Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

એગ્રો ફેક્ટરીમાં બોઈલર ફાટતાં પાંચ કામદારનાં મોત

મહારાષ્ટ્રના નાગપુરની કમનસીબ દુર્ઘટના : પાંચેયનાં ઘટના સ્થળે જ મોત થયાં, કંપનીની બેદરકારીનો આરોપ લગાવી પરિવારજનોનો મૃતદેહો સ્વિકારવા ઈનકાર

નાગપુર, તા.૧ : મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાં શનિવારે એક ફેક્ટરીમાં બોઇલર ફાટવાથી પાંચ કામદારોનાં મોત થયા હતા. મળતી માહિતી પ્રમાણે આ દુર્ઘટના માનસ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ નામની ફેક્ટરીમાં બની હતી. આ ફેક્ટરી ઉમરેડ તાલુકાના બેલા ગામમાં છે. અહીં બાયોગેસ પ્લાન્ટ પાસે બપોરે લગભગ સવા બે વાગ્યે દુર્ઘટના બની હતી. બ્લાસ્ટમાં મૃત્યુ પામનારાઓમાં મંગેશ પ્રભાકર નૌકારકર (૨૧), લીલાધર વામનરાવ શિંદે (૪૨), વાસુદેવ લાદી (૩૦), સચિન પ્રકાશ વાઘમારે (૨૪) અને પ્રતાપ પાંડુરંગ મૂન (૨૫)નો સમાવેશ થાય છે.

           તેઓ બડગાંવના રહેવાસી હતા. પોલીસે જણાવ્યું કે સચિન વાઘમારે ફેક્ટરીમાં વેલ્ડર તરીકે કામ કરતો હતો. જ્યારે બાકીના લોકો હેલ્પર હતા. બ્લાસ્ટમાં મજૂરોને ગંભીર ઇજા બાદ ઘટનાસ્થળે જ તેમનું મૃત્યુ થયું હતું. મૃતકોના પરિવારજનો અને ગામના લોકો ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા. પરિવારજનો તેમજ સ્થાનિકોએ કંપનીની બેદરકારીની ફરિયાદ કરતા મૃતદેહ સ્વીકારવાની ના પાડી છે. તેમની માગ છે કે કંપની મેનેજમેન્ટ તરફથી કોઇ આવે અને બોડીને કબજામાં લે. નાગપુર પોલીસ અધિક્ષક રાકેશ ઓલા અને ઉમરેડના કોંગ્રેસના ધારાસભ્ય રાજૂ પરવે પણ ઘટનાસ્થળે ઉપસ્થિત છે.

(9:38 pm IST)