Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

ચારિત્રના નામે મહિલા પર ૩ મહિના સુધી જુલમ : ૩૦ કિલો વજનની સાંકળેથી બાંધી રાખી પિતા-પુત્રએ

મહિલા તેની માતાની મદદ માટે પિયર જતી હતી. જેના લીધે પતિ અને પુત્રને તેના ચારિત્ર પર શંકા હતી : પોલીસે તપાસ કરી ત્યારે મહિલા એક ઝુંપડી જેવા કાચા મકાનમાં બંધકની પરિસ્થિતિમાં મળી આવી : આ કેસમાં પોલીસે આરોપી પતિ અને પુત્રની ધરપકડ કરી, મહિલાને મૂકત કરી

જયપુર,તા.૧: ચારિત્રના નામ પર મહિલા પર અત્યાયાર ગુજારવાના અનેક કિસ્સા સામે આવી ચૂકયા છે. દેશમાં મહિલાઓ અને તેમના અધિકારોના રક્ષણ માટે કડક કાયદાઓ હોવા છતાંય તેમની સાથે દુર્વ્યવહારના કિસ્સાઓ સતત વધી જ રહ્યા છે. તાજેતરમાં રાજસ્થાનના પ્રતાપગઢમાંથી પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક મહિલાને ૩ મહિના સુધી ૩૦ કિલો વજનવાળી સાંકળથી બાંધી રાખવામાં આવી હતી. પીડિત પર આ જુલમ બીજુ કોઇ નહીં પરંતુ તેના પતિ અને પુત્ર કરી રહ્યા હતા. પ્રતાપગઢના ઝાંબુખેડા ગામની આ ઘટનામાં પતિને પત્નીના ચારિત્ર પર શંકા હતી, જેના લીધે તેણ પત્નીને સાંકળેથી બાંધી ઘરમાં ગોંધી રાખી હતી. આ અંગેની માહિતી મળતાં પોલીસે મહિલાને આઝાદ કરાવી હતી.

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર વ્યકિતએ તેની પત્નીને ૩ મહિનાથી લોખંડની વજનદાર સાંકળથી બાંધીને ઘરમાં પૂરી રાખી હતી. આ માટે તેણે ઘરની પાસે એક ઝુંપડી જેવા કાચા મકાનનો સહારો લીધો હતો, જેમાં મહિલાને સાંકળેથી બાંધી રાખી હતી. આ દરમિયાન તેણે પીડિતા પર માનસિક અને શારિરીક ત્રાસ ગુજાર્યો હતો. પગમાં સાંકળ બાંધેલી હોવાને લીધે મહિલાને દૈનિક જરુરિયાતો માટે ૩૦ કિલો વજનવાળી સાંકળ ઉચકવી પડતી હતી. જેના લીધે તેના પગમાં ભારે સોજો આવી ગયો હતો.

આ કેસમાં પીડિતાનું કહેવુ હતું કે, તે તેની માતાને કામમાં મદદ કરવા માટે હિગળાંજ ગામે જતી હતી. જેના લીધે તેના પતિ અને પુત્રને તેની પર શંકા હતી કે તેના અન્ય વ્યકિત સાથે અનૈતિક સંબંધ છે. માતાના ઘરે જવા પર પતિ તેને મારતો હતો.

પીડિતાઓ પોલીસને જણાવ્યું કે, તેના પતિએ તેને ૩ મહિનાથી લોખંડની વજનદાર સાંકળેથી બાંધી રાખી હતી. પોલીસે પણ મામલાની ગંભીરતાને જોતાં કાર્યવાહી કરતાં આરોપી પતિ અને પુત્રની ધરપકડ કરી હતી, આ કેસમાં અન્ય આરોપીઓની તપાસ કરવામાં આવી રહી છે.

આ કેસમાં પાડોશીઓની મદદથી મહિલાને મુકત કરવામાં આવી હતી. મહિલા પર આ પ્રકારના ત્રાસની જયારે આસપાસના લોકોને જાણ થઇ ત્યારે તેમણે પોલીસ સુધી વાત પહોંચાડી હતી.

(10:24 am IST)