Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

તાઈવાનમાં જુડો ક્લાસમાં સિનિયરે ૨૭ વખત પટકતા સાત વર્ષના માસૂમનું મોત

માસુમ બાળકના કોચને આકરામાં આકરી સજા આપવાની માંગ

તાઇવાનમાં સાત વર્ષના બાળકને જૂડો ક્લાસમાં તેના સીનિયરે ૨૭ વખત પટકતા તેનો જીવ જતો રહ્યો હતો.તેનો સીનિયર તેને સતત પટકી રહ્યો હતો ત્યારે તેનો કોચ તેને સતત પ્રોત્સાહન આપી રહ્યો હતો અને તેને વારંવાર પટકવા માટે કહેતો હતો. આ મામલાને લઈને સમગ્ર તાઇવાનમાં મોટાપાયા પર આક્રોશ ફાટી નીકળ્યો છે. સોશિયલ મીડિયા પર લોકો બાળકને શ્રદ્ધાંજલિ આપવા સાથે કોચને આકરામાં આકરી સજા આપવાની માંગ કરી રહ્યા છે

 સમગ્ર મામલો એપ્રિલનો છે. એપ્રિલમાં જુડો ક્લાસમાં સાત વર્ષના માસૂમ બાળકને તેના સિનિયરે ૨૭ વખત પટકતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ રીતે પટકવાના લીધે તેને બ્રેઇન હેમરેજ થઈ ગયું હતું.હોસ્પિટલમાં તે ૭૦ દિવસથી લાઇફ સપોર્ટ સિસ્ટમ પર હતો. છેલ્લે ડોક્ટરોએ તેને લઈને આશા છોડી દીધી. તેના પછી માતાપિતાએ તેને આઇસીયુમાંથી બહાર કાઢવાનો નિર્ણય લીધો અને તેનું મૃત્યુ થયું.

સ્થાનિક વેબસાઇટ તાઇપે ટાઇમ્સ મુજબ કોચ પર શારીરિક હુમલાનો આરોપ લગાડવામાં આવ્યો છે. આ કેસમાં કોચ હોની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી હતી, પણ તેને તરત જામીન પર છોડાયો હતો. જો કે હવે બાળકના મોત પછી આરોપોને બદલી શકાય છે. હવે આ ખૂન કેસ થતા તેને સાત વર્ષથી લઈને આજીવન કેદની સજા થઈ શકે છે.

બીબીસીના રિપોર્ટ મુજબ સાત વર્ષીય બાળકે ૨૧ એપ્રિલના રોજ તેના કાકાની દેખરેખમાં જુડો ક્લાસ જોઇન્ટ કર્યા હતા. તેના પછી જુડો પ્રેક્ટિસનો એક વિડીયો તેની માને એમ કહી બતાવાયો હતો કે જુડો તેના માટે યોગ્ય ન હતું.

વિડીયોમાં દર્શાવવામાં આવે છે કે અભ્યાસ દરમિયાન જુડોનો સિનિયર ખેલાડી સાત વર્ષના બાળકને જમીન પર ૨૭ વખત પટકે છે. આ વિડીયોમાં બાળકને બૂમો પાડતો જોઈ શકાય છે. આ સ્થિતિમાં પણ કોચ તેને ઊભા થવાનો આદેશ આપે છે અને તેનાથી સિનિયર છોકરાને કહે છે કે બાળકને પટકવાનું જારી રાખે.

આ ત્યાં સુધી ચાલતું રહ્યું જ્યાં સુધી સાત વર્ષનો માસૂમ બાળક બેહોશ ન થઈ ગયો. સવાલ એ પણ ઉઠે છે કે બાળકના કાકાએ કોચને કેમ કશું ન કહ્યું. બાળકની માએ જણાવ્યું હતું કે તેના કાકાને જે પણ થયું તે ભયાનક લાગ્યું.

આ ઘટના પછી સાત વર્ષનો માસૂમ ફેંગ્યુઆન હોસ્પિટલમાં ભરતી હતો. મંગળવારે રાતે નવ વાગે ડોક્ટરોએ જણાવ્યું કે તેનું બ્લડ પ્રેશર અને હૃદયના ધબકારા ઓછા થઈ રહ્યા છે. ડોક્ટરોએ કુટુંબ સાથે વાત કરી અને કુટુંબીજનોના નિર્ણય પછી તેને આઇસીયુમાંથી બહાર કાઢવામાં આવ્યો અને તેણે તરત જ અંતિમ શ્વાસ લીધા. બાળકના મોત પછી તાઇવાનના સોશિયલ મીડિયા પર તરત જ શોકની લહેર દોડી ગઈ. લોકોએ માસૂમની મોત પર દુઃખ વ્યક્ત કર્યુ. તેની સાથે કોચની સામે આકરી કાર્યવાહી કરવાની અને માબાપને વળતર આપવાની માંગ કરી છે.

(12:50 am IST)