છે. સરકાર દ્વારા જારી કરવામાં આવેલા માઇક્રો ઇકોનોમિક ડેટા દર્શાવે છે કે, માત્ર ૪ મહિનામાં જ કુલ વર્ષના ફિસ્કલ ડેફિસિટના ટાર્ગેટને ૮૬.૫ ટકા સુધી હાંસલ કરવામાં આવ્યું છે. બીજી બાજુ જુલાઈ જીએસડી વસુલાતનો આંકડો ૯૨૩ અબજ રૂપિયા રહ્યો છે જે જુન મહિનામાં ૯૬૦.૪ અબજ રૂપિયાનો રહ્યો હતો. એપ્રિલ-જુલાઈ નેટ ટેક્સ રેવેન્યુનો આંકડો ૨.૯૩ ટ્રિલિયન રૂપિયાનો રહ્યો છે.

(12:00 am IST)