Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

ગજબ કહેવાય! એક જ ઝાડ પર ૧૨૧ પ્રકારની કેરી!

આ ઝાડ પર ઉગાડવામાં આવેલી કેરીની ૧૨૧ જાતને વિવિધ પ્રખ્યાત નામ પણ આપવામાં આવ્યાં છે

સહારનપુર,તા.૧: એક જ બાગમાં વિવિધ ૧૨૧ પ્રકારની અલગ અલગ કેરી ઉગાડવામાં આવી હોય એ વાત તો તમે ચોક્કસ સાંભળી કે જોઈ હશે! પરંતુ ઉત્ત્।ર પ્રદેશમાં સહારનપુરના કંપની બાગમાં એક અનોખુ ઝાડ હાલ ચર્ચાનો વિષય બન્યો છે. આ ઝાડ પર ૧૨૧ પ્રકારની કેરી ઉગાડવામાં આવી છે. વાત સાંભળીને તમને પણ નવાઈ લાગી ને! પણ વાત એમ છે કે લગભગ ૫-૬ વર્ષ પહેલાં કંપની બાગમાં એક અનોખો પ્રયોગ કરવામાં આવ્યો હતો, જેનો હેતુ કેરીની નવી નવી જાતિ પર સંશોધન કરવાનો હતો.

કેરીના ઉત્પાદનમાં સહારનપુરનું નામ અવ્વલ છે. આ જીલ્લામાં કેરીની ખેતી ભરપૂર કરવામાં આવે છે. જેના કારણે સહારનપુરમાં કેરીની નવી નવી જાત પર સંશોધન પણ થયા છે. લગભગ પાંચથી છ વર્ષ પહેલાં સહારનપુરના કંપની બાગમાં કેરીની ઝાડ પર અનોખો પ્રયોગ કરવામાં આવ્યો હતો. એ સમયે બાગાયત પ્રયોગ અને તાલીમ કેન્દ્રના તત્કાલીન જોઈન્ટ ડિરેકટર રાજેશ પ્રસાદે કેરીના એક જ ઝાડ પર ૧૨૧ પ્રકારની કેરીની કલમને લગાવી હતી.

કોઈ એક જ ઝાડ પર સોથી પણ વધુ પ્રકારની કેરીની જાત જોઈને લોકો પણ આશ્ચર્યમાં મુકાયા છે. એટલું જ નહીં આ કેરીઓ ખરીદવા માટે કેટલાંક લોકો કંપની બાગે પણ પહોંચે છે. સંશોધન માટે જે ઝાડની પસંદગી કરવામાં આવી તેની ઉંમર લગભગ ૧૫ વર્ષ હતી. આ દેશી ઝાડની વિવિધ શાખાઓ પર અલગ અલગ જાતની કેરીઓની કલમ લગાવવામાં આવી હતી. જે બાદ આ ઝાડની દેખરેખ માટે નર્સરી ઈન્ચાર્જની પણ નિયુકિત કરવામાં આવી હતી. હવે આ ઝાડની દરેક શાખા પર અલગ અલગ પ્રકારની કેરી ઉગી છે.

આ ઝાડ પર ઉગાડવામાં આવેલી કેરીની ૧૨૧ જાતને વિવિધ પ્રખ્યાત નામ પણ આપવામાં આવ્યાં છે. જેમાં દશહરી, લંગડા, ચૌંસા, રામકેલા, આમ્રપાલી વગેરેની સાથે કેટલાંક અલગ નામ પણ આપવામાં આવ્યાં છે. જેમ કે સહારનપુર અરૂણ, સહારનપુર સૌરભ, સહારનપુર ગૌરવ, સહારનપુર રાજીવ, લખનઉ સફેદા, ટોમી એટ કિંગ્સ, પૂસા સૂર્યા, સેંસેશન, રટૌલ, કલમી માલદા, બાંબે, સ્મિથ, મેંગીફેરા જાલોનિયા, ગોલા બુલંદશહર, લરન્કૂ, એલ.આર.સ્પેશિયલ, આલમપુર બેનિશા, અસૌજિયા દેવબંદ વગેરે.

આ કંપની બાગના જોઈન્ટ ડિરેકટર બી.પી.રામે જણાવ્યું કે, આ કેરીના ઝાડ પર સંશોધન કરવામાં આવ્યું છે. જેના પર અલગ અલગ પ્રકારની જાતની કેરીની કલમ લગાવવામાં આવી હતી. હવે, આ ઝાડ પર કેરીની અલગ અલગ જાત ઉગે છે. હજુ પણ કેરીની નવી જાત પર સંશોધન કાર્ય ચાલી રહ્યું છે. જેથી સારા પ્રકારની જાતની કેરી ઉગાડી શકાય.

(10:23 am IST)