Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

ભારતીયોએ દુબઇમાં રૂ. ૧૨,૧૦૦ કરોડની સંપત્તિ ખરીદી

કોરોના-૧૯ના પ્રતિબંધો વચ્ચે પણ ચાલુ કેલેન્ડર વર્ષના પ્રથમ છ મહિનામાં દુબઇના રિયલ એસ્ટેટમાં ૮૦૦૦થી વધારે નવા રોકાણકારો પ્રવેશ્યા

મુંબઇ તા. ૧ : કોરોના મહામારીથી સમગ્ર દુનિયામાં ગંભીર આર્થિક અનિશ્ચિતતા સર્જાઇ છે જો કે કેટલાંક લોકોએ આ તકનો લાભ લઇ નીચી કિંમતે મોટું મૂડીરોકાણ કરવાની તક ઝડપી લીધી છે. આવી કંઇક ધનિક ભારતીયોએ દુબઇના રિયલ એસ્ટેટમાં કર્યુ છે. ભારતીયોએ કોરોના સંકટ વચ્ચે દુબઇના રિયલ એસ્ટેટમાં ૬ અબજ દિરહામની સંપત્તિ ખરીદી છે. ભારતીય ચલણમાં ગણતરી રીતે તો તેનું મૂલ્ય ૧૨,૧૦૦ કરોડ રૂપિયા જેટલુ થાય છે. તો યુકેના રોકાણકારોએ દુબઇના રિયલ્ટી સેકટરમાં ૨.૯ અબજ દિરહામ અને ચીનના લોકોએ ૧.૪ અબજ દિરહામનું રોકાણ કર્યુ છે એવી માહિતી દુબઇ સરકારના સિનિયર એડવાઇઝર મહમૂદ અલબુરાઇએ ટ્વિટમાં જણાવી છે.

ધનિક ભારતીયોએ કોરોના સંકટકાળ વચ્ચે દુબઇમાં પોતાની માટે એક નવુ ઘર ખરીદ્યુ છે જેની પાછળ વ્યાપકપણે સરળ ટેકસ-ફ્રેન્ડલી નિયમો અને રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ દ્વારા તાત્કાલિક રેસિડેન્ટનું સ્ટેટ્સ મળવુ, એક આંતરરાષ્ટ્રીય સ્તરની જીવનશૈલી ઉપરાંત ભારતથી વધારે દૂર ન હોવુ જેવા પરિબળોએ મોટી ભૂમિકા ભજવી છે. 

ઉલ્લેખનિય છે કે, આ રેતાળ પ્રદેશમાં ઘર-મકાનો કંઇ સસ્તા નથી. લકઝુરિયસ એપાર્ટમેન્ટ, વીલા અને હોટલનો રૂમ પણ એક કરોડ રૂપિયાથી લઇને ૨૦ કરોડ રૂપિયા સુધીમાં વેચાય છે.

દુબઇ ભારતથી ભૌગોલિક દ્રષ્ટિએ ઓછા અંતરે આવેલ હોવાથી ઘણા ધનિક ભારતીયો ત્યાં મકાન ખરીદવા આકર્ષાયા છે. રેસિડેન્સી વીઝા મેળવવા માટે મિલકતોમાં ઓછામાં ઓછા મૂડીરોકાણની રકમ ૧૦ લાખ દિરહામ (લગભગ ૨ કરોડ) છે. જે પોર્ટુગલ અને સ્પેનમાં રેસિડેન્ટ વીઝા પ્રાપ્ત કરવા માટે રિયલ એસ્ટેટમાં ૫ લાખ યુરો (લગભગ ૪.૪ કરોડ રૂપિયા)નું મૂડીરોકાણ કરવા કરતા ઘણું વાજબી છે એવું નિષ્ણાંતોનું કહેવુ છે.

આ વૃદ્ઘિ યુએઇના ગોલ્ડન વીઝા પ્રોગ્રામને પણ આભારી છે, જે વૈશ્વિક રોકાણકારો અને ટોપ ટેલન્ટ માટે ઉપલબ્ધ છે, જેમાં તેમને ૧૦ વર્ષ માટે વીઝા મળે છે. આ વીઝા ડોકટરો, નિષ્ણાંતો, વૈજ્ઞાાનિકો, ઇન્વેન્ટરોની સાથે સાથે પ્રતિભાશાળી રચનાત્મક અને વ્યકિતગત રમતવીરો અને અમીરાતમાં વેપાર, સ્ટાર્ટઅપ્સ અને રિયલ એસ્ટેટના ઇન્વેસ્ટરો માટે ઉપલબ્ધ છે.

છેલ્લા પાંચ મહિના સંયુકત અરબ અમિરાતમાં રહેતા એનઆરઆઇ અને ભારતના ધનિક વ્યકિતઓએ ૬ અબજ દિરહામનું મૂડીરોકાણ કર્યુ છે. એપ્રિલ ૨૦૨૧ના મહિનામાં દુબઇના પ્રોપર્ટી માર્કેટમાં ૩ અબજ ડોલરના ૪૮૦૦ સેલ્સ ટ્રાન્ઝેકશન નોંધાયા છે, જે છેલ્લા ચાર વર્ષમાં સૌથી વધારે છે.

એપ્રિલમાં સેલ્સ ટ્રાન્ઝેકશનના લગભગ ૬૦ ટકા સેકન્ડરી કે તૈયાર પ્રોપર્ટી માટે અને ૪૦ ટકા અત્યાર સુધી તૈયાર થયેલી સંપત્તિઓ માટે હતાં. એપ્રિલમાં ૮૪.૧ કરોડ ડોલરની ૧૯૩૪ અંડર- કન્સ્ટ્રકશન પ્રોપર્ટી અને ૨.૧૫ અબજ ડોલરની ૨૯૮૯ તૈયાર પ્રોપર્ટીઓનું વેચાણ થયુ છે.

પ્રાથમિક અંદાજ મુજબ કોરોના-૧૯ પ્રતિબંધોના લીધે વિદેશ પ્રવાસ અને અવરજવર અત્યંત ઓછું હોવા છતાં ચાલુ કેલેન્ડર વર્ષના પ્રથમ છ મહિનામાં દુબઇના રિયલ એસ્ટેટમાં ૮૦૦૦થી વધારે નવા રોકાણકારો પ્રવેશ્યા છે.

રેસિડેન્ટ ભારતીયને પ્રત્યેક નાણાંકીય વર્ષમાં અઢી લાખ ડોલર (રૂ. ૧.૮૫ કરોડ) વિદેશમાં મોકલવાની મંજૂરી છે. રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટર્સ ત્રણ વર્ષના દુબઇ રેસિડેન્ટ વીઝા માટે પાત્ર છે જો તેઓ એક સંપત્ત્િ।માં ઓછામાં ઓછું ૧૦ લાખ દિરહામનું મૂડીરોકાણ કરે અને જો તેઓ ૫ દિરહામનું રોકાણ કરે તો ૫ વર્ષના રેસિડેન્ટ વીઝા મળી છે. આ રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટર્સ વીઝામાં જીવનસાથી અને બાળકો માટેની પરમિટ શામેલ છે.

(10:32 am IST)