Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

સીધ્ધુની પંજાબમાં બલ્લે બલ્લે ?? પંજાબમાં મોટા ફેરફારોની તૈયારીમાં સોનિયા ગાંધી

પ્રદેશ પ્રમુખથી પ્રભારી સુધી બધા નવા

ચંદીગઢ,તા. ૧: પંજાબ કોંગ્રેસનો કકળાટ રોકવા માટે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ હવે જાતે કમાન હાથમાં લીધી છે. કોંગ્રેસ સુત્રો અનુસાર, સોનીયા ગાંધી દ્વારા ટૂંક સમયમાં જ પંજાબના નવા કોંગ્રેસ પ્રમુખ અને રાજ્યના પ્રભારીની જાહેરાત થઇ શકે છે. વર્તમાન પ્રદેશ અધ્યક્ષ સુનીલ જાખડ સાથે સીએમ કેપ્ટન અમરિંદર સિંહના બહુ સારા સંબંધો નથી. આ ઉપરાંત નવજોત સિંહ સિધ્ધુને સોમવારથી દિલ્હીમાં જ છે. બુધવારે તેમણે પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરી હતી. અને પછી સાંજે રાહુલગાંધીના ઘરે પણ  પહોંચ્યા હતા બન્ને નેતાઓ વચ્ચે લગભગ સવા કલાક વાતચીત થઇ હતી.

કોંગ્રેસના સુત્રોનું માનવું છે કે ટૂંક સમયમાં સોનિયા ગાંધી પંજાબ અંગે મોટી જાહેરાતો કરી શકે છે. રાજ્યના પ્રભારી તરીકે કામ કરી રહેલા હરીશ રાવતને હટાવી શકાય છે. આનું કારણ ઉત્તરાખંડમાં આવતા વર્ષે થનાર ચૂંટણી છે. હરીશ રાવત ત્યાં મુખ્યપ્રધાન રહી ચૂકયા છે. અને ત્યાં આજે પણ કોંગ્રેસ પક્ષમાં તેમનુ નામ મોટુ છે. તેમની જગ્યાએ જેપી અગ્રવાલને પંજાબના પ્રભારીની જવાબદારી આપી શકાય છે.

જો કે પ્રદેશ પ્રમુખના નામ બાબતે કોઇ સહમતિ નથી થઇ શકી. આ હોદ્દા માટે નવજોતસિંહ સિધ્ધુ પણ પ્રયત્નો કરી રહ્યા છે. એવું પણ કહેવાઇ રહ્યુ છે કે તેમણે નાયબ મુખ્યપ્રધાન પદની ઓફર પણ ફગાવી દીધી છે. અને આ પદ બાબતે મક્કમ છે. તો કેપ્ટન અમરિંદરસિંહ તેમને પ્રદેશ પ્રમુખ બનાવવા માટે સહમત નથી. એટલે હવે જોવાનું  એ રહેશે કે આ મહત્વપૂર્ણ જવાબદારી કોને મળે છે. સોનિયા ગાંધી દ્વારા પ્રભારી અને પ્રદેશ પ્રમુખ ઉપરાંત પ્રચાર સમિતીની પણ જાહેરાત થઇ શકે છે.

(12:47 pm IST)