Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

સાઉદી બહારના કોઇપણને હજયાત્રા માટે આવવા દેવાશે નહીં

સાઉદી સરકારે હજયાત્રા માટે ઓપરેશનલ વિગતો જાહેર કરી : કોરોના મહામારીનો ડર છતાં હજયાત્રા સંપૂર્ણ સાવધાની સાથે નિકળશે

નવી દિલ્હી, તા. ૧ : સાઉદી સરકારે ગુરુવારે આગામી હજ યાત્રા માટેની ઓપરેશનલ યોજના જાહેર કરી હતી.

સાઉદી સરકારના મંત્રી મજીદ અલ-કાસાબીએ આ પ્રસંગે કહ્યું હતું કે દેશના નેતાઓ અને મક્કા અને મદીનાના લોકો યાત્રિકોનું સ્વાગત કરવા તૈયાર છે.

તેમણે કહ્યું કે સરકારે હજ યાત્રા સંબંધિત તમામ ક્ષેત્રના લોકોને હજ યાત્રા માટે તૈયાર રહેવા કહ્યું છે. આ સાથે હજ યાત્રા માટે સુરક્ષા વ્યવસ્થા અને આરોગ્ય સેવાઓ પણ તૈયાર કરવામાં આવી રહી છે.

આ વર્ષે બીજી વખત એવું થશે કે કોરોના મહામારીનો ડર છતાં હજ-યાત્રા આયોજિત કરવામાં આવશે.

જો કે, સ્થાનિક વહીવટ કોરોનાના નવા વેરિએન્ટને લઈને ખૂબ જ ચિંતિત છે.

એવું કહેવામાં આવ્યું છે કે આ વખતે ફકત ૬૦ હજાર લોકોને હજ યાત્રા માટે જ મંજૂરી આપવામાં આવશે અને દેશની બહારથી કોઈને પણ હજ યાત્રા માટે આવવા દેવામાં આવશે નહીં.

બંને પવિત્ર મસ્જિદોની દેખરેખ રાખતી સમિતિએ કહ્યું છે કે લોકોને બોટલમાં ઝમઝમ (પવિત્ર જળ) આપવાની વ્યવસ્થા કરવામાં આવશે. મોટી મસ્જિદમાં લોકોને અહીંથી ત્યાં લઈ જવા માટે ૮૦૦ નાના ઇલેકિટ્રક વાહનો લગાવવામાં આવશે, જેથી વૃદ્ધોને યાત્રાધામ કરવામાં કોઈ મુશ્કેલી ન પડે.

સમિતિએ મસ્જિદના પરિસરને સેનેટાઈઝ કરવા માટે ૫૦૦૦ કાર્યકરોની નિમણૂંક કરી છે, જેઓ દિવસમાં ૧૦ વખત મસ્જિદ, બહારનું આંગણા અને પરિસરના અન્ય વિસ્તારોની સફાઇ કરશે.

સમિતિએ અન્ય સુવિધાઓ અંગે વિસ્તૃત ઓપરેશનલ યોજના રજૂ કરી છે.

(3:52 pm IST)