Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

આઈપીએસ જી.પી.સિંહને ત્યાં એસીબીના અનેક સ્થળે દરોડા

છત્તીસગઢ વહિવટી વિભાગમાં ભારે હડકંપ : આઈપીએસ જી.પી.સિંહની સામે અપ્રમાણસર સંપત્તિનો કેસ છે હોઈ દરોડા, ૧૦ સ્થળોએ જુદી-જુદી ટીમો ત્રાટકી

રાયપુર, તા. : છત્તીસગઢમાં એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી) વરિષ્ઠ આઈપીએસ અધિકારી જી.પી.સિંહના ૧૦ સ્થળો પર દરોડા પાડ્યા હતા. જી.પી.સિંહની સાથે સાથે તેમના નજીકના લોકોના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા છે. એસીબીની અનેક ટીમો વિવિધ સ્થળોએ દરોડા પાડ્યા છે. આથી છત્તીસગઢના વહીવટી વિભાગમાં હડકંપ મચી ગયો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે જી.પી.સિંહ એક સમયે પોતે એસીબીની કમાન સંભાળતા હતા અને આજે પોતે ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયા છે.

એસીબીના ચીફ રહી ચૂક્યા છે આઈપીએસ અધિકારી જી.પી.સિંહ

એવું કહેવામાં આવી રહ્યું છે કે આઈપીએસ જી.પી.સિંહ સામે અપ્રમાણસર સંપત્તિનો કેસ છે. જેને લઈને દરોડા પાડવામાં આવી રહ્યા છે. એવું પણ અનુમાન લગાડવામાં આવી રહ્યું છે કે, તપાસ દરમિયાન અનેક ચોંકાવનારા તથ્યો પણ સામે આવશે. અહેવાલ મુજબ એસપી રાહુલ શર્માના આપઘાત કેસમાં પણ જી.પી.સિંહનું નામ આવ્યું હતું. આઈપીએસ જી.પી.સિંહ ભૂતકાળમાં છત્તીસગઢ એસીબીના ચીફ પણ રહી ચૂક્યા છે.

એક વર્ષ પહેલા તેમને એસીબીમાંથી હટાવીને પોલીસ એકેડેમીમાં મોકલાયા છે. તેઓ રાયપુર, બિલાસપુર અને દુર્ગના આઈજીપી પણ રહી ચૂક્યા છે. છત્તીસગઢમાં પહેલીવાર આઇપીએસના ઘરે એસીબીના દરોડા ચાલી રહ્યા છે. ભૂતકાળમાં પણ તેઓ અનેક વિવાદોમાં સપડાયા છે. અગાઉ શોર્ય મેળવવા માટે તેઓ આદિવાસીઓને નક્સલી જણાવીને રાયપુર લાવી ચૂક્યા છે.

કાર્યવાહીથી એડીજીપી સિંહના નજીકના લોકો સકંજો કસવામાં આવી રહ્યો છે. જેમાં ઘણા આઈપીએસ અધિકારીઓ પણ આમાં સામેલ છે. કહેવામાં આવી રહ્યું છે કે એસીબીની ટીમે આઈપીએસ અધિકારીઓને ઠેકાણે દરોડા પાડ્યા છે. જો કે, હજી સુધી તેની માહિતી સ્પષ્ટ નથી, કાર્યવાહી હજી પણ ચાલુ છે. પૂર્વ અધિકારી પર એસીબીની કાર્યવાહીથી પોલીસ વિભાગમાં હડકંપ મચી ગયો છે.

(8:04 pm IST)