Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

હવે કોંગ્રેસના સુશીલકુમાર શિંદે નારાજ

પાર્ટી ગુમાવી રહી છે વિચારધારાની સંસ્કૃતિઃ નિવેદનરૂપી બોંબ ફોડયો

નવી દિલ્હી, તા.૧: કોંગ્રેસ પાર્ટીને છોડીને ભાજપમાં ગયેલા જિતિન પ્રસાદ, જયોતિરાદિત્ય સિંધિયા પછી હવે કોંગ્રેસના વરિષ્ઠ નેતા સુશીલ કુમાર શિંદેપણ કોંગ્રેસ વિરુદ્ઘ બળવો કરવાની તૈયારી કરી રહ્યા હોવાની    આશંકા છે.  આ સંકેત તેમના એક નિવેદનથી મળી રહ્યા છે. જેમાં તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી સતત તેની વિચારધારાની સંસ્કૃતિ ગુમાવી રહી છે. તેમના મતે હાલ પાર્ટી કયાં છે તે સમજવું મુશ્કેલ છે.તેમના આ નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં સુશીલ શિંદે પણ પાર્ટી છોડવાનું મન બનાવી રહ્યાં હોવાની ચર્ચાએ જોર પકડયું છે.

કોંગ્રેસ પાર્ટીમાં છેલ્લા કેટલાક સમયથી જે દ્યટી રહ્યું છે તેના પરથી લાગે છે કે પક્ષમાં આંતરિક વિવાદ ચરમ પર છે. જેમાં પણ પક્ષના વરિષ્ઠ નેતાઓ જ પક્ષથી નારાજ હોવાનું ખૂલીને સામે આવી રહ્યું છે.

મહારાષ્ટ્રમાં થોડા સમય પૂર્વે જૂના કોંગ્રેસના નેતાઓનું સન્માન માટે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સુશીલ કુમાર શિંદ હાજર હતા. તેમણે આ કાર્યક્રમને સંબોધતા કહ્યું હતું કે એક સમય હતો જયારે કોંગ્રેસ પક્ષમાં મારા શબ્દોનું કંઈક મૂલ્ય હતું. પણ મને ખબર નથી કે હવે છે કે નહીં, કોંગ્રેસ પણ તેની વિચાર ધારાની સંસ્કૃતિ ગુમાવી રહી છે.

તેમણે વધુમાં ઉમેર્યું જે એક સમય હતો જયારે કોંગ્રેસ 'ચિંતન શિબીર' યોજતી હતી. જેમાં પાર્ટીની કામગીરી અને નેતાઓની લોકપ્રિયતા અને લોકોમાં તેમનો પ્રભાવ વગેરે પર મંથન કરવામાં આવતું હતું. પરંતુ હવે પક્ષ કયાં છે તે સમજવું ખૂબ મુશ્કેલ છે. કોંગ્રેસ દ્વારા અપનાવવામાં આવેલી દ્યણી નીતિઓ ખોટી હોઈ શકે છે. પરંતુ કોંગ્રેસમાં સુધારણા માટે શિબિર યોજવાની સંસ્કૃતિ હતી.

કોંગ્રેસ નેતા સુશીલ કુમાર શિંદેએ પાર્ટી હાઈકમાન્ડ સામે નારાજગી વ્યકત કર્યા બાદ રાજકારણ ગરમાયું છે. જેમાં શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું કે જો સુશીલ શિંદેએ કંઇક કહ્યું હોય તો પાર્ટીએ આ મુદ્દે ચર્ચા કરવી જોઈએ. કેમ કે તે કોંગ્રેસના વરિષ્ઠ મોટા નેતાઓમાંના એક છે અને તેમણે પક્ષ માટે ઘણું કર્યું છે.

(3:52 pm IST)