Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

ખેડૂતોની ડિક્શનરીમાં પીછેહઠ શબ્દ છે જ નહીં : ખેડૂત આગેવાન રાકેશ ટિકૈત

ખેડૂતો-ભાજપ કાર્યકરો વચ્ચે ઘર્ષણ,ખેડૂત આગેવાન રાકેશ ટિકૈત આકરા પાણીએ : દિલ્હીની ગાઝીપુર બોર્ડર ઉપર ખેડૂતો અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ બાદ પોલીસ ફોર્સ તૈનાત કરી દેવાઈ

નવી દિલ્હી, તા. : દિલ્હીની ગાઝીપુર બોર્ડર પર ખેડૂતો અને ભાજપના કાર્યકરો વચ્ચે ગઈકાલે, બુધવારે ઘર્ષણ થયુ હતુ. પછી ખેડૂત આગેવાન રાકેશ ટિકૈતે ભાજપના કાર્યકરોને સીધાદોર કરી દેવાની ધમકી આપી હતી.

જોકે ટિકૈતનુ આક્રમક વલણ હજી પણ યથાવત છે. તેમણે નવેસરથી નિવેદન આપીને કહ્યુ છે કે, હાલમાં દેશ પર કેટલાક લોકોએ કબ્જો કરી લીધો છે. તેમને દેશની જનતા, વેપારીઓ, ખેડૂતો અને મજૂરો સાથે કોઈ લેવા દેવા નથી. ખેડૂતો દિલ્હીને ઘેરી રહ્યા છે ત્યારે પણ સરકાર વાત રકવા તૈયાર નથી. પણ ખેડૂતો પીછેહઠ નહીં કરે.

તેમણે આગળ કહ્યુ હતુ કે, આંદોલન થકી ખેડૂતો આમ જનતાની લાગણીને વ્યક્ત કરી રહ્યા છે. એક વૈચારિક ક્રાંતિ છે. જ્યાં પણ ક્રાંતિ આવી છે ત્યાં પરિવર્તન થયુ છે. વિચારથી મોટુ કોઈ શસ્ત્ર નથી. અમે પાછળ હટવાના નથી. પીછેહઠ નામનો શબ્દો ખેડૂતોની ડિક્શનરીમાં નથી. જે રીતે સેના મોરચા પર હોય છે ત્યારે ગોળી ખાવા તૈયાર હોય છે પણ પાછળ હટવા નહીં તે રીતે અમે મોરચા પર છે અને લડી રહયા છે.

કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાઓ સામે ખેડૂતોનુ આંદોલન સાત મહિનાથી ચાલી રહ્યુ છે. કોરોનાની બીજી લહેર વચ્ચે પણ ખેડૂત આગેવાનોએ આંદોલન રોકવાની ના પાડી દીધી હતી. હાલમાં પણ દિલ્હી બોર્ડર પર ખેડૂતોનો જમાવડો છે. જેના પગલે ગાઝીપુર બોર્ડર ખાતે ભાજપા કાર્યકરો અને ખેડૂતો વચ્ચે ટકરાવ થયો હતો. જોકે પછી અહીંયા મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત કરી દેવામાં આવી હતી.

(8:02 pm IST)