Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

પેટ્રોલ-ડિઝલમાં ભાવવધારા બાદ હવે સીઅેનજીનો ભાવવધારો થશેઃ ૧ ઓક્ટોબરે ગેસની કિંમતો રિવાઇઝ થશે

નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલના ભડકે બળતા ભાવ બાદ હવે સીએનજી અને પીએનજીનો વારો છે. 1 ઓક્ટોબરે ગેસની કિંમતો રિવાઈઝ થવાની છે, અને વૈશ્વિક સ્થિતિને જોતા 1 ઓક્ટોબરથી સીએનજી અને પીએનજીની કિંમત 28 મહિનાની ટોચે પહોંચી શકે છે. જાણકારોનું માનવું છે કે, તેની કિંમત 14 ટકા જેટલી વધશે. જો તેના પર વેટ પણ ઉમેરીએ તો, આ વધારો સામાન્ય લોકો માટે 14 ટકાથી પણ વધુ હશે.

પેટ્રોલની કિંમતો આસમાને આંબી રહી છે, ત્યારે લોકો પોતાની ગાડીઓને સીએનજી કરાવી રહ્યા છે. પરંતુ, પેટ્રોલ બાદ હવે સીએનજીમાં પણ તોતિંગ ભાવ વધારાના દિવસો દૂર નથી. માત્ર સીએનજી જ નહીં, જેમના ઘરે ગેસની પાઈપલાઈન છે, તે લોકોને પણ 1 ઓક્ટોબરે થનારો આ ભાવવધારો નડવાનો છે.

હાલ મળતા સંકેત અનુસાર, ગેસના એક યુનિટની કિંમત 14 ટકાના વધારા સાથે 3.5 ડોલર જેટલી થઈ શકે છે. નેચરલ ગેસની કિંમતો દર છ મહિને નક્કી કરવામાં આવે છે, અને યુએસ, કેનેડા, યુકે તેમજ રશિયાના બજારના ભાવોના આધારે તેની કિંમત નક્કી થાય છે. તેમાંય આ વખતે તો ડોલર સામે રોજેરોજ ઘસાઈ રહેલો રુપિયો ગેસને વધુ મોંઘો બનાવે તેવી ભીતિ છે.

નેચરલ ગેસની કિંમત વધવાના કારણે તેની બીજી પણ અસરો થશે. મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં ગેસનો મોટાપાયે ઉપયોગ થાય છે. જો ગેસ મોંઘો થાય તો તેમની પ્રોડક્શન કોસ્ટ પણ વધી જશે. ગેસ આધારિત પાવર પ્લાન્ટમાં પેદા થતી વીજળી પણ મોંઘી બનશે, અને સીએનજી કાર ચલાવવાનો ખર્ચો પણ વધી જશે.

જોકે, ગેસની કિંમતોમાં વધારો થવાથી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, કેન જેવી પ્રાઈવેટ કંપની તેમજ ઓએનજીસી જેવી ગેસનું ઉત્પાદન કરતી સરકારી કંપનીને મોટો લાભ થશે. ઓક્ટોબર 2014માં ગેસની કિંમતો નક્કી કરવાની ફોર્મ્યુલા અમલમાં આવતા ગેસની કિંમતો નીચે ગઈ હતી. આ કંપનીઓની ફરિયાદ હતી કે જો ગેસની કિંમતો આટલી નીચી રહી તો તેમને ગેસના ઉત્પાદનમાં કશુંય વળતર નહીં મળે.

ભારત પોતાની જરુરિયાનો અડધાથી વધુ નેચરલ ગેસ આયાત કરે છે. દેશમાં જે ગેસ ઉત્પાદિત થાય છે તેના કરતા આયાત કરાતા ગેસની બમણી કિંમત ચૂકવવી પડે છે. ભારત યુકે, અમેરિકા, કેનેડા અને રશિયાના બજારોમાં ચાલી રહેલી ગેસની કિંમતના સરેરાશના આધારે નક્કી કરે છે. એપ્રિલ 2017 થી માર્ચ 2018 વચ્ચે ઈન્ટરનેશનલ માર્કેટમાં ગેસની જેટલી કિંમત હતી, તેના આધારે ભારતમાં ઓક્ટોબર 2018 થી માર્ચ 2019ના ગાળાની કિંમત નક્કી થશે.

(5:54 pm IST)