Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

જમ્મુ-કાશ્મીરમાં ડ્રોન બન્યા માથાનો દુખાવો

ચાર દિવસથી સુરક્ષા દળોની ઉંઘ થઇ ગઇ છે હરામ

Alternative text - include a link to the PDF!

જમ્મુ,તા. ૧: ફિદાયીન ડ્રોન જમ્મુ કાશ્મીરમાં માથાનો દુખાવો બની ગયો છે. આજે સતત ચોથા દિવસે જમ્મુમાં સૈનિક પ્રતિષ્ઠાનો અને વાયુસેનાના સ્થળો આસપાસ ડ્રોન નજરે ચડ્યા છે. ચાર દિવસથી સુરક્ષાદળોની ઉંઘ હરામ થઇ ચૂકી છે જે અત્યારે જમીન પર આતંકવાદીઓ અને આકાશમાં ડ્રોન શોધી રહ્યા છે.

જમ્મુ ના અત્યંત સંવેદનશીલ વિસ્તારોમાં સતત ચોથા દિવસે ડ્રોન ઉડતા દેખાયા છે. તાજી ઘટના બુધવાર સવારની છે. જમ્મુના કાલૂચક્કમાં ગોસ્વામી એન્કવેલ નજીક મીલીટ્રી સ્ટેશન અને એરફોર્સના સીગ્નલ ઉપર બુધવારે વહેલી સવારે ૪:૪૦ અને ૪:૫૨ વાગ્યે લગભગ ૬૦૦ મીટરની ઉંચાઇએ ઉડતા દેખાયા હતા. જો કે અત્યાર સુધી તેની ઓફીશ્યલ પુષ્ટી નથી કરાઇ પણ સુત્રો જણાવે છે કે આજે સવારે બે વાર ડ્રોન ઉડતા જોવા મળ્યા છે.

જો કે આ વિસ્તારમાં ગત સોમવારથી હાઇ એલર્ટ છે. પણ સતત ડ્રોન દેખાવાની ઘટના ઉપરાંત આસપાસ વિસ્તારોમાં તલાશી અભિયાન આજે પણ ચાલુ છે. સવારે જે સમયે જવાનોએ ડ્રોનને ઉડતુ જોયુ તો તેમણે તેના પર ફાયરીંગ પણ કર્યું છે. બીએસએફના એક અધિકારીએ નામ ન છાપવાની શરતે કહ્યુ કે ડ્રોન જોવામાં આવ્યા છે જ્યારે આ બાબતે પોલીસમાં હજુ સુધી કોઇ ફરિયાદ નથી થઇ.

આ દરમ્યાન સુરક્ષાકર્મીઓને હવામાં કોઇ પણ શંકાસ્પદ વસ્તુને જોતા વેત પાડી દેવાનું કહેવાયું છે. ડ્રોન હુમલાના પડકારોનો સામનો કરવા માટે સેનાની ૧૫ મી કોરના કમાંડર લેફટેનંટ જનરલ ડી.પી. પાંડેની અધ્યક્ષતામાં થયેલ ઉચ્ચસ્તરીય બેઠકમાં નવી રણનીતિ બનાવાઇ છે.

સુત્રોએ જણાવ્યુ કે એલઓસી સહિત ખીણના બધા સંવેદનશીલ વિસ્તારોમાં એર ડીફેન્સ સીસ્ટમને સંપૂર્ણ પણે સજ્જ કરી દેવાઇ છે. આ ઉપરાંત બધા મહત્વપૂર્ણ પ્રતિષ્ઠાનો અને સૈન્ય છાવણીઓની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરીને ડ્રોન હુમલાની શકયતાને ધ્યાનમાં રાખીને વ્યાપક સુધારાઓ કરાયા છે.

(10:20 am IST)