Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

કોરોના મહામારીની અસર

દેશમાં ૪૦ ટકા કર્મચારીઓના પગારમાં થયો ઘટાડો

નવી દિલ્હી તા. ૧ : દેશના વિભીન્ન સેકટર્સમાં કામ કરતા લગભગ ૪૦ ટકા કર્મચારીઓને પહેલા કરતા ઓછા પગારે કામ કરવું પડે છે. આ માહિતી એક તાજા સર્વેમાં જાહેર થઇ છે. અમેરિકન એકાઉન્ટીંગ ફર્મ ગ્રાન્ટ થોર્નટનના આ સર્વેમાં કન્ઝયુમર, રિટેલ, ઇ-કોમર્સ, ફાઇનાન્સીયલ સર્વિસ, મેન્યુફેકચરીંગ, ઓટોમોટીવ, ફાર્મા અને હેલ્થકેર જેવા તમામ સેકટર્સના ૧૬૭૦૦ કર્મચારીઓને સામેલ કરાયા હતા.

સર્વેમાં સામે આવેલ માહિતી અનુસાર ૪૦ ટકા કર્મચારીઓના કુલ વેતનમાં તો ઘટાડો થયો છે પણ ફીકસ્ડ વેતનમાં ઘટાડો થયાનું ફકત ૧૪ ટકા કર્મચારીઓએ કહ્યું છે. મોટાભાગના કર્મચારીઓના કુલ વેતનમાં ઘટાડો વેરીયેબલ પે એટલે કે પરફોર્મન્સના આધારે અપાતા વેતનમાં ઘટાડાના કારણે થયો છે. સર્વેમાં સામે આવેલા આંકડાઓથી ખબર પડે છે કે લગભગ ૩૧ ટકા કર્મચારીઓને તો સંપૂર્ણ વેરીયેબલ વેતનથી હાથ ધોવાનો વારો આવ્યો છે. જ્યારે ૩૩ ટકાનું વેરીયેબલ વેતન પહેલા કરતા ઘટી ગયું છે.

ગ્રાન્ટ થોર્નટનના ભારતીય પાર્ટનર અમિત જયસ્વાલ અનુસાર એક તૃત્યાંશ કર્મચારીઓને તો પોતાના ફીકસ્ડ વેતનમાં પણ કાપ ભોગવવો પડયો છે, જ્યારે ૪૦ ટકા કર્મચારીઓના કુલ પગારમાં ઘટાડા છતાં ફીકસ્ડ વેતનમાં કાપ નથી મુકાયો. આનાથી ખબર પડે છે કે મહામારીનો સૌથી વધારે માર વેરીયેબલ વેતન પર જ પડયો છે.

જયસ્વાલનું કહેવું છે કે, વર્તમાન પરિસ્થિતિમાં યુવા કર્મચારીઓ પોતાના પગારમાં ફીકસ્ડ વેતનનો હિસ્સો વધારવાને બહુ પ્રાથમિકતા આપી રહ્યા છે. સર્વેમાં એ વાત પણ સામે આવી છે કે મોટાભાગના કર્મચારી હવે મેડીકલ ઇન્સ્યોરન્સ જેવી સુવિધાઓની સાથે જ કયાંયથી પણ કામ કરવાની છૂટ, હોમ ઓફિસ એલાઉન્સ અને ફલેકસીબલ વર્કીંગ અવર્સ જેવી સવલતો પણ ઇચ્છે છે.

(10:29 am IST)