Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

જમ્મુ-કાશ્મીરમાં ખતમ થઇ ૧૪૯ વર્ષ જૂની 'દરબાર મૂવ' પ્રથા : દર વર્ષે બચશે ૨૦૦ કરોડ

ઋતુ ફેર સાથે જમ્મુ-કાશ્મીરની રાજધાની જમ્મુથી શ્રીનગર અને શ્રીનગરથી જમ્મુ ટ્રાન્સફર કરવાની દરબાર મૂવ પ્રથા ૧૮૬૨માં ડોગરા શાસક ગુલાબસિંહ શરૂ કરી હતી : એકવાર શિફિંગનો ખર્ચ આશરે ૧૧૦ કરોડ રૂપિયા થયો હતો

નવી દિલ્હી તા. ૧ : કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરની રાજધાનીઓ શ્રીનગર અને જમ્મુ વચ્ચે દર છ મહિને થતી 'દરબાર મૂવ'ની ૧૪૯ વર્ષ જૂની પ્રથાને ખતમ કરી દેવામાં આવી છે. જમ્મુ-કાશ્મીર સરકારે કર્મચારીઓને ફાળવેલા મકાનોની સુવિધા પર રદ કરી દીધી છે અને અધિકારીઓને ૩ અઠવાડિયાની અંદર સરકારી રહેઠાણો ખાલી કરવાના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે.

ઉપરાજયપાલ મનોજ સિન્હાએ ૨૦ જૂને કહ્યું હતું કે, પ્રશાસને ઇ-ઓફિસનું કામ પૂર્ણ કરી લીધું છે, આ માટે સરકારી ઓફિસોના વર્ષમાં બે વાર થતાં 'દરબાર મૂવ'ની પ્રથાને ચાલુ રાખવાની જરૂર નથી. જમ્મુ અને કાશ્મીરમાં 'દરબાર મૂવ' હેઠળ જે અધિકારીઓને સરકારે રહેઠાણ આપ્યા હતા તેઓને પણ ત્રણ અઠવાડિયામાં રહેઠાણ ખાલી કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

'દરબાર મૂવ'ને ખતમ કરવાથી પ્રદેશની સરકારી તિજોરીમાં દર વર્ષે ૨૦૦ કરોડ રૂપિયાની બચત થશે. આ નિર્ણય પછી સરકારી ઓફિસ હવે જમ્મુ અને શ્રીનગર બંને સ્થળોએ સામાન્ય રીતે કામગીરી કરશે. રાજભવન, સિવિલ સચિવાલય, પ્રમુખ વિભાગોના કાર્યાલયો પહેલા 'દરબાર મૂવ' હેઠળ જમ્મુ અને શ્રીનગર વચ્ચે શિયાળા અને ઉનાળામાં ટ્રાન્સફર થતાં રહેતા હતા.

નોંધનીય છે કે ઋતુ બદલાવાની સાથે જ દર છ મહિને જમ્મુ-કાશ્મીરની રાજધાની પણ બદલાતી રહે છે. રાજધાની શિફટ થવાની પ્રક્રિયાને 'દરબાર મૂવ' નામથી ઓળખવામાં આવે છે. છ મહિના રાજધાની શ્રીનગર રહે છે અને છ મહિના જમ્મુમાં રહે છે. રાજધાની બદલવાની આ પરંપરા ૧૮૬૨માં ડોગરા શાસક ગુલાબ સિંહએ શરુ કરી હતી. ગુલાબ સિંહ, મહારાજા હરિ સિંહના પૂર્વજ હતા. જેમના સમયે જમ્મુ-કાશ્મીર ભારતનું અંગ બન્યુ હતું.

ઉલ્લેખનીય છે કે, ઋતુ ફેર સાથે રાજધાની બદલવાની આ દરબાર મૂવ પ્રથા જટિલ અને ખર્ચાળ છે. જેના લીધે વર્ષોથી તેનો વિરોધ પણ થઇ રહ્યો હતો. એક વાર રાજધાની શિફટ કરવાનો ખર્ચ આશરે ૧૧૦ કરોડ રૂપિયા થતો હતો.

(10:34 am IST)