Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

હોસ્પિટલ્સના ચક્કર છતાંય દર્દીને દાખલ ન કરાતા મોત

૩૬ કલાકમાં ૧૮ હોસ્પિટલ્સના ચક્કર માર્યા : દર્દી કાકાને લઈને ભત્રીજો ઘણી હોસ્પિટલમાં ફર્યો પણ બધાએ દાખલ કરવા ઈનકાર કર્યો, કાકાએ પ્રાણ છોડ્યા

બેંગલુરુ, તા. ૧ : બેંગલુરુમાં કોરોનાના આ યુગમાં હોસ્પિટલો દર્દીઓ સાથે કેવો વ્યવહાર કરે છે એનો એક બનાવ સામે આવ્યો છે. આ જાણ્યા પછી માનવતા પણ શરમાઈ જશે. અત્રે ૧૮ હોસ્પિટલોએ બહાના કાઢીને સારવાર કરવાનો ઇનકાર કર્યો હતો, ત્યારબાદ ૫૨ વર્ષિય ઉદ્યોગપતિનું હોસ્પિટલના દરવાજે મોત નીપજ્યું હતું. ઉદ્યોગપતિના ષેલ્લા શબ્દો હતો 'હું આ રાતે જીવી નહીં શકું .. મહેરબાની કરીને મને ઘરે લઇ જાવ અથવા મને હોસ્પિટલમાં દાખલ કરાવો ... હું શ્વાસ લઈ શકતો નથી ...'. મળતી માહિતી મુજબ એસપી રોડ નજીક નગારાથપેટમાં રહેતા કાપડના વેપારી બીમાર હતા અને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. તેમણે શનિવાર અને રવિવારે ૧૮ હોસ્પિટલ્સમાં એમ્બ્યુલન્સ સાથે ચક્કર માર્યા હતા. ભત્રીજાએ કહ્યું કે બધે જ અમને ના પાડી દેવાઈ હતી.

             તેણે હોસ્પિટલોની યાદી પણ બતાવી. આ સમય દરમિયાન, તેમણે ૩૦ થી ૩૨ હોસ્પિટલોમાં પણ કોલ કર્યા હતા પરંતુ દરેકે પલંગની અછતનું કારણ જણાવ્યું હતું. કાપડનો વેપારી તીવ્ર તાવનો શિકાર બન્યો હતો અને શનિવારે સવારે શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. એક અખબારના અનુસાર ભત્રીજાએ કહ્યું કે શનિવારનો આખો દિવસ હોસ્પિટલોમાં ભટકવામાં પસાર થયો પરંતુ કોઈ પણ હોસ્પિટલે તેમને સારવાર માટે દાખલ કર્યા નહીં. રવિવારે તે તેના કાકા સાથે તેમના કોરોના ટેસ્ટ માટે લેબ પર પહોંચ્યો હતો. ઉદ્યોગપતિના ભત્રીજાએ જણાવ્યું હતું કે કોરોના ટેસ્ટ માટે સેમ્પલ આપ્યા બાદ તેણે ફરી તેના કાકાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાવવાનો પ્રયાસ કર્યો હતો. આ સમય દરમિયાન તેમણે અનેક પ્રભાવશાળી લોકોને પણ બોલાવ્યા પરંતુ કોઈની મદદ ન મળી. ભત્રીજાના જણાવ્યા મુજબ રવિવારે રાત્રે આઠ વાગ્યે તે તેના કાકાને લેડી કર્ઝન હોસ્પિટલમાં લઈ ગયો હતો. હોસ્પિટલના ડોકટરોએ ત્યાં તેની સારવાર માટે સંમતિ આપી હતી, પરંતુ તે પહેલાં કોરોના પરીક્ષણના કાગળો બતાવવાની માંગ કરી હતી. આ સમય દરમિયાન ઘણો સમય પસાર થયો અને આખરે વેપારીનું મોત હોસ્પિટલના દરવાજે થયું.

મૃતકના ભત્રીજાના જણાવ્યા મુજબ, તેઓ કનિગમ રોડ પરની એક જાણીતી હોસ્પિટલમાં પણ લઈ ગયા. હોસ્પિટલે કહ્યું કે અહીં કોઈ પથારી ખાલી નથી. આ પછી, તેને બીજી હોસ્પિટલમાં જવું પડ્યું. તે હોસ્પિટલે પણ દાખલ કરવાનો ઇનકાર કર્યો હતો. ભત્રીજાએ કહ્યું, શનિવારે અમે આખો દિવસ હોસ્પિટલની આજુબાજુ ફરતા રહ્યા. બધે રેહમની આજીજી કરી પણ કોઈ ફાયદો થયો નહીં. અમે હોસ્પિટલના કર્મચારીઓના પગે પણ પડી ગયા, પણ કોઈ ફાયદો થયો નહીં.

(7:48 pm IST)