Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

અમેરિકાઃ હોસ્પિટલની ૩૬ નર્સો એક જ વર્ષ દરમિયાન ગર્ભવતી બનતા આશ્ચર્ય

પેશન્ટ પણ મજાક કરતા ફરે છેઃ અહીનું પાણી ત્યારે જ પીજો જયારે ગર્ભવતી બનવું હોય

વોશિંગ્ટન, તા.૧: અમેરિકાના ચિલ્ડર્ન મર્સી કેનસેસ સિટી હોસ્પિટલમાં એક અનોખો સંજોગ જોવા મળ્યો છે. અહી કામ કરતી ૩૬ નર્સો એક જ વર્ષના સમયગાળા દરમિયાન ગર્ભવતી બની. પ્રાપ્ત માહિતી મુજબ અહીના ઇન્ટેસિવ કેર યૂનિટમાં કાર્યરત ૩૬ નર્સો ગર્ભવતી બની, જો કે કોઇ નર્સનું આ પહેલું બેબી છે તો કોઇનું બીજુ બાળક.

અમેરિકા (મિસૂરી)ના બેસ્ટ ચિલ્ડ્રન હોસ્પિટલે તેના ફેસબુક પેજ પર ફોટો શેર કરતા લખ્યું હતું કે, અમારા ઇન્ટેસિવ કેર નર્સરીના નર્સ અહી આવતા બાળકોની દિવસ -રાત સંભાળ લે છે. એ પણ એવા સમયે જયારે તેઓ જાતે પણ ગર્ભવતી છે. આ ફોટો જૂન મહિનાની હતી જે આ બધી નર્સોના વર્ષ ૨૦૧૯માં જન્મેલા બાળકોની અને કેટલાક જન્મ લેનાર (બેબી બમ્પ)ની હતી. અત્યાર સુધી ૨૦ બાળકોનો જન્મ થઇ ચૂકયો છે, જેમાં માત્ર બે જ બેબી ગર્લ છે.

 બાકીના ૧૬ બાળકોનો જન્મ આગામી સમયમાં થશે. આ નર્સોની ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

આ મામલે હોસ્પિટલની એક નર્સ એલિસન રોન્કોએ મજાક કરતા જણાવ્યું હતું કે, અહીની પેશન્ટ હસી ઉડાવે છે કે આ જગ્યાનું પાણી ત્યારે જ પીજો, જયારે તમારે પ્રેગ્નેન્ટ થવું હોય.

અહીની નર્સોનું કહેવું છે કે, તેઓ પરસ્પર એકબીજાની સારસંભાળ લે છે અને એકબીજાના બાળકોની પણ સંભાળ કરીએ છીએ.

(1:39 pm IST)