Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

થિયેટર્સમાં બાળકોના વયનું સર્ટિફિકેટ સાથે રાખવું પડશે

નવા બિલથી ફિલ્મ પ્રોડ્યુસરની મુશ્કેલી વધશે : આ બિલ પ્રમાણે કોઈ ફિલ્મ સેંસર બોર્ડમાંથી પાસ થશે તો પણ તેના પર પ્રતિબંધનો ખતરો તોળાતો રહેશે

નવી દિલ્હી, તા. : કેન્દ્ર સરકારના પ્રસ્તાવિત સિનેમેટોગ્રાફ બિલને લઈને ફિલ્મ પ્રોડ્યુસરોની પરેશાની વધે તેવા ભણકારી વાગી રહ્યા છે. બિલ પ્રમાણે કોઈ ફિલ્મ સેંસર બોર્ડમાંથી પાસ થશે તો પણ તેના પર પ્રતિબંધનો ખતરો તોળાતો રહેશે.

સેન્સર બોર્ડની મંજૂરી પછી પણ ફિલ્મની ફરી તપાસ થઈ શકે છે. સિવાય બિલની એક જોગવાઈ પણ છે કે, માતા પિતા જો બાળકોને લઈને થિયેટરમાં જશે તો તેમને બાળકોની વય દર્શાવતુ સર્ટિફિકેટ સાથે રાખવુ પડશે. કારણકે સેન્સરશિપની નવી ત્રણ કેટેગરી હશે. જેમાં ફિલ્મોને સાત વર્ષથી વધારે વયના, ૧૩ વર્ષથી વધારે વયના અને ૧૬ વર્ષથી વધારે વયની કેટેગરી પ્રમાણે સર્ટિફિકેટ આપવામાં આવે.

બિલ પર હવે ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ પ્રતિક્રિયા આપવાનુ શરૂ કર્યુ છે. જેમાં એકટર કમલ હલસને બિલને લઈને ફિલ્મ સર્જકોની આઝાદી ઝુંટવાઈ જશે તેવી ચિંતા વ્યક્ત કરી છે.

કેન્દ્ર સરકાર હાલના કાયદા સિનેમેટોગરાફ એકટ ૧૯૫૨માં બદલાવ કરવા માંગે છે. એવુ મનાઈ રહ્યુ છે કે, સુધારા થઈ ગયા બાદ તે સિનેમેટોગ્રાફ એક્ટ ૨૦૨૧ તરીકે ઓળખાશે. તેની જોગવાઈઓમાં સરકાર સુધાર કરવા માંગે છે. નવી જોગવાઈ પ્રમાણે ફિલ્મને સેન્સર સર્ટિફિકેટ મળ્યા બાદ પણ જો કોઈને તેની સામે વાંધો પડશે તો તેને ફરી સમીક્ષા માટે સેન્સર બોર્ડ સમક્ષ મોકલી શકાશે. કોઈને લાગે છે કે, ફિલ્મના કન્ટેન્ટમાં  ભારતની સુરક્ષા, જાહેર શાંતિ અને શિષ્ટતાનુ પાલન નથી કરાયુ તો તેના પર પુનઃવિચારણાની ફરજ પાડી શકાશે.

આવા સંજોગોમાં શક્ય છે કે, ફિલ્મ પર રોક લાગી શકે અથવા તો જે દ્રશ્ય કે સંવાદ અથવા ગીત સામે વાંધો હોય તેને નિર્માતાઓએ ફિલ્મમાંથી હટાવવુ પડશે.

(8:00 pm IST)