Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

ન્યાયપાલિકામાં 'સરકારી ચંચૂપાત' ચિંતાની બાબત : CJI

ચૂંટણી અત્યાચારથી મુકિત અપાવી ન શકે : ચૂંટણી - ટીકા - વિરોધ લોકતંત્રના અંગ છે : ન્યાયપાલિકાને નિયંત્રીત કરી ન શકાય નહિતર 'કાનુનનું શાસન' ભ્રામક થઇ જશે : ચૂંટણીમાં શાસક બદલવાનો હક્ક તાનાશાહી વિરૂધ્ધ ગેરન્ટી નથી : CJI રમના

નવી દિલ્હી તા. ૧ : ભારતના ચીફ જસ્ટીસ એન વી રમનાએ બુધવારે એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે શાસકને બદલી નાખવાથી અત્યાચારોથી મુકિત નહી મળી શકે. જુલિયસ સ્ટોનને કવોટ કરતા તેમણે કહ્યું કે, ચૂંટણી, ટીકા, વિરોધ આ બધા લોકશાહીના અંગો છે પણ તેનાથી ઉત્પીડનમાંથી મુકિતની ગેરંટી નથી મળતી.

સીજેઆઇએ કહ્યું કે, આઝાદી પછી ૧૭ ચુંટણીઓ થઇ ચૂકી છે. પ્રજાએ પોતાની જવાબદારી કાયમ બરાબર રીતે નિભાવી છે અને હવે એ લોકોનો વારો છે જેમને જનતાએ બંધારણીય જવાબદારી સોંપી છે. તેમણે કહ્યું કે, તમારી પાસે થોડા દિવસોમાં સરકાર બદલવાનો અધિકાર હોઇ શકે છે પણ તેનાથી તમને ઉત્પીડનથી મુકિતની ગેરંટી નહી મળી શકે. જ્યાં સુધી દરેક વ્યકિતના આત્મસન્માનનું રક્ષણ નહીં થાય ત્યાં સુધી લોકશાહીની વ્યાખ્યા સંપૂર્ણ ન બને.

ન્યાયપાલિકાની સ્વતંત્રતા પર સીજેઆઇએ કહ્યું કે, ન્યાયપાલિકાને પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે કોઇ પણ વિધાયીકા કે કાર્યપાલિકા દ્વારા નિયંત્રીત નહીં કરવી જોઇએ જો આવું થશે તો નિયમ અને કાયદાઓ ગૌણ બની જશે. એવી જ રીતે જનતાના વિચારોનો હવાલો આપીને અથવા ભાવનાત્મક વલણ દ્વારા જજો પર કોઇ પણ પ્રકારનું દબાણ ઉભું ન કરવું જોઇએ. જજો ને એ ખબર હોવી જોઇએ કે સોશ્યલ મીડિયા પર જે વાત વધારી વધારીને બતાવાઇ રહી છે, જરૂરી નથી કે તે સાચી જ હોય અને એ પણ જરૂરી નથી કે તે સંપૂર્ણપણે ખોટી હોય.

ભારતના ચીફ જસ્ટિસ એન.વી. રામનાએ અમદાવાદમાં યોજાયેલા એક કાર્યક્રમમાં દિલ્હીથી ઓનલાઇન સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે બંધારણીય મૂલ્યોની રક્ષા કરવાની જવાબદારી માત્ર કોર્ટોની જ નથી. લોકશાહીના ત્રણેય સ્તંભ સંસદ(ધારાસભા), કારોબારી અને ન્યાયતંત્ર ત્રણેયની સમાન જવાબદારી છે કે આ મૂલ્યોની રક્ષા કરવામાં આવે. જસ્ટિસ પી.ડી. દેસાઇ સ્મૃતિ વ્યાખ્યામાળાની ૧૭મી આવૃત્તિ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં ચીફ જસ્ટિસ રામનાએ 'રૂલ ઓફ લો' એટલે કે 'કાયદાનું શાસન' વિષય પર વકતવ્ય આપ્યું હતું.

ચીફ જસ્ટિસ રામનાએ કહ્યું હતું કે કાયદાઓની ન્યાયિક સમીક્ષા કરવીએ ન્યાયતંત્રના મુખ્ય કાર્યો પૈકીનું એક છે. સરકારનાં પગલાંઓ અને સત્તા ચકાસણી કરવા માટે ન્યાયતંત્ર પાસે પૂર્ણ સત્તા આવે છે. તેનો મતલબ એવો નથી કે બંધારણવાદ અને બંધારણીય મૂલ્યોના રક્ષણની જવાબદારી માત્ર કોર્ટોની જ છે. લોકશાહીના ત્રણેય સ્તંભ ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર ત્રણેયની સમાન જવાબદારી છે કે આ મૂલ્યોની રક્ષા કરવામાં આવે.

(11:14 am IST)