Gujarati News

Gujarati News

News of Sunday, 1st August 2021

યુપીના હાપુરમાં પ્રજાએ આપ્યો પરચો: ગંદકીથી ત્રસ્ત ગ્રામજનોએ ભાજપના ધારાસભ્યને ગંદાપાણીમાં ચલાવ્યા

ધારાસભ્ય કમલસિંહ મલિક ગામડાની પદયાત્રા પર નીકળ્યા ત્યારે ગામના સરપંચે ધારાસભ્યનો હાથ પકડ્યો અને તેને પાણીમાં વચ્ચો વચ્ચ લઈ ગયાં.: વિડિઓ વાયરલ

લખનૌ : ગામમાં ગંદકીથી ગુસ્સે ભરાયેલાં લોકોએ ભાજપના ધારાસભ્યને ગંદાપાણીમાં ચલાવ્યા અને આ રીતે ગ્રામજનોએ પોતાના ગામની સમસ્યાનો ધારાસભ્યનો રૂબરુ પરિચય કરાવ્યો હતો .

ઉત્તરપ્રદેશમાં ભાજપના નેતાઓ મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે.એક વીડિયો ઉત્તરપ્રદેશના હાપુરમાંથી સામે આવ્યો છે. જ્યાં ગુસ્સે ભરાયેલાં લોકોએ ભાજપના ધારાસભ્યને ગંદાપાણીમાં ચલાવ્યો અને પોતે જે મુશ્કેલી વેઠતા હતાં તેનો અનુભવ કરાવ્યો.

આખી ઘટના ધોલપુર ગામની છે. આગામી ચૂંટણીને લઈને ધારાસભ્ય કમલસિંહ મલિક ગામડાની પદયાત્રા પર નીકળ્યા હતાં ત્યારે ધોલપુરમાં લોકોને વરસાદને કારણે પાણી ભરાઈ જવાની સમસ્યા અને કાદવ-કીચડનો સામનો કરવો પડી રહ્યો છે, જ્યારે ધારાસભ્ય ધોલપુર પહોંચ્યા ત્યારે ગામના લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. ગામના લોકોએ પોતાની પરેશાનીનો અનુભવ ધારાસભ્યને કરાવવા માટે ભરાયેલાં વરસાદી પાણી પર ચલાવ્યા. ગામના સરપંચે ધારાસભ્યનો હાથ પકડ્યો અને તેને પાણીમાં વચ્ચો વચ્ચ લઈ ગયાં.

 

ધારાસભ્ય બિચારા શું કરે. ચૂંટણી જો આવવાની છે. મોઢામાંથી એક હરફ શબ્દ ઉચ્ચાર્યા વગર ધારાસભ્ય ચૂપચાપ પાણી પર ચાલવા લાગ્યાં...આ દરમિયાન ત્યાં હાજર રહેલાં લોકોએ વીડિયો બનાવવાનું શરૂ કરી દીધું.

નારાજ થયેલાં ગ્રામજનોએ કહ્યું કે તમે પહેલીવાર ગામમાં પધાર્યા છો. ગામમાં પાણી ભરાવાની ભારે સમસ્યા છે. તો સાફસફાઈની પણ કોઈ વ્યવસ્થા નથી, રસ્તા બનાવાયા પણ પાણીનો નિકાલ થાય તેવુ કોઈ કામ નથી કરાયું. જેથી ગામમાં પાણી ભરાઈ રહે છે. ગામના લોકો આ ગંદા પાણીમાં જ આવનજાવન કરે છે.

તમને જણાવી દઈએ કે કમલસિંહ મલિક ઉત્તરપ્રદેશના હાપુરના ગઢ મુક્તેશ્વર વિધાનસભાના ધારાસભ્ય છે. આ પહેલાં પણ તેમનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેમાં તે પોતાના સમર્થકો સાથે મારપીટ કરતાં જોવા મળ્યા હતાં.

હવે પક્ષ કોઈપણ હોય પ્રજાને પોતાના કામ થવા જોઈએ તેની સાથે મતલબ છે. જો કામ નહીં થાય તો પ્રજા હવે ચૂપ બેસવામાં માનતી નથી, જેનો પરચો ઉત્તરપ્રદેશમાં ભાજપના ધારાસભ્યને ખૂબ સારી રીતે મળ્યો

(10:56 pm IST)