Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

ઓલિમ્‍પિટન આર્ચર દિપિકાકુમારી અને અતનુદાસ લગ્નના બંધને બંધાયાઃ મુખ્‍યમંત્રી હેમંત સોરેનએ આશિર્વાદ પાઠવ્‍યા

રાંચીઃ ઓલિમ્પિયન આર્ચર દીપિકા કુમારી અને અતનુ દાસ મંગળવારની રાતે લગ્નના બંધનમાં બંધાય ગયા છે. રાંચીના મોરહાબાદી સ્થિત એક બેન્કેટ હોલમાં લગ્ન સમારોહ સંપન્ન થયો હતો. મુખ્યમંત્રી હેમંત સોરેન દીપિકા અને અતનુને આશીર્વાદ આપવા માટે લગ્ન સમારોહમાં પહોંચ્યા હતા. તેમણે વર-કન્યાને નવા જીવનની શુભેચ્છા આપી અને સુખી લગ્ન જીવનની કામના કરી હતી. દીપિકા અને અતનુની સગાઈ 10 ડિસેમ્બર 2018ના થઈ હતી.

લગ્ન સમારોહમાં કોવિડ-19 મહામારી સાથે જોડાયેલા સરકારના નિર્દેશોનું પાલન કરવામાં આવ્યું અને સોશિયલ ડિસ્ટેન્સિંગ જાળવી રાખવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. કન્યા પક્ષ તરફથી 60 આમંત્રણ કાર્ડ આપવામાં આવ્યા હતા. જાન સોમવારે જ કોલકત્તાથી રાંચી પહોંચી ગઈ હતી. દીપિકાના પરિવારજનોએ પણ જાનનું સ્વાગત માસ્ક પહેરીને કર્યું હતું. આ તકે મહેમાનો માટે બે અલગ-અલગ સમય નક્કી કરવામાં આવ્યા હતા.

ભારતીય આર્ચરી સંઘના નવનિર્વાચિત અધ્યક્ષ અને ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી અર્જુન મુંડા લગ્ન સમારોહમાં સામેલ ન થઈ શક્યા. મુંડાએ ટ્વીટ કરીને જણાવ્યુ કે, દીપિકા મારી પુત્રી છે. દેશની પુત્રી છે. આજે હું તેના લગ્નમાં સામેલ ન થઈ શક્યો. તેનો મને અફસોસ છે. મારી પત્ની મીરા નવદંપતિને શુભેચ્છા આપવા જશે. હું બંન્નેના સુખમય દાંપત્ય જીવનની કામના કરુ છું.

દીપિતા અને અતનુની નજર ઓલિમ્પિક મેડલ પર છે. દીપિતા પોતાના સતત ત્રીજા ઓલિમ્પિકમાં ઉતરશે. કોવિડ 19 મહામારીને કારણે ઓલિમ્પિક હવે આગામી વર્ષે યોજાશે. 2019 વિશ્વ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલના આધાર પર ભારતે ટોક્યો ઓલિમ્પિક માટે પુરૂષ ટીમનો ક્વોટા હાસિલ કર્યો છે. અતનુ દાસ સિલ્વર મેડલ જીતનારી ભારતીય ટીમનો સભ્ય હતો અને સતત પોતાના બીજા ઓલિમ્પિક માટે ટોક્યો જવા માટે તૈયાર છે.

(5:20 pm IST)