Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

આ વખતે શ્રાવણ મહિનામાં અદ્‌ભૂત સંયોગઃ શરૂઆત સોમવારથી અને અંત પણ સોમવારે થશે

અમદાવાદ: શ્રાવણ મહિનો એક એવો મહિનો છે, જેનું હિન્દુ ધર્મમાં બહુ જ મહત્વ હોય છે. આ મહિનો ભગવાન શિવનો પવિત્ર મહિનો છે. આ મહિનામાં ભગવાન શિવની પૂજા, ભક્તિ અને આરાધના થાય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ પાવન મહિનો ભગવા શિવનો હોય છે અને જે પણ કોઈ સાચા મનથી ભગવાન શિવની પૂજા કરે છે, તેની તમામ મનોકામના પૂરી થાય છે. હિન્દુ ધર્મમાં આ મહિનાને મનોકામના પૂર્ણ કરવાનો મહિનો કહેવાય છે. આ વર્ષે આ મહિનો 6 જુલાઈથી શરૂ થાય છે. તે પણ એક અદભૂત સંયોગની સાથે....

આ વખતે શ્રાવણ મહિનાની શરૂઆત સોમવારથી થઈ રહી છે. તેમનો મહિનાનો અંત પણ સોમવારથી થઈ રહ્યો છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, શ્રાવણ મહિનાની શરૂઆત અને અંત સોમવારથી થવુ શુભ માનવામાં આવે છે.

આ શ્રાવણમાં પાંચ સોમવારના વ્રત હશે. આ વ્રતમાંથી ત્રણ કૃષ્ણ પક્ષ અને બે શુક્લ પક્ષમાં રહેશે. આ શ્રાવણની ખાસિયત એ છે કે, આ વખતે ભાઈબહેનોનો પ્રિય તહેવાર રક્ષાબંધન શ્રાવણના અંતિમ સોમવાર એટલે કે 3 ઓગસ્ટના રોજ પડી રહ્યો છે.

આ શ્રાવણ મહિનાની શરૂઆત 6 જુલાઈથી થઈ રહી છે. શ્રાવણનો બીજો સોમવાર 13 જુલાઈ, ત્રીજો સોમવાર 20 જુલાઈ, ચોથો સોમવાર 27 જુલાઈ અને 3 ઓગસ્ટના રોજ શ્રાવણનો છેલ્લો સોમવારા આવી રહ્યો છે.

શ્રાવણ મહિનાના સોમવારના રોજ સોમવારે જલ્દી ઉઠીને સૌથી પહેલા સ્નાન કરો. શિવમંદિર જઈને ભગવાન શિવ પર અભિષેક કરો. આ વર્ષે જો તમે કોરોના મહામારીને પગલે મંદિરમાં ન જઈ શકો તો ઘરમાંજ  ભગવાન શિવની આરાધના કરો. ભગવાન શિવની સાથે જ માતા પાર્વતી અને નંદીની પણ પૂજા કરો.

ભગવાન શિવનો પંચામૃતથી રુદ્રાભિષેક કરો અને બીલ પત્ર અર્પિત કરો. શિવલિંગ પર ધતૂરો, ચોખા, ભાંગ ચઢાવો. પ્રસાદના રૂપમાં ભગવાન શિવને ઘી-ખાંડનો ભોગ ચઢાવો. ધૂપ, દીપથી ભગવાન શિવની આરતી કરો અને પ્રસાદ વિતરણ કરો.

ધ્યાન રાખો કે,  ભગવાન શિવી પૂજામાં કેતકીના ફૂલનો ઉપયોગ ન કરો. આ ઉપરાંત પ્રયાસ કરો કો તાંબાના વાસણથી જ ભગવાન શિવને અભિષેક કરો. એવી માન્યતા છે કે, સોમવારના દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી જીવનમાં તમામ પરેશાનીઓથી છૂટકારો મળે છે.

(5:15 pm IST)