Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

22000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ધરતી તરફ ધસમસતી આવી રહી છે આફત

આ એસ્ટરોઈડ પૃથ્વીની ભ્રમણકક્ષાથી અત્યંત નજીક રહીને પસાર થશે.: નાસા રાખી રહ્યું છે નજર

નવી દિલ્હી : અમેરિકાની અવકાશી સંસ્થા નાસાએ ચેતવણી આપતા કહ્યુ છે કે, 250 મીટરનુ કદ ધરાવતો એક એસ્ટરોઈડ 22000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ધરતી તરફ આગળ વધી રહ્યો છે.

આ એસ્ટરોઈડ એક જુલાઈએ પૃથ્વીની ભ્રમણકક્ષાથી અત્યંત નજીક રહીને પસાર થશે. આ એએસ્ટરોઈડ પર નાસા 2006થી નજર રાખી રહ્યુ છે. બીજા શબ્દોમાં કહીએ તો તેનુ કદ બુર્જ ખલિફા ઈમારત જેટલુ છે.

નાસાનુ કહેવુ છે કે, સૌથી પહેલા તેની ઓળખ 2006માં થઈ હતી. આ જ પ્રકારનો એક એસ્ટરોઈડ ગયા વર્ષે મે મહિનામાં ધરતી પાસથી પસાર થયો હતો. હવે બુર્જ ખલિફાના આકારનો એસ્ટરોઈડ હાલમાં 6.29 કિમી પ્રતિ સેકંડની ઝડપથી મુસાફરી કરી રહ્યો છે.

વૈજ્ઞાનિકોનુ અનુમાન છે કે, ગુરૂવાર, 1 જુલાઈના રોજ ધરતી નજીક આવશે. નાસાએ તેને ડેન્જરસની કેટેગરીમાં મુક્યો છે. હાલમાં નાસા આવા બે હજાર એસ્ટરોઈડ પર નજર રાખી રહી છે. જે ધરતી માટે ખતરનાક બની શકે છે. આવનારા 100 વર્ષોમાં 22 એસ્ટરોઈડ પૃથ્વી સાથે ટકરાય તેવી આછી પાતળી શક્યતા છે.

એસ્ટરોઈડ એ પ્રકારના પથ્થર હોય છે જે કોઈ ગ્રહની જેમ જ સૂર્યની આસપાસ ફરતા હોય છે. જોકે તેનો આકાર ગ્રહ કરતા ઘણો નાનો હોય છે. પૃથ્વીની સોલર સિસ્ટમમાં મોટાભાગના એસ્ટરોઈડ મંગળ તેમજ જ્યુપિટરની ભ્રમણકક્ષામાં જોવા મળે છે.

લગભગ 4.5 અબજ વર્ષ પહેલા જ્યારે સૂર્યમાળા બની ત્યારે ગેસ અને ધૂળના જે આકાર ગ્રહનુ સ્વરૂપના લઈ શક્યા તે પથ્થરોમાં એટલે કે એસ્ટરોઈડમાં ફેરવાયા હતા. એટલે જ તેમનો આકાર ગોળ નથી હોતો અને ક્યારે પણ બે એસ્ટરોઈડ એક સરખા પણ નથી હોતા

(11:34 pm IST)